હિંમત ના હારો

બીજાની ભૂલો જોતાં પહેલાં પોતાની ભૂલો શોધો. બીજાની બૂરાઈ કરતાં પહેલાં પોતાનામાં કોઈ બૂરાઈ છે કે નહિ તે જુઓ. જો હોય તો પહેલાં તેને દૂર કરો. બીજાઓની નિંદા કરવામાં જેટલો સમય વેડફો છો તેને આત્મોત્કર્ષમાં ખર્ચો. એનાથી તમને સમજાશે કે પરનિંદા કરવાથી વધતા દ્વેષને છોડીને તમે પરમાનંદની પ્રાપ્તિ તરફ જઈ રહ્યા છો.

સંસારને જીતવાની ઇચ્છા રાખનારા હે મનુષ્યો ! પહેલાં પોતાને જીતવાનો પ્રયત્ન કરો. જો તમેઆટલું કરી શકશો તો તમારું વિશ્વવિજેતા બનવાનું સ્વપ્ન એક દિવસ અવશ્ય પૂરું થશે. તમે પોતાના જિતેન્દ્રિય રૂપ દ્વારા સંસારના બધા લોકોને પોતાના ઇશારે ચલાવી શકશો. સંસારનો કોઈ પણ માણસ તમારો વિરોધી નહિ રહે.

૧ – જે લોકો આધ્યાત્મિક ચિંતનથી વિમુખ થઈને માત્ર લોકહિતનાં કાર્યો કરતા રહે છે તેઓ પોતાની સફળતા અથવા સદ્દગુણોથી મોહિત થઈ જાય છે. તેઓ પોતાને લોકસેવક માને છે. તેઓ આશા રાખે છે કે બધા લોકો તેમનાં કાર્યોની પ્રશંસા કરે અને તેમનું કહેલું માને. એમનું અભિમાન તેમને અનેક લોકોના શત્રુ બનાવી દે છે. એમની લોકસેવા તેમને સાચા લોકસેવક બનાવવાના બદલે તેમનું અહિત કરે છે.

આધ્યાત્મિક ચિંતન કર્યા વગર મનુષ્યમાં નમ્રતાનો ભાવ આવતો નથી તથા તેનામાં પોતાને સુધારવાની શક્તિ રહેતી નથી. તે એક પછી એક ભૂલો કરતો જાય છે અને પોતાના જીવનને નિષ્ફળ બનાવી દે છે.

૨ – આપણે જે ભારતીય વિચારધારાનો પ્રચાર કરવા ઇચ્છીએ છીએ તેનાથી આપણાં બધાં કષ્ટોનું નિવારણ થઈ શકે છે. રાજસત્તા દ્વારા આપણા અધિકારોની રક્ષા થઈ શકે છે, પણ જેમાંથી આપણાં સુખ દુખની ઉત્પત્તિ થાય છે તે સ્થાનનું નિયંત્રણ રાજસત્તા કરી શકતી નથી. આ કાર્ય આધ્યાત્મિક ઉન્નતિથી જ થઈ શકે છે.

ભારતીય સંસ્કૃતિમાં માણસને સાચો માણસ બનાવવાની શક્તિ છે. આ સંસ્કૃતિ આપણને શિખવાડે છે કે માણસ માણસને પ્રેમ કરવા માટે જન્મ્યો છે, લડવા કે મારવા માટે નહિ. જો આપણાં બધાં કાર્યો સાચી રીતે થતાં રહેશે તો ભારતીય સંસ્કૃતિનો સૂર્ય સોળે કળાએ ખીલશે.

૩ – જો તમે શાંતિ એને સામર્થ્ય ઈચ્છતા હો તો પોતાના અંતરાત્માનો સહારો લો. તમે આખા સંસારને છેતરી શકો છો, પણ પોતાના આત્માને નહિ. જો દરેક કાર્ય પોતાના અંતરાત્માના અવાજ પ્રમાણે કરવામાં આવે તો વિવેકના માર્ગેથી ચલિત નહિ થવાય. આખી દુનિયાના વિરોધ છતાં જો તમે તમારા અંતરાત્માના આદેશનું પાલન કરશો તો તમને સફળતા મળશે જ.

જયારે કોઈ માણસ પોતાને અદ્વિતીય માનવા લાગે છે અને ચરિત્રની બાબતમાં પોતાને શ્રેષ્ઠ માને છે ત્યારે તેનું આધ્યાત્મિક પતન થાય છે.

૪ – મનુષ્યમાં બધાં માટે સદ્ભાવના રાખવી, સચ્ચરિત્રતા સાથે સંયમપૂર્વક જીવન જીવવું, બીજાનું ભલું કરવા માટે પ્રયત્ન કરતા રહેવું, સત્પ્રયોજનો માટે જ વાણી ઉપયોગ કરવો, ઈમાનદારીની કમાણીથી ગુજરાન કરવું, ભગવાનનું સ્મરણ કરતા રહેવું, પોતાનું કર્તવ્ય કરતા રહેવું, ગમે તેવી પરિસ્થિતિઓમાં વિચલિત ન થવું – આ બધાં નિયમોનું પાલન કરવાથી જીવન યજ્ઞમય બની જાય છે. માનવજીવનને સફળ બનાવવું એ જ સાચી દીર્ઘદ્રષ્ટિ અને બુદ્ધમત્તા છે.

જ્યાં સુધી આપણામાં અહંકાર રહેશે ત્યાં સુધી ત્યાગની ભાવનાનો ઉદય થઈ શકશે નહિ.

પ – ઊઠો, જાગો અને લક્ષ્ય પૂરું ન થાય ત્યાં સુધી અટકો નહિ.

બીજું કોઈ આપણી નિંદા કે બૂરાઈ કરે, દુઃખ થાય તેવી વાત કહે તો તેનો જવાબ ન આપવાથી અને સહન કરવાથી વેર આગળ વધતું નથી. એનો સર્વશ્રેષ્ઠ ઉપાય મૌન છે. જે પોતાના કાર્યમાં રચ્યો પચ્યો રહે છે અને બીજાઓના અવગુણો જોયા નથી કરતો તેને આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

જીવનમાં ઉતાર ચઢાવ તો આવતા જ રહે છે. હસતા રહો, સ્મિત કરતા રહો. જે હસે નહિ કે સ્મિત ના કરે એવું મુખ શા કામનું?

જે લોકો પોતાની માનસિક સ્થિરતા જાળવવા ઈચ્છે છે તેમણે બીજા આલોચના કરે તેનાથી ચિડાવું ના જોઈએ.

૬ – આ સંસારમાં અનેક મુશ્કેલીઓ આવશે. તે સહન કરતાં તમારે શીખવું પડશે. તે પૂર્વકર્મોના ફળસ્વરૂપે આવે છે. એક બાજુ ગભરાટ, થાક અને નિરાશાઓ છે, તો બીજી બાજુ અત્યંત પ્રબળ શક્તિ પણ છે. તમારું કામ પૂરું કર્યા પછી એક બાજુ ખસી જાઓ. કર્મના ફળને સમયના પ્રવાહમાં વહેવા દો.

પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કરો અને પછી આત્મસમર્પણ કરો. કોઈ પણ ઘટનાથી હતોત્સાહ ન થાઓ. તમારો અધિકાર માત્ર તમારાં જ કર્મો પર છે, બીજાનાં કર્મો પર નહિ. કોઈની આલોચના ના કરો, કોઈ આશા ના રાખો, ભય ના પામો. બધું સારું જ થશે. પરિસ્થિતિઓ આવે છે અને જાય છે. તમે ખિન્ન ના થશો. તમે એક મજબૂત પાયા પર ઊભા છો.

૭ – જેણે સાક્ષાત્કાર કર્યો છે તેવો પુરુષ બીજાઓને દોષ દેતો નથી કે પોતાને ખૂબ શક્તિશાળી માનીને તે પરિસ્થિતિઓની અવહેલના પણ કરતો નથી.

હડકાયા કુતરાથી જેટલા સાવધાન રહીએ છીએ એટલા જ સાવધાન અહંકારથી પણ રહો. જેવી રીતે તમે ઝેર કે ઝેરી સાપને અડકતા નથી એ જ રીતે સિદ્ધિઓથી દૂર રહો અને જે લોકો દલીલો કરતા હોય તેમનાથી પણ દૂર રહો. પોતાના મન અને હૃદયની તમામ ક્રિયાઓને ઈશ્વર તરફ વાળી દો.

બીજાઓ ઉપર આધાર રાખશો તો તમે ખૂબ લાચાર અને દુઃખી થઈ જશો. પોતાના આત્માનું જ માર્ગદર્શન લો. તમારી સત્યપ્રિયતા તમને દૃઢ બનાવશે અને દૃઢતા લક્ષ્ય સુધી પહોંચાડશે.

૮ – જે કાંઈ થાય તે થવા દો. તમારા વિશે લોકો જે કહે તે કહેવા દો. તમને તે વાતો મૃગજળ જેવી અસાર લાગવી જોઈએ. જો તમે સંસારનો સાચી રીતે ત્યાગ કર્યો હશે, તો તમને કષ્ટ નહિ થાય. પોતાની આલોચના કરવામાં કોઈ કસર ન રાખશો. આનાથી તમારી સાચી ઉન્નતિ થશે.

દરેક ક્ષણ અને અવસરનો લાભ લો. માર્ગ લાંબો છે. સમય ઝડપથી સરી રહ્યો છે. સંપૂર્ણ આત્મબળથી કાર્યમાં જોડાઈ જાઓ. લક્ષ્ય સુધી અવશ્ય પહોંચી જશો.

કોઈ પણ બાબતથી ક્ષોભ ન પામો. મનુષ્યમાં નહિ, પરંતુ ઈશ્વરમાં વિશ્વાસ રાખો. તે તમને સાચો રસ્તો બતાવશે.

૯ – સહનશીલતાનો અભ્યાસ કરો. પોતાની જવાબદારીઓને સમજો. કોઈના દોષો જોતાં અને તેની ટીકાટિપ્પણી કરતાં પહેલાં પોતાના દોષો શોધી કાઢો. જો તમે તમારી વાણી પર કાબૂ ન રાખી શકતા હો તો તેને બીજાઓને નહિ, પણ પોતાને પ્રતિકૂળ હોય તેવો ઉપદેશ આપવા દો.

સૌથી પહેલાં પોતાના ઘરને વ્યવસ્થિત કરો, કારણ કે આચરણ વગર આત્માનુભવ થઈ શકતો નથી. નમ્રતા, સરળતા, સાધુતા, સહિષ્ણુતા આ બધાં આત્માનુભવનાં મુખ્ય અંગો છે.

બીજાઓ તમારી સાથે કેવું વર્તન કરે છે તેની ચિંતા ના કરો. આત્માની ઉન્નતિ કરવામાં તત્પર રહો. જો આ તથ્યને સમજી લેશો તો એક મોટા રહસ્યને સમજી શકશો.

૧૦ – તમે તમારા મનને હંમેશા કામમાં વ્યસ્ત રાખો. તેને નવરું ન પડવા દો. જીવન ગંભીરતાપૂર્વક જીવો. તમારી સામે આત્મોન્નતિનું મહાન કાર્ય છે અને સમય ઓછો છે. જો તમે સાવધાની નહિ રાખો અને મનને ભટકવા દેશો તો તમારે શોક કરવો પડશે અને એના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિમાં પહોંચી જશો.

જો ધીરજ અને આશા રાખશો તો તમારામાં જીવનની તમામ પરિસ્થિતિઓનો સામનો કરવાની શક્તિ આવી જશે. પોતાના બળે ઊભા રહો. જો જરૂરી લાગે તો સમગ્ર સંસારને પડકાર ફેંકો. એનાથી તમને કોઈ હાનિ નહિ થાય. તમે માત્ર મહાન વસ્તુઓથી સંતુષ્ટ રહો. બીજા લોકો ભૌતિક ધનની પાછળ પડે છે, તમે અંતઃકરણના ધનને શોધો.

Share Story

Leave a Comment