સૌથી મોટું ધન!

એક ગામમાં રામુ નામનો એક ગરીબ મજૂર રહેતો હતો. એ બિચારો દરરોજ કમાતો અને દરરોજ ખાતો. ઘર-કુટુંબ સુખી હતું પણ રામુ સુખી નહોતો.

રામુ કાયમ એમ જ વિચાર કરતો કે કંઈક એવું થઈ જાય કે જેના કારણે મારી પાસે ઘણું ધન આવી જાય.

આ વાત એ દરરોજ પ્રાર્થના સમયે ભગવાન શિવને કહેતો. ક્યારેક તો કંટાળીને એમની ઉપર ગુસ્સે થઈને, “ભગવાન ! તમે મારી વાત સાંભળતાં કેમ નથી? એવું પણ કહી દેતો.”

એક દિવસ રામુ કામ કરવા જતો હતો. રસ્તામાં જ ભગવાન શિવ એની સામે પ્રગટ થયા અને કહ્યું: “રામુ, હું તારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું. તારી ઈચ્છા હોય તે માંગ, બોલ શું માંગવું છે?”

પહેલા તો રામુ પોતાની સામે સાક્ષાત ભગવાન શિવને જોઈને ગભરાઈ ગયો. એણે કદી વિચાર્યું પણ નહોતું કે ભગવાન શિવ પોતે આ રીતે રસ્તામાં મળશે. નવાઈ અને ભયને કારણે તેના ગળામાંથી અવાજ જ ન નીકળ્યો.

ભગવાને ફરી કહ્યું: “રામુ ! બોલતો કેમ નથી? તારે શું જોઈએ છે?”

ખૂબ જ મુશ્કેલીપૂર્વક રામુ માત્ર એટલું જ બોલી શક્યો: “ભગવાન ! શું આપ કાલે નથી આવી શકતા?”

ભગવાને સ્મિત કરીને કહ્યું: “સારું, હું આવતીકાલે આજ જગ્યાએ અને આજ સમયે મળીશ. ત્યાં સુધી તારે શું જોઈએ છે તે વિચારી લેજે.”

આટલું કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા.

 

ઘેર જઈને રામુ વિચારમાં પડી ગયો. ભગવાન પાસે કઈ વસ્તુ મંગાવી? પોતાની પત્ની અને બાળકોને લઈને નાના ઝૂંપડી  જેવા ઘરમાં એક ખૂણામાં બેસી ગયો. રામુએ આ વાત કોઈને કરી નહીં. માત્ર પોતે એકલો વિચારવા લાગ્યો કે ભગવાન પાસેથી શું મંગાવું જોઈએ?

એકાએક એને વિચાર આવ્યો: “ભગવાન પાસે મોટા બંગલા જેવું મકાન માંગવું જોઈએ. ગામનો શાહુકાર પણ કેવા મોટા મકાનમાં રહે છે ! લોકો ઉપર કેટલો રુઆબ ધરાવે છે ! લોકો એને કેટલું માન-સન્માન આપે છે ! હવે હું પણ મોટા મકાનમાં રહીશ. લોકો પર રુઆબ છાંટીશ. બધા મારી ઈર્ષ્યા કરશે. બસ હવે હું ભગવાન પાસે જમીનદારી માંગી લઈશ. એટલે બધાં જ દુઃખ દૂર થઈ જશે.”

બીજી જ પળે એને વિચાર આવ્યો: “આ જમીનદારની કિંમત કેટલી? જમીનદાર કરતાં તો રાજાનો મંત્રી મોટો હોય છે. એ જયારે જમીનદાર પાસે વેરો લેવા આવે છે ત્યારે જમીનદાર એની સાથે હાથ જોડીને કેવી લાચારીથી કહે છે…. ના જમીનદારી તો નાની કહેવાય. હું ભગવાન પાસે રાજના મંત્રીની પદવી માંગી લઈશ. એ જ બરાબર છે.”

બીજી જ ક્ષણે તેણે વિચાર્યું: “મંત્રી તો રાજાનો સેવક હોય છે. રાજા જે હુકમ કરે તે કામ કરવું પડે છે. માટે રાજા જ સૌથી મોટો ગણાય. જયારે ભગવાને મારી ઈચ્છા પુરી કરવાનું કહ્યું છે તો હું રાજ-પાટ શા માટે ન માંગું?”

રામુએ નક્કી કરી લીધું કે એ ભગવાન પાસે રાજ-પાટ માંગશે. એ પ્રમાણે નક્કી કરીને રામુ સૂઈ જવા પ્રયત્ન કરવા લાગ્યો. પણ ઊંઘ ન આવી.

એને ફરી વિચાર આવ્યો: “સામાન્ય કક્ષાનો રાજા શા માટે બનું? હું તો હવે ચક્રવર્તી રાજા જ બનીશ. ખૂબ મોટું રાજ્ય માંગીશ. આજુ-બાજુના રાજ્યો યુદ્ધ કરીને જીતી લઈશું.”

આમ જેમ-જેમ એ વિચાર કરતો ગયો તેમ-તેમ એની ઈચ્છાઓ વધવા લાગી. એમ ને એમ સવાર પડી ગઈ. રામુ ભગવાનને મળવા માટે દોડ્યો. પરંતુ આટલા વિચારો કરવા છતાં એ નક્કી કરી શક્યો નહોતો કે ભગવાન પાસે શું માંગવું?

બરાબર એ જ સમયે રસ્તામાં એ જ જગ્યાએ ભગવાન તેની સામે પ્રગટ થયા. ભગવાને કહ્યું: “રામુ ! બોલ ! તારે શું જોઈએ છે? જે માંગીશ તે હું તને જરૂર આપીશ.”

રામુએ કહ્યું: “ભગવાન ! મારી ઈચ્છાઓનો કોઈ અંત નથી. એક વસ્તુ હું નક્કી કરું છું ત્યાં જ બીજી વસ્તુ મારા મગજમાં આવે છે અને પહેલી વસ્તુ તુચ્છ લાગે છે. ભગવાન ! હું જેવો છું તેવો જ મને રહેવા દો. બસ આત્મસંતોષનું દાન આપો. આત્મસંતોષ કરતાં મોટું ધન બીજું કોઈ નથી.”

ભગવાને કહ્યું: “રામુ ! હું તારી વાત, તારા વિચારો જાણીને ખૂબ જ પ્રસન્ન થયો છું. ખરેખર આત્મસંતોષ એ જ મોટું ધન છે અને સૌથી મોટું પદ છે. જેની પાસે આત્મસંતોષ નથી તે દુનિયાભરનું ધન લઈને પણ સુખી નથી. હું તને આત્મસંતોષના ધન વડે માલામાલ બનાવું છું. તથાસ્તુ !”

આટલું કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા.

એ દિવસ પછી રામુ ક્યારેય દુઃખી થયો નહીં.

Share Story

Leave a Comment