ઘણા સમય પહેલાની વાત છે.
એ સમયે સસલાના માથે મોટાં-મોટાં શીંગડાં હતાં. નાનકડાં સસલાભાઈને માથે મોટાં શીંગડાં હોવાને કારણે હાલવા-ચાલવામાં ખૂબ જ અગવડ પડતી હતી.
ક્યારેક કોઈ શિકારી કે હિંસક પ્રાણીથી બચવા માટે સસલાભાઈ સંતાવા માટે ઝાડી-ઝાંખરામાં જાય ત્યારે શિંગડાં ભરાઈ જાય. વળી ત્યાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની જતું હતું.
આમ સસલાભાઈ માટે કુદરતે આપેલા શિંગડાં એક જાતની મુશ્કેલી ઊભી કરતાં હતાં. ક્યારેક જીવનું જોખમ પણ થઈ જતું. પણ થાય શું?
આ શિંગડાંને કારણે સસલાભાઈ રાત દિવસ દુ:ખી રહેવા લાગ્યા. એક ચાલાક પ્રાણી હોવા છતાં તે આ બાબતમાં કંઈ કરી શકે તેમ નહોતા.
એક દિવસ સસલાભાઈ પાણીની માટલી ભરીને આવી રહ્યા હતા. હજી થોડુંક ચાલ્યા ત્યાં જ શિંગડાં એક ઝાડ સાથે ભરાઈ ગયાં. અને પાણીની માટલી ભ….ફા…ક…… કરતી ફૂટીને નીચે પડી ગઈ. બધું પાણી ઢોળાઈ ગયું.
બિચારા સસલાભાઈ તો રડવા માંડ્યા.
એ સમયે ત્યાંથી એક સાબર નીકળ્યું.
સસલાને રડતો જોઈને તેણે પૂછ્યું: “સસલાભાઈ ! તમે આમ શા માટે રડો છો?”
સસલાભાઈએ કહ્યું: “શું કરું મિત્ર? મારા દુ:ખનો પાર નથી !”
સાબરે પૂછ્યું: “તમને શું દુ:ખ છે? મને વાત કરો તો હું કંઈક ઉપાય શોધી કાઢું.”
સસલાએ કહ્યું: “આ લાંબા-લાંબા શિંગડાંને કારણે હું દુઃખી દુઃખી થઈ ગયો છું. ડગલે ને પગલે હું મુશ્કેલીમાં ફસાઈ જાઉં છું. અને જુઓ અત્યારે આ પાણીની માટલી ફૂટી ગઈ. બધું પાણી ઢોળાઈ ગયું.”
સાબરે કહ્યું: “સસલાભાઈ ! તમારા શિંગડાં તો કુદરતે આપેલી ભેટ છે. કુદરત આપણને જે આપે તે આપણે માન-પૂર્વક સાચવવું જોઈએ. એમાં કોઈનું કંઈ ન ચાલે.”
સસલાભાઈએ આગળ કહ્યું: “પણ હવે આ શિંગડાંને કારણે થતી હેરાનગતિ સહન કરી શકું તેમ નથી. ભગવાન પણ કેવો છે ! મારા જેવા નાના અમથા પ્રાણીને આવા મોટા-મોટા શિંગડા આપી દીધા અને તારા જેવા મોટા પ્રાણીને કંઈ જ નથી આપ્યું. જો આવા શિંગડાં તારા માથે હોત તો જરૂર તારી શોભા વધી જાત. ખરેખર આવા શિંગડાં તો તને જ શોભે.”
સાબરે કહ્યું: “સસલાભાઈ ! તમારી વાત સો એ સો ટકા સાચી. જો આવા શિંગડાં મારી પાસે હોય તો મારો વટ પડી જાય. હું મોટો હોવાથી શિંગડાંનો ભાર ઉપાડી પણ શકું અને કોઈ મારવા આવે તો બચાવ પણ કરી શકું.”
સસલાભાઈએ કહ્યું: “તો પછી મારા શિંગડાં તું લઈ લે.”
સાબરે કહ્યું: “ના ભાઈ ના. તમારા શિંગડાં તો વાંકાચૂંકા છે. મારે તો સીધાસટ શિંગડાં જોઈએ.”
સસલાએ નકલી ગુસ્સો કરતાં કહ્યું: “એવા શિંગડાં તે વળી તને કોણ આપવાનું છે? એના કરતાં મારી પાસે રહેલા શિંગડાં જેવા છે એવા થોડાક દિવસ માટે લઈ લે. જો તને કંઈ પણ મુશ્કેલ લાગે કે અનુકૂળ ન આવે તો મને પાછા આપી દેજે.”
સાબરે કહ્યું: “અને પછી તારા શિંગડાં તું પાછાં ન લે તો?”
સસલાએ કહ્યું: “તને મારી ઉપર આટલો વિશ્વાસ પણ નથી?”
સાબરે કહ્યું: “તારી ઉપર વિશ્વાસ કરવા જતાં ક્યાંક ફસાઈ પડીશ તો?”
સસલાએ કહ્યું: “જો એમ જ હોય તો આપણે કોઈને વચમાં જામીન રાખીએ. પછી?”
બરાબર એ જ સમયે એક કૂતરો ત્યાંથી પસાર થયો. સાબરે તેને બૂમ પાડીને બોલાવ્યો: “અરે કૂતરાભાઈ, ઓ કૂતરાભાઈ. જરા અહીં આવો તો.”
કૂતરો ત્યાં આવી પહોંચ્યો.
કૂતરાએ પૂછ્યું: “બોલો મારું શું કામ પડ્યું?”
સાબરે કહ્યું: “ભાઈ ! તમારે અમારાં જામીન થવાનું છે.”
સાબરે કૂતરાભાઈને બધી વાત કહી સંભળાવી.
કૂતરાભાઈએ કહ્યું: “સસલાભાઈ ! આ સાબર એક અઠવાડિયા સુધી તમારા શિંગડાં પોતાની પાસે રાખશે. પછી જો એને માફક ન આવે તો તમને પાછા આપી દેશે. પણ જો એ અનુકૂળ આવી જશે તો જ કાયમ માટે રાખી લેશે. બોલો આ શરત કબૂલ છે?”
સસલાભાઈએ કહ્યું: “હા, મને કબૂલ છે. જો આ શિંગડાંને કારણે સાબરને કોઈ મુશ્કેલી આવે અને ન ફાવે તો આઠ દિવસ પછી શિંગડાં હું પાછા લઈશ.”
આમ કૂતરાની સાક્ષીએ સસલાભાઈએ પોતાના શિંગડાં સાબરને આપી દીધા.
જેવા સાબરે શિંગડાં પોતાના માથે પહેરી લીધા કે તરત જ સસલાભાઈનો ભાર અને ચિંતા ઓછા થઈ ગયા. એ તો કૂદતો કૂદતો, નાચતો-નાચતો ઝાડીઓમાં જતો રહ્યો. જ્યારે મોટા-મોટા શિંગડાં મેળવી સાબર પણ ખુશ થઈ ગયું.
પરંતુ એ ખુશી લાંબો સમય ન રહી. સાબરના માથે રહેલા શિંગડાં જ્યાં-ત્યાં ભરાઈ જવા લાગ્યાં. જ્યારે શિકારીથી બચવા ઝાડીમાં ભાગે, ત્યારે શિંગડાં ભરાઈ જાય અને માંડ-માંડ છૂટા થાય.
આમ માત્ર ત્રણ-ચાર દિવસમાં જ શિંગડાંને કારણે સાબર હેરાન-પરેશાન થઈને કંટાળી ગયું. છેવટે એ શિંગડાં પાછા સસલાભાઈને આપવા માટે તૈયાર થઈ ગયું. સસલાભાઈ પાસે જઈને કહ્યું: “સસલાભાઈ ! તમારા શિંગડાં પાછા લઈ લો. હું તો ભાઈ કંટાળી ગયો.”
સસલાભાઈએ લુચ્ચાઈથી કહ્યું: “માંડ-માંડ આ શિંગડાં તમને વળગાડ્યાં છે. હવે પાછા આપવાની વાત કરશો નહીં.”
સાબરને આ સાંભળી દુઃખ થયું.
સાબરે કહ્યું: “ભાઈ ! આપણી વચ્ચે એવી શરત થઈ હતી કે મને આ શિંગડાં ન ફાવે તો તમારે પાછા લઈ લેવા.”
સસલાભાઈએ હસતાં-હસતાં કહ્યું: “અરે ભાઈ ! એ બધી વાતો કહેવાની હોય. હું કોઈ પણ રીતે શિંગડાં પાછા લેવાનો નથી.”
સાબરે કહ્યું: “તમે આમ બોલીને ફરી જાવ તે ન ચાલે. મેં તમારી ઉપર વિશ્વાસ કર્યો છે. હું જામીન બનેલા કૂતરા પાસે જઈને તમારી ફરીયાદ કરીશ.”
સસલાભાઈએ નફફટાઈપૂર્વક કહ્યું: “તારે જ્યાં જવું હોય ત્યાં જા અને જે કરવું હોય તે કર.”
તરત જ બિચારું સાબર કૂતરા પાસે ગયું.
સાબરે કૂતરાને બધી વાત કરી.
હવે કૂતરો સસલાભાઈ પાસે આવ્યો અને કહ્યું: “સસલાભાઈ ! તમે મારી રૂબરૂમાં સાબર પાસેથી શિંગડાં પાછા લેવાનું કહ્યું હતું. તે પાછા લઈ લો.”
સસલાભાઈ તેને પણ ન ગાંઠ્યા: “ના હું કોઈ પણ રીતે શિંગડાં પાછા લેવાનો નથી.”
આ સાંભળી કૂતરો ગુસ્સે ભરાયો અને બરાડ્યો: “તો હું તમને જીવતાં નહીં છોડું.”
કૂતરો સસલાભાઈને મારવા દોડ્યો. પરંતુ ચતુર અને ચપળ સસલાભાઈ ઝાડીઓમાં ઘૂસી ગયા. ત્યારથી કૂતરા અને સસલા વચ્ચે દુશ્મની બંધાઈ ગઈ. એ વખતથી જ પેલા શિંગડાં સાબર પાસે જ રહી ગયા.
આજે પણ બિચારું સાબર શિંગડાંનો ભાર સહન કરે છે, અને કૂતરાને જોઈને સસલાભાઈ ઝાડીમાં સંતાઈ જાય છે.