વિપત્તિઓથી ડરો નહિ સામનો કરો

માણસની ઈચ્છા હોય કે ન હોય, છતાં જીવનમાં પરિવર્તનશીલ પરિસ્થિતિઓ આવતી રહે છે. આજ ઉતાર હોય તો કાલે ચઢાવ. ઉપર ચઢેલા નીચે પડે છે અને નીચે પડેલા ઉપર ચઢે છે. આજે આંગળીના ઈશારે ચાલનારા અનેક અનુયાયીઓ હોય, તો કાલે સુખ દુઃખ પૂછનાર કોઈ પણ નથી રહેતું. રંક એક દિવસ ધનવાન બની જાય છે, તો ધનવાન નિર્ધન બની જાય છે. જીવનમાં આવા પ્રકારની પરિવર્તનશીલ પરિસ્થિતિઓ આવતી-જતી રહે એ નિયતિચક્રનો સ્વાભાવિક ક્રમ છે. મોટા ભાગની વ્યક્તિઓ સુખ, સુવિધા, સંપન્નતા, લાભ, પ્રગતિ વગેરેમાં પ્રસન્ન અને સુખી રહે છે, પરંતુ દુઃખ, મુશ્કેલી, નુકશાન વગેરેથી દુઃખી અને ઉદ્વિગ્ન થઈ જાય છે. આ મનુષ્યના એકાંગી દ્રષ્ટિકોણનું પરિણામ છે અને આ જ કારણે મુશ્કેલી, મુસીબત, કષ્ટ વગેરે શબ્દોની રચના થઈ. વાસ્તવમાં માનવજીવનમાં રાત અને દિવસનું હોવું, ઋતુઓનું બદલાવું, આકાશમાં ગ્રહનક્ષત્રોનું વિભિન્ન સ્થિતિઓમાં ગતિશીલ રહેવું વગેરે જેટલું જ પરિવર્તન પણ મહત્ત્વપૂર્ણ, સહજ અને સ્વાભાવિક છે, પરંતુ માત્ર સુખ, લાભ અને અનુકૂળ પરિસ્થિતિઓની જ આકાંક્ષાના એકાંગી દ્રષ્ટિકોણના પરિણામે મનુષ્ય દુઃખ, મુશ્કેલીઓ અને વિપન્નતાઓથી રડતો રહે છે તથા બીજાઓને કે ઈશ્વરને દોષ દે છે, ફરિયાદ કરતો રહે છે. તેનાથી તેની સમસ્યાઓ વધતી જ જાય છે, ઘટતી નથી. જે વિપરીત સ્થિતિમાં કેટલાક લોકો રડતા હોય છે તથા માનસિક કલેસ અનુભવે છે, એ જ મુશ્કેલીઓમાં બીજી વ્યક્તિ નવીન પ્રેરણાઓ તથા નવો ઉત્સાહ મેળવીને સફળતા પામે છે. બળવાન મનની વ્યક્તિ મોટી મુશ્કેલીઓને સ્વીકારીને આગળ વધે છે, જયારે નિર્બળ માનવાળી વ્યક્તિ નાનીસરખી મુશ્કેલીથી પણ હતાશ થઈ જાય છે.

કસોટીની એરણે ચડ્યા વગર કોઈ પણ વસ્તુ ઉત્કૃષ્ટ બની શકતી નથી કે નથી તેનું મૂલ્ય હોતું. સોનું ભયંકર આગમાં તપીને જ શુદ્ધ અને ઉપયોગી બને છે. આકરા તાપમાં તપીને જ ખેતરમાં ઊભો પાક તૈયાર થાય છે. મૂર્તિ પર તીક્ષ્ણ છીણીના અસંખ્ય ઘા પડે છે. પરીક્ષાના અગ્નિમાં તપીને જ વસ્તુ શક્તીશાળી, સૌંદર્યયુક્ત, પ્રભાવશાળી અને મહત્ત્વપૂર્ણ બને છે. મનુષ્ય પણ મુશ્કેલીઓની આગમાં તપીને જ ઉત્કૃષ્ટ, સૌંદર્યયુક્ત, પ્રભાવશાળી અને મહત્ત્વપૂર્ણ બને છે. જીવનને વધુ ઉત્કૃષ્ટ અને મહત્તવપૂર્ણ બનાવવા માટે મનુષ્યે એટલી જ વધુ મુશ્કેલીઓ અને તકલીફોમાંથી પસાર થવું પડશે. વાસ્તવમાં મુશ્કેલીઓ, દુઃખ તથા તકલીફો જીવનની કસોટી છે. તેનાથી માણસનું વ્યક્તિત્વ ચમકી ઊઠે છે.

મુશ્કેલીઓ મનુષ્યના જીવનમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમને ખુલ્લા હૃદયથી સ્વીકારીને માનસિક વિકાસ સાધી શકાય છે. મુશ્કેલીઓનો ખુલ્લા દિલે સામનો કરવાથી ઈચ્છાશક્તિ પ્રબળ બને છે અને મોટાંમોટાં કામો કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. મુશ્કેલીઓમાં મનુષ્યની આંતરિક શક્તિઓ એકત્રિત અને સંગઠિત થઈને કામ કરે છે. જીવનની કોઈ પણ સાધના મુશ્કેલીઓમાંથી પસાર થવાથી જ પૂર્ણ થાય છે. આ રીતે મનુષ્ય ઈચ્છે તો મુશ્કેલીઓને વરદાન બનાવી શકે છે. જરૂર એ વાતની છે કે કસોટીમાંથી સફળ થવાનો પ્રયાસ ન છોડવો. પોતાની સાધના ચાલુ રાખવી. જે મનુષ્ય વિપત્તિઓનું ખુલ્લા દિલે સ્વાગત કરે છે, તે પોતે તો તેનાથી મળનારા લાભો પ્રાપ્ત કરે જ છે, પરંતુ બીજાઓ માટે પણ પ્રેરણા અને આદર્શ બની જાય છે. એક કાયર સૈનિકને રણમાંથી ભાગતો જોઈને બીજા કેટલાય સૈનિકો ભાગી છૂટે છે. આનાથી ઊલટું એક યોદ્ધો, જે પોતાના કર્તવ્યનું ધ્યાન રાખીને મુશ્કેલીઓમાં પણ લડતો રહે છે તેને જોઈને બીજા સૈનિકો પણ પ્રેરણા અને ઉત્સાહ મેળવીને લડતા રહે છે. તેમનામાં વીરતાનો ભાવ જાગૃત થાય છે.

સાંસારમાં એવો કોઈ માણસ નથી, જેને જીવનમાં ક્યારેય વિપત્તિઓ તથા મુશ્કેલીઓનો સામનો ન કરવો પડ્યો હોય. દિવસ અને રાત્રિની જેમ સુખ દુઃખનું કાળચક્ર સદાય ફરતું જ રહે છે. જેમ દિવસ પછી રાત્રિ આવે છે, તેવી જ રીતે સુખ પછી દુઃખ પણ આવે છે. તેનાથી મનુષ્યના સાહસ, ધૈર્ય, સહિષ્ણુતા અને આધ્યાત્મિકતાની પરીક્ષા થાય છે. વિપત્તિઓ વાસ્તવમાં બીજું કંઈ નથી, માત્ર પ્રતિકૂળતાઓ છે. આપણે જે વસ્તુઓની, જે પરિસ્થિતિઓની ઈચ્છા કરીએ છીએ તે પ્રાપ્ત ન થાય તેને વિપત્તિ કહે છે. આપણું જીવન સાદું, સ્વાવલંબી અને સહિષ્ણુ બનવાથી વિપત્તિઓનું પ્રમાણ ઘટશે અને કદાચ તે આવે તો પણ આપણે હસતાં હસતાં  તેમને સહજભાવથી સ્વીકારી શકીશું. વિપત્તિઓ સાહસ સાથે કર્મક્ષેત્રમાં આગળ વધવા માટેનો એક પડકાર છે. આપણે તેમનાથી ગભરાવું જોઈએ નહિ. ઘણીબધી મુશ્કેલીઓ માત્ર કાલ્પનિક હોય છે. નાનીમોટી વાતોને મહત્ત્વ આપીને આપણે ભયનું ભૂત ઊભું કરી લઈએ છીએ.

સુબોધરાયનો જન્મ પશ્ચિમ બંગાળમાં થયો હતો. છ વર્ષની ઉંમરે જ એક દિવસ સૂતાંસૂતાં તેમની આંખોની જ્યોતિ ચાલી ગઈ. તેમણે નિશ્ચય કર્યો કે હવેથી હું જ્ઞાનચક્ષુઓનો ઉપયોગ કરીશ. તેઓ એક અંધશાળામાં દાખલ થયા. પ્રથમ શ્રેણીમાં એમ.એ. પાસ કર્યું. શિષ્યવૃત્તિ મળતાં તેઓ ઇંગ્લેન્ડ તથા અમેરિકા ભણવા માટે ગયા. તેમની કુશાગ્ર બુદ્ધિ જોઈને એક બંગાળી વિદુષીએ તેમની સાથે લગ્ન કરી લીધાં. ડૉ. સુબોધરાયે પીએચ.ડી. કર્યા પછી તેમણે પોતાનું સમગ્ર જીવન અંધવિદ્યાલય બનાવવા માટે તથા તેમના કલ્યાણની સંસ્થાઓ બનાવવામાં વિતાવ્યું.

કેટલીક એવી વિપત્તિઓ હોય છે, જેમનો સાહસપૂર્વક સામનો કરવા છતાં પણ આપણું અનિષ્ટ કરે છે, પરંતુ આપણે ઈશ્વરીય વિધાન માનીને તેમનો પણ સહર્ષ સ્વીકાર કરવો જોઈએ. તેનાથી આપણું આંતરિક મનોબળ વધશે અને આપણે અઘરામાં અઘરી પરિસ્થિતિઓનો સામનો કરવાની શક્તિ એકઠી કરી શકીશું. આપણે કોઈ પણ પરિસ્થિતિમાં આપણા મનને સંતુલિત, શાંત અને સ્થિર રાખવું જોઈએ. આપણે આપણા કરતાં વધારે સંપન્ન અને સુખી વ્યક્તિઓને જોઈને ઈર્ષ્યાળુ તથા ખિન્ન થવાને બદલે આપણા કરતાં વધારે દુઃખી, શક્તિહીન તથા અભાવગ્રસ્ત લોકો તરફ જોઈને સંતોષ માનવો જોઈએ કે આપણા પર ભગવાનની ઘણી દયા છે.

યાદ રાખો કે વિપત્તિઓ માત્ર નબળા, કાયર અને આળસુઓને જ ડરાવે અને હરાવે છે. જે લોકો તેમની સામે સંઘર્ષ કરવા માટે કમર કસીને તૈયાર રહે છે એવા લોકોના વશમાં રહે છે. દૃઢ સંકલ્પવાળી કર્મઠ વ્યક્તિઓ ક્યારેય પોતાના જીવનમાં નિરાશ થતી નથી. ઉલટું, તેઓ બીજી નિરાશ અને હતાશ વ્યક્તિઓ માટે પ્રેરણાનું કેન્દ્ર બની જાય છે. રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ઈસુ, મહમ્મદ, સ્વામી દયાનંદ, મહાત્મા ગાંધી વગેરે મહાપુરુષોનાં જીવન સંકટો અને વિપત્તિઓથી ભરેલાં હતાં, પરંતુ તેઓ સંકટોની જરાય પરવા કર્યા વગર પોતાના કર્ત્તવ્યમાર્ગ પર નિરંતર ગતિથી ચાલતા રહ્યા. પરિણામે તેઓ તેમના ઉદ્દેશ્યમાં સફળ થયા અને આજે સંસાર તેમને ઈશ્વરીય અવતાર માનીને પૂજે છે.

Share Story

Leave a Comment