વાંસળી વાળો

એક ગામ હતું.

એક ગામમાં ઊંદરોનો ખૂબ જ ત્રાસ હતો. ગામમાં એટલા બધા ઊંદરો હતા કે આજુ-બાજુના ગામના લોકો એ ગામને ઊંદરોનું ગામ કહેતા હતા.

એ ગામમાં એવી કોઈ જગ્યા નહોતી જ્યાં ઊંદરો ન હોય. ઘરમાં, દુકાનમાં, વખારમાં, ખેતરોમાં દરેક જગ્યાએ ઊંદરો જ ઊંદરો દેખાતા હતાં.

એ ઊંદરો ઢગલાબંધ અનાજ ખાઈ જતાં હતાં. ઘરનો સામાન, વસ્ત્રો, કાગળો બધું જ કાતરી નાખતાં હતાં.

આખાય ગામમાં ઊંદરોએ હાહાકાર મચાવી દીધો હતો. ક્યારેક તો નિર્દોષ નાના બાળકોનું શરીર પણ કોરી ખાતાં હતાં. આ કારણે ગામના લોકોનું ખૂબ જ નુકસાન થતું હતું.

ગામના લોકો કોઈ પણ કિંમતે આ ઊંદરોથી પીછો છોડાવવા માંગતા હતા. એટલા માટે અનેકવાર તેઓ શિકાર કરનારાઓને બોલાવી ચુક્યા હતા. પરંતુ શિકારી ઊંદરોને કેવી રીતે પકડી શકે? ઊંદરોને પોતાને માથે આવનાર સંકટની ખબર પડી જતી અને પોત-પોતાના દરમાં ભરાઈ જતાં.

કેટલીય વાર ગામમાં બિલાડીઓ લાવવામાં આવી પણ ગામમાં રહેતા કુતરાના ભયથી બિલાડીઓ ભાગી જતી હતી.

અનેક વાર પ્રયત્નો કરવા છતાં તેઓ ઊંદરોનો નાશ કરી ન શક્યા. સૌ ખૂબ જ નિરાશ થઈ ગયા. ભગવાન હવે જે કરે તે ખરું એમ વિચારીને ભગવાન ઉપર આ બાબત છોડી દીધી.

 

છેવટે એક દિવસ ભગવાને એમની પ્રાર્થના સાંભળી. એ ગામમાં એક વાંસળીવાળો આવ્યો.

એણે જાણ્યું કે ગામના લોકો ઊંદરોથી ત્રાસી ગયા છે. હેરાન-પરેશાન થઈ ગયા છે.

વાંસળીવાળાએ ગામના લોકોને કહ્યું: હું તમારા ગામમાં રહેલા તમામ ઊંદરોનો નાશ કરી નાંખીશ. ત્યાર પછી તમને ગામમાં એક પણ ઊંદર જોવા નહીં મળે. કાયમ માટે તમારું દુઃખ દૂર થઈ જશે. પરંતુ એના બદલામાં મને એક હજાર સોનામહોરો આપવી પડશે.

ગામના લોકોએ વાંસળીવાળાની શરત મંજુર કરી. ઊંદરોનો નાશ કરે તો એક હજાર સોનામહોર આપવા કબૂલ થયા.

બીજા દિવસે વાંસળીવાળો મધુર સુર કાઢવા લાગ્યો. એ વાંસળીનો અવાજ સાંભળીને બધાં જ ઊંદરો ઘર, દુકાન, વખાર અને ખેતરોમાંથી બહાર આવી આવીને એ વાંસળીવાળાની પાછળ-પાછળ દોડીને ચાલવા લાગ્યા. વાંસળીવાળો ગામની એક-એક ગલીમાંથી પસાર થવા લાગ્યો કે દરેક જગ્યાએ રહેલા ઊંદરો એની પાછળ-પાછળ દોડવા લાગ્યા.

વાંસળીવાળો વાંસળી વગાડતો-વગાડતો ધીરે-ધીરે નદીના પાણીમાં ઉતારવા લાગ્યો. બધા ઊંદરો પણ એની પાછળ-પાછળ નદીના પાણીમાં ઊતરવા લાગ્યાં. આ રીતે ગામના બધા જ ઊંદરો પાણીમાં ડૂબીને મરી ગયાં.

ગામમાં હવે એક પણ ઊંદર બાકી ન રહ્યો.

વાંસળીવાળો ગામમાં પાછો આવ્યો. એ ગામના લોકો પાસે પોતાની મહેનતના પૈસા માંગવા લાગ્યો. ગામના લોકો વિચારવા લાગ્યા: હવે જયારે ગામમાં ઊંદરો રહ્યા જ નથી તો આ વાંસળીવાળાને એક હજાર સોનામહોરો શા માટે આપવી?

એમ વિચારીને એમણે વાંસળીવાળાને એક હજાર સોનામહોરો આપવાની ના પાડી દીધી. વાંસળીવાળો ગામના લોકો ઉપર ખૂબ જ ગુસ્સે થયો. વાંસળીવાળાએ તરત જ ગામના લોકોને પાઠ ભણાવવાનું મનમાં નક્કી કર્યું. કોઈને કંઈ પણ કહ્યા વગર એ વાંસળીનો મધુર સૂર રેલાવવા લાગ્યો.

આ વખતે એમાંથી નીકળતા સૂર કંઈક જુદા જ હતા. એવા નહોતા કે જેવા ઊંદરો માટે વગાડ્યા હતા. આ વખતે વાંસળીનો અવાજ સાંભળીને ગામના બધાં જ બાળકો એની આસ-પાસ ભેગા થવા લાગ્યાં. જોત-જોતમાં ગામમાં જેટલા પણ બાળકો હતા તે બધાં જ વાંસળીવાળા પાસે આવી ગયાં અને નાચવા-કૂદવા લાગ્યાં.

ઘણીવાર સુધી આમ થતું રહ્યું અને ગામના લોકો આનંદથી આ તમાશો જોતાં રહ્યાં. પછી એકાએક એ વાંસળીવાળો ગામની બહાર જતાં રસ્તા તરફ ચાલવા લાગ્યો.

ગામના લોકો એ સમજી ગયા કે હવે વાંસળીવાળો ક્યાં જશે? એટલે એકદમ ચોંકી ગયા. જરૂર આ વાંસળીવાળો ગામના લોકો પાસે બદલો લેવા માટે બાળકોને પણ ઊંદરોની જેમ જ નદીના પાણીમાં ડુબાડી દેશે.

ગામના લોકો આ વાત સમજી ગયા એટલે વાંસળીવાળાના પગે પડીને કહેવા લાગ્યા: ભાઈ ! અમને માફ કરી દે. અમારી ભૂલ થઈ ગઈ. અમારાં બાળકોને છોડી દે. અમે તને એક હજાર સોનામહોરો આપવા તૈયાર છીએ.

વાંસળીવાળાએ કહ્યું: ના, હવે હું તમારી પાસેથી દસ હજાર સોનામહોરો લઈશ. તમારા જેવા બેઈમાન લોકો માટે આ સજા બરાબર છે.

આ વખતે ગામના લોકોએ વાંસળીવાળાને દસ હજાર સોનામહોરો આપી અને પોતાનાં બાળકોને બચાવી લીધા.

Share Story

Leave a Comment