લોભીનો અંત

એક ગામ હતું. એ ગામમાં ચાર બ્રાહ્મણ યુવાનો હતા. એ ચારેય ખુબ જ ગરીબ હતા. એક દિવસે એ ચારેય યુવાનો ભેગા થઈને વિચારવા લાગ્યા: ‘આમ આપણે ક્યાં સુધી આપણા માતા-પિતા ઉપર ભાર બનીને રહીશું? આપણે ક્યાં સુધી આમ-તેમ ભટકતા રહીશું? આપણે નજીક આવેલા શહેરમાં જઈને કોઈ કામ-ધંધો કરવો જોઈએ.’

એક યુવાને જયારે બધાને સમજાવ્યા ત્યારે તેની વાત બધાને માન્ય રાખી. બીજા દિવસે સવારે જ શહેરની તરફ એ ચારેય જણા ચાલવા લાગ્યા.

રસ્તો ખુબ જ લાંબો હતો. શહેરમાં પહોંચતા પહેલાં રાત પડી ગઈ. એ ચારેય યુવાનો ત્યાં આવેલી એક સાધુની ઝૂંપડીમાં રોકાઈ ગયા. સાધુ ખુબ જ ઘરડો થઈ ગયો હતો. કોણ જાણે એ જગ્યાએ કેટલાય વર્ષોથી બેસીને તપ કરતો હતો. પોતાના તપોબળના કારણે એ સાધુએ ચારેય યુવાનો વિશે જાણી લીધું. સાધુને એમની દયા આવી ગઈ. સાધુએ એમને કહ્યું: ‘ભાઈઓ ! મહેનત કર્યા વગર આ દુનિયામાં કંઈ જ મેળવી શકાતું નથી. હું તમારા વિશે બધું જાણી ગયો છું.’

આ સાંભળી એ ચારેય યુવાનો તેના પગમાં પડી ગયા અને કહ્યું : ‘પ્રભુ ! અમારી ઉપર દયા કરો.’

સાધુએ કહ્યું : ‘સારું ત્યારે ! જુઓ હું તમને આ ચાર મીણબત્તીઓ આપું છું. એ લઈને તમે હિમાલય પર્વત ચડવાનું શરુ કરજો. જે સ્થાને જે યુવાનની મીણબત્તી પોતાની મેળે પડી જાય એ જ જગ્યા એ ખોદવાનું શરુ કરજો. ત્યાં મોટો ખજાનો મળશે. એ લઈને મારી પાસે આવી જજો. આટલું કર્યા પછી શું કરવું તે તમે આવશો ત્યારે કહીશ.’

 

સાધુની વાત સાંભળી. મીણબત્તી લઈને સાધુને પ્રણામ કર્યા. ચારેય યુવાનો હિમાલય પર્વત ઉપર ચડવા લાગ્યા. એ ચારેય યુવાનો ખુબ જ પ્રસન્ન હતા. કારણ કે સાધુની કૃપાને કારણે એમને ખજાનો મળવાનો હતો. હવે એમની ગરીબી દૂર થવાની હતી.

એ યુવાનો પર્વતની એક ટોચ ઉપર પહોંચ્યા. ત્યારે એક યુવાનના હાથમાં રહેલી મીણબત્તી પડી ગઈ. એ બોલી ઊઠયો: ‘લો ભાઈ ! આપણું તો કલ્યાણ થઈ ગયું. ચાલો, હવે આ જગ્યાએ ખોદવાનું શરુ કરો.’

ચારેય જણા ખોદવા લાગ્યા. એ યુવાનોને ત્યાંથી તાંબાનો ખજાનો મળ્યો. એક યુવાને કહ્યું: ‘અરે યાર ! આપણે આ તાંબાના ખજાનાને લઈ જઈને શું કરશું?’

ચારેય યુવાનો ફરી ખોદવા લાગ્યા. આ વખતે એમને ચાંદીનો ખજાનો મળ્યો. બધાં બોલી ઊઠ્યાં: ‘ વાહ… વાહ… હવે તો ચાંદી હાથમાં આવી ગઈ. ચાલો જલ્દી વધારે ખોદવા લાગો. કદાચ આપણને સોનાનો ખજાનો મળી જાય. પછી કદાચ હીરા મળશે. બધું જ મળશે. સાધુએ આશીર્વાદ આપ્યા છે. હવે કોઈ વસ્તુની આપણને ઉણપ નહીં રહે. આપણે હજુ આગળ પર્વતની ઉપર જવું જોઈએ. આપણી પાસે હજુ બે મીણબત્તીઓ બાકી છે. કદાચ આગળ જતાં ખુબ જ મોટો ખજાનો પણ મળી શકશે.’

એક યુવાને કહ્યું: ‘જુઓ મિત્રો ! આપણને જે ખજાનો મળ્યો છે તે ઘણો છે. આપણને એ લઈને સાધુ પાસે પાછા જઈએ.’

એ યુવાનની વાતને માત્ર એક જ યુવાને માન્ય રાખી અને ટેકો આપ્યો. બાકીના બે યુવાનો વાત માનવ તૈયાર ન થયા. એ વધારે ધન મેળવવા આગળ જવા તૈયાર થયા. એમના મનમાં વધુ ધન મેળવવાનો લોભ જાગ્યો હતો. ઘણા દૂર નીકળી ગયા પછી ત્રીજા યુવાનના હાથમાંથી તેની મીણબત્તી પડી ગઈ. તરત જ એ  જગ્યાએ ખોદવા લાગ્યા. એ જગ્યાએથી સોનાનો ખજાનો મળી આવ્યો.

ત્રીજા યુવાને કહ્યું: ‘ચાલ ભાઈ ! આપણને આપણો ખજાનો મળી ગયો. આપણે સાધુ પાસે પાછા જઈએ.’

ચોથા યુવાને કહ્યું: ‘ના ભાઈ ! હાજી મારી પાસે ચોથી મીણબત્તી બાકી છે. આપણે હાજી આગળ ચાલવું જોઈએ. બની શકે છે કે ત્યાંથી આપણને હીરા-મોતીનો ખજાનો મળી જાય.’

ત્રીજા યુવાને કહ્યું: ‘ના ભાઈ ના. મને તો આ ખુબ જ કિંમતી ખજાનો મળી ગયો છે. હવે હું આગળ જવા માંગતો નથી. તારે આગળ જવું હોય તો તું એકલો જા. હું તો મારો ખજાનો લઈને સાધુ પાસે પાછો જરૂર જઈશ.’

ચોથો યુવાન કહે: ‘સારું ત્યારે. હું તો આગળ જઈશ અને હીરા-મોતીનો ખજાનો લઈને જ પાછો આવીશ.’

આમ કહીને ચોથો યુવાન આગળ નીકળી ગયો. પોતાના ત્રણ સાથીદારોને છોડીને એ હજી વધારે મોટો ખજાનો મેળવવા માટે પર્વત ઉપર ચડવા લાગ્યો. એક જગ્યા એ એણે જોયું તો એક માણસ પહાડ ઉપર ઊભો હતો. એના માથા ઉપર એક હીરો ચમકતો દેખાતો હતો. ચોથો યુવાન બોલી ઊઠયો: ‘અરે વાહ ! મળી ગયો. હીરાનો ખજાનો મને મળી ગયો.’

હાજી એ યુવાન આગળ વધે તે પહેલા જ એ માણસના માથે રહેલો હીરો ચક્રનું રૂપ ધારણ કરીને ફરતો-ફરતો એ યુવાનના માથે આવીને વાગ્યો. ભયના કારણે યુવાન ધ્રુજવા લાગ્યો. ચોથો યુવાન બોલ્યો: ‘અરે આ શું ? આપે મને આ રીતે કેમ માર્યો? આ હીરાને લેવા માટે તો હું આવ્યો છું.’

પેલા માણસે કહ્યું: ‘ઓ મૂર્ખ, લાલચી અને લોભિયા માણસ ! તેં પેલા સાધુ મહાત્માનું કહેવું ના માન્યું. એટલું જ નહીં તેં તારા મિત્રોની વાત પણ ન માની. બસ, એવી જ ભૂલ મેં પણ કરી હતી. લોભમાં હું આંધળો બનીને અહીં આવી ગયો. આ જાદુના ચક્કરને હું હીરો સમજી બેઠો. ખજાનાની માયાએ મને એવી રીતે જકડી લીધો છે કે આજ સુધી હું મુક્ત બની શક્યો નથી. પરંતુ આજે હું મુક્ત છું. હવે હું પાછો મારે ઘેર જાઉં છું. હવે તારી જેમ કોઈ અન્ય લોભી માણસ આ હીરો લેવા અહીં આવશે ત્યારે તું મુક્ત થઈ શકીશ. ત્યાં સુધી મારી જેમ તારે અહીં જ બંદીવાન બનીને રહેવું પડશે.’

યુવાન ગભરાઈને કરગરવા લાગ્યો: ‘પરંતુ…. ભાઈ…. મને…. કોઈ….’

યુવાન બિચારો બૂમો પાડવા લાગ્યો. પણ એ મુક્ત થયેલો માણસ તેની કોઈ વાત સાંભળવા ઊભો ના રહ્યો. ચોથો યુવાન વધારે ધન મેળવવાનો લોભ કરવા બદલ ખૂબ જ પસ્તાવા લાગ્યો.

Share Story

Leave a Comment