મૂરખ કોણ?

એક મુસાફર હતો. એકવાર એ જંગલમાંથી પસાર થતો હતો. રસ્તે ચાલતાં મુસાફરે જોયું કે એક પક્ષી જે ચરક કરતું હતું એ સોનાની હતી. આ અજબ દ્રશ્ય જોઈને એને ખૂબ જ નવાઈ લાગી: “શું આવું બની શકે?”

પરંતુ શંકા કરવા જેવી વાત નહોતી. એ પક્ષીની સોનાની ચરક એની નજર સામે જ પડેલી.

આગળ જતાં એક ગામ આવ્યું. પેલા મુસાફરે ત્યાં પહોંચીને ગામના લોકોને વાત કહી. ગામના લોકો વાત સાંભળીને આશ્ચર્ય પામ્યા.

એ જ ગામમાં કાલુરામ નામનો એક પારધી રહેતો હતો. એણે સોનાની ચરક કરનાર પક્ષી વિશે સાંભળ્યું એટલે એના મનમાં લોભ ઉત્પન્ન થયો. કાલુરામે દ્રઢ નિશ્ચય કરી લીધો કે હું એ વિચિત્ર પક્ષીને જરૂર પકડી લાવીશ.

બીજા દિવસે પોતાની જાળ લઈને કાલુરામ જંગલ તરફ ઊપડ્યો. ત્યાં એણે પેલું વિચિત્ર પક્ષી જે ઝાડ ઉપર રહેતું હતું તે શોધી કાઢ્યું. દૂરથી સોનાની ચરક પડેલી જોઈને એની આંખો ચમકી ઊઠી. એ ઝાડ ઉપર રહેતા અને સોનાની ચરક કરતાં પક્ષીને એણે જોતજોતામાં પકડી લીધું. પારધી એને પોતાના ઘરે લઈ આવ્યો. પારધીના ઘરના લોકો આવું પક્ષી જોઈને ખૂબ જ રાજી થઈ ગયા. હવે એમને લાગ્યું કે વરસોની ગરીબી દૂર થઈ જશે અને તેઓ ગામના સૌથી વધુ ધનવાન લોકો ગણાશે.

બધું એમના વિચાર પ્રમાણે જ થયું. પારધી ફરી પાછો જંગલમાં ગયો. જંગલમાં જઈને શિકારી સોનાની ઢગલા બંધ ચરક પડેલી હતી તે પોતાની સાથે લઈ આવ્યો. ઘરે આવ્યા પછી પણ દરરોજ સોનાની ચરક ભેગી કરવા લાગ્યો. પરિણામે એની પાસે ખૂબ જ સોનું ભેગું થઈ ગયું. હવે વધારે સોનાની જરૂર નહોતી.

શિકારીને હવે બીક લાગવા માંડી. એને થયું જો રાજાને આ વાતની ખબર પડી જશે તો મારી પાસે રહેલું બધું સોનું લઈ લેશે. સાથે-સાથે મારો જીવ પણ લઈ લેશે. આમ વિચારીને એ પારધી બીજા દિવસે સવારે જ રાજાના દરબારમાં રાજા સામે પહોંચી ગયો.

રાજાને પક્ષી ભેટમાં આપતાં કહ્યું: “મહારાજ આ પક્ષી હું આપને ભેટમાં આપું છું.”

આ સાંભળી રાજા એકદમ ગુસ્સે થઈ ગયો. રાજાએ કહ્યું: “તારી આ હિંમત? તને આવી તુચ્છ વસ્તુ મને ભેટમાં આપતાં શરમ નથી આવતી? શું તને એટલી પણ ખબર નથી કે રાજા મહારાજાને ભેટમાં સોના-ચાંદીની વસ્તુ આપવી જોઈએ?”

પારધીએ કહ્યું: “મહારાજ ! આ કોઈ સામાન્ય પક્ષી નથી. આ ખૂબ જ ચમત્કારિક પક્ષી છે. આ પક્ષી તો સોનાની ખાણ છે.”

રાજાએ કહ્યું: “તું ગાંડો તો નથી થઈ ગયો ને? શું આ કાળુ, કદરૂપું પક્ષી સોનાની ખાણ છે?”

પારધીએ કહ્યું: “મહારાજ ! આપ એનો દેખાવ ન જુઓ. ખરેખર તો આ પક્ષી સોનાની ચરક કરે છે.”

રાજા કહે: “આ તું શું કહે છે? આ વાત શું શક્ય છે?”

પારધીએ કહ્યું: “જી હા, મહારાજ ! આમ થવું શક્ય છે. આ પક્ષી થોડીવાર પછી તમારી સામે જ ચરક કરશે. તે આપ આપની આંખોથી જ જોઈ લો.”

થોડીવાર પછી ખરેખર એ પક્ષીએ ચરક કરી. રાજાની નવાઈનો પાર ન રહ્યો. રાજા પોતે જ વિચારમાં પડી ગયો. શું આવું બની શકે છે?

રાજાએ એ જ સમયે પોતાના પ્રધાનને બોલાવ્યો અને કહ્યું: “પ્રધાનજી ! આ પક્ષી સોનાની ચરક કરે છે.”

રાજાની વાત સાંભળી પ્રધાન હસવા લાગ્યો.

રાજા એકદમ ગુસ્સે થઈ ગયો. પ્રધાને કહ્યું: “માફ કરજો મહારાજ. આપના ભોળપણ ઉપર મને હસવું આવે છે. એક સામાન્ય પારધીની વાત ઉપર આપે વિશ્વાસ કેવી રીતે કરી લીધો?”

રાજાએ કહ્યું: “ના, આ પક્ષીએ મારી સામે ચરક કરી છે.”

પ્રધાને કહે: “જો આ વાત સાચી છે તો પછી આપણે એકવાર એ વાતનો વિચાર કરવો પડશે કે આ માણસ કોણ છે? આપણને આવું અદભૂત પક્ષી સામે ચાલીને ભેટમાં આપવા શા માટે આવ્યો છે? શું એમાં કોઈ શત્રુની રમત કે ચાલ તો નથી ને? મહારાજ ! આપ જ વિચાર કરો. શું કોઈ માણસ આવી મૂરખાઈ કરે ખરું?”

પ્રધાનની વાત સાંભળીને રાજાને તેની વાત સાચી લાગી. એટલે રાજાએ કહ્યું: “પ્રધાનજી ! તમારી વાત સાચી છે. હું પણ કેવો મૂર્ખ છું કે આ સામાન્ય અને અજાણ્યા શિકારીની વાતમાં આવી ગયો. એક શિકારીની વાત હું સાચી માનવા લાગ્યો. જરૂર આ કોઈ આપણાં શત્રુનો માણસ છે. જે આપણી વિરુદ્ધ કોઈ કાવત્રુ કે તરકટ કરવા આવ્યો છે. પ્રધાનજી ! આ પક્ષીને પાંજરામાંથી છોડી મૂકો.”

પ્રધાને કહ્યું: “હા મહારાજ ! એમ જ કરવું જોઈએ. આ પક્ષીને જો છોડી મૂકીએ તો વાંસ નહીં રહે અને વાંસળી પણ નહીં વાગે.”

કાલુરામ આ બધું સાંભળીને ક્યારેક રાજા તરફ તો ક્યારેક પ્રધાન તરફ ઊંચા જીવે જોતો હતો. કોઈકે સાચું જ કહ્યું છે કે ગરીબ પાસે સોનું હોય તો પણ લોકો એને માટી જ સમજે છે.

શિકારીએ તો વિચાર્યું હતું કે રાજા આવું અદભૂત પક્ષી મેળવીને પ્રસન્ન થશે. એને મોટું ઈનામ આપશે અથવા પોતાના દરબારમાં મોટું પદ આપશે. પરંતુ અહીં તો બધું ઊંધું થતું હતું. તેને દુશ્મન સમજી લેવામાં આવ્યો હતો. ભલું થવાને બદલે ખરાબ થતું હતું. રાજાને ઊંધી સલાહ આપીને ઉશ્કેરણી કરનાર આ પ્રધાન મૂર્ખ જ છે. જે રાજાને અદ્દભૂત ચમત્કારી પક્ષી છોડી દેવાનું કહે છે.

બિચારા શિકારી કાલુરામની વાત સાંભળનાર ત્યાં કોઈ નહોતું. રાજા તો માત્ર પોતાના પ્રધાન અને મંત્રીઓની વાત જ સાચી માનતો હતો. રાજા તો પ્રધાનની જ સલાહ લેતો હતો.

રાજાએ તરત જ પાંજરામાં રહેલા પક્ષીને છોડી મૂક્યું. એ પક્ષી પાંજરામાંથી બહાર આવીને એક બારી ઉપર બેસી ગયું અને કહેવા લાગ્યું: “તમે બધા જ મૂરખા છો. તમારા બધામાં પહેલો મૂરખ આ શિકારી છે, જે સોનાની ચરક કરનાર પક્ષી રાજાને ભેટ આપવા માટે આવ્યો. બીજો મૂરખ આ રાજા છે, જેણે આ બાબતમાં મૂરખ પ્રધાનની સલાહ લીધી. ત્રીજો સૌથી વધારે મૂરખ આ પ્રધાન છે કે જેણે સોનાની ચરક કરનાર પક્ષીને છોડી મૂકવાની સલાહ આપી. આમ તમે બધાં જ મૂરખ છો.”

Share Story

Leave a Comment