ભાગ્ય અને કર્મફળ !

એક માણસ ખૂબ જ ગરીબ હતો. એનું નામ રામલાલ હતું. નાનો હતો ત્યારથી તે યુવાન થયો ત્યાં સુધી એ ગરીબીમાં દરેક વસ્તુના અભાવ વચ્ચે દિવસો પસાર કરતો હતો. સમય જતાં તેના માતા-પિતા તેને છોડીને જતાં રહ્યાં. પણ ગરીબી તેને છોડી ક્યાંય ન ગઈ.

રામલાલના લગ્ન થયા. પત્ની આવી. બાળકો આવ્યાં. બધાં આવ્યાં પણ ભાગ્યલક્ષ્મી ન આવી.

રામલાલ ખૂબ જ દુઃખી રહેતો હતો. અનેકવાર તેણે આપઘાત કરવાનો વિચાર કર્યો. પરંતુ તરત જ પોતાની પત્ની અને બાળકોનો ખ્યાલ આવી જતાં એ આપઘાત કરવાનું માંડી વાળતો.

રામલાલ નકામો કે કામચોર નહોતો, એ બિચારો ખૂબ જ મહેનત કરતો. પરંતુ એને મહેનતનું ફળ પૂરતું મળતું નહોતું.

એક દિવસ રામલાલનો એક જૂનો મિત્ર શંકર તેને મળવા આવ્યો.

શંકર શહેરમાં રહેતો હતો. એ ખૂબ જ સુખી હતો. એને શંકરનો બાદશાહી ઠાઠ જોઈને ખૂબ જ નવાઈ લાગી. કારણ કે થોડાક વરસો પહેલાં શંકર ગામમાં જૂના-ફાટેલા વસ્ત્રો પહેરીને ફરતો હતો. એના ઘરમાં ખાવા માટે પૂરતું અનાજ પણ નહોતું. આજે એ જ શંકર પૈસાદાર બની ગયો હતો.

શંકરે પોતાના મિત્ર રામલાલના ઘરમાં નાના-નાના ભૂખ્યા બાળકો જોયા. તેમના ફાટેલા વસ્ત્રો જોયા એટલે કહ્યું: “મિત્ર ! તે તારા ઘરની હાલત કેવી કરી નાંખી છે? હજી સુધી તારી સ્થિતિ બદલાઈ નથી. આ તારા બાળકો ભૂખના કારણે તડપી રહ્યા છે.”

રામલાલે કહ્યું: “ભાઈ શંકર, હું શું કરું? આ ગરીબી મારો પીછો છોડતી નથી. હું આ ગરીબીથી ખૂબ જ કંટાળી ગયો છું. પરંતુ હું શું કરી શકું?”

શંકરે કહ્યું: “રામલાલ, તું મારી સાથે શહેરમાં ચાલ. તારું દુ:ખ જરૂર દૂર થઈ જશે. તારી પાસે વધારે ધન આવશે અને તારી ગરીબી દૂર થઈ જશે.”

રામલાલે કહ્યું: “સારું ત્યારે. હું જરૂર તારી સાથે આવીશ.”

પોતાના મિત્રની વાત સાંભળીને રામલાલ એની સાથે શહેરમાં આવી ગયો. શંકરે તેને એક દુકાનદાર પાસે કામ અપાવી દીધું. રામલાલે એ દુકાનદાર પાસે એક વરસ સુધી રહીને રાત-દિવસ સખત મહેનત કરીને ખૂબ જ ધન ભેગું કર્યું.

એક વરસ પછી રામલાલ પોતાના ઘેર જવા તૈયાર થયો. એણે પોતાના રૂપિયાની પોટલી બાંધી અને પોતાના ગામ તરફ જવા માટે નીકળી પડ્યો. રસ્તામાં એક ખૂબ જ ગીચ અને ભયંકર જંગલ આવતું હતું. ચાલતાં-ચાલતાં જંગલમાં જ રાત પડી ગઈ.

રામલાલ વિચારવા લાગ્યો કે અત્યારે રાતના સમયે મુસાફરી કરવી ઠીક નથી. માટે એ રાત પસાર કરવા માટે એક મોટા વૃક્ષનો ટેકો કરી આરામ કરવા લાગ્યો. થાકેલો હોવાને કારણે તેને ગાઢ ઊંઘ આવી ગઈ.

એ ગાઢ ઊંઘ દરમ્યાન એણે એક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં એણે જોયું કે બે માણસો તેની ઉપર ઝૂકેલા છે.

એક માણસે કહ્યું: “અરે ! આ માણસના ભાગ્યમાં માત્ર ભોજન અને વસ્ત્રો સિવાય કંઈ જ લખ્યું નથી. છતાં એની પાસે આટલું ધન ક્યાંથી આવ્યું?”

બીજા માણસે કહ્યું: “એ ધન મેં એને આપ્યું છે. આ માણસ ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર છે. એણે મહેનત કરી એટલે મેં ધન આપ્યું.”

પહેલા માણસે કહ્યું: “પરંતુ એના ભાગ્યમાં આ ધન ક્યાં લખ્યું છે?” એમ કહીને તે હસી પડ્યો.

બંને માણસો ત્યાંથી જતાં રહ્યાં.

રામલાલનું સ્વપ્ન પૂરું થઈ ગયું.

સવારે રામલાલની આંખ ખૂલી. એણે પોતાની પાસે રહેલી ધનની પોટલી તપાસી, પણ એ થેલી ગાયબ થઈ ગઈ હતી. એ પોતાનું માથું ખંજવાળવા લાગ્યો.

એક વરસ સુધી સતત મહેનત કર્યા પછી ભેગું કરેલું ધન કોઈ ચોરી ગયું હતું. હવે ઘર કઈ રીતે જવું? પોતાના બાળકો અને પત્નીને શું મોં બતાવવું? આમ વિચારી રામલાલ ક્યાંય સુધી રડતો બેસી રહ્યો.

એ ભયંકર જંગલમાં એની પીડા સાંભળનાર કોઈ નહોતું. છેવટે એણે હિંમત કરીને ધીરજ અને ખંતથી ફરીથી શહેરમાં જઈને મહેનત કરવાનું નક્કી કર્યું. એ ફરીવાર શહેરમાં ગયો ફરીથી મહેનત-મજૂરી કરવા લાગ્યો.

એક વરસ ફરીથી પસાર થઈ ગયું. રામલાલે ફરી એકવાર પોતાની પાસે ભેગું થયેલું ધન એક થેલીમાં નાંખીને પોતાના બાળકો અને પત્નીને મળવા માટે પોતાના ગામ તરફ ચાલવા લાગ્યો.

આ વખતે પણ ચાલતાં-ચાલતાં રાત પડી ગઈ. એ જંગલમાં આવી પહોંચ્યો. ફરી એણે એક ઝાડ નીચે રાત પસાર કરવાનું વિચાર્યું અને લીલા ઘાસ ઉપર આનંદથી સૂઈ ગયો.

આ વખતે પણ એને ઊંઘમાં પહેલાં દેખાયા હતા તે જ બે માણસો દેખાયા.

એક જણે કહ્યું: “ભાઈ કર્મ ! એકવાર ફરીથી આ માણસ આટલું બધું ધન કમાઈને લાવ્યો છે. મને એ વાત સમજાતી નથી કે જે વસ્તુ એના ભાગ્યમાં નથી એ તું શા માટે એને આપી દે છે?”

બીજા માણસે કહ્યું: “અરે ભાઈ ! જે મહેનત કરશે એ કમાશે જ. આ બિચારો રાત-દિવસ મહેનત કરતો રહ્યો. પછી ધન કેમ ન કમાય? તું જાણે જ છે કે મહેનત કરનારને હું તેનું ફળ આપું જ છું. અને તું?”

પહેલા માણસે કહ્યું: “હું ભાગ્ય છું. જ્યારે તારું કામ પૂરું થાય છે ત્યારે જ મારું કામ શરૂ થાય છે. તે એને તારી મહેનતનું ફળ આપ્યું પરંતુ જયારે મેં એના ભાગ્યમાં એ લખ્યું જ નથી તો….”

આટલું કહેતાં જ એણે પેલા સૂઈ રહેલા રામલાલના માથા નીચે રહેલી ધનની પોટલી લઈ લીધી અને બંને જતા રહ્યા.

રામલાલ એકદમ જાગી ગયો અને ગભરાઈ ગયો. એ ધનની થેલી શોધવા લાગ્યો. આ વખતે પણ એની થેલી ગાયબ હતી.

રામલાલ બોલી ઊઠ્યો: “હે ભગવાન ! આ મારી સાથે શું થઈ રહ્યું છે? આ મારી સાથે અન્યાય થઈ રહ્યો છે. મારી એક વરસની મહેનતનું ફળ એટલે કે ધન એક જ રાતમાં ગાયબ થઈ જાય છે. હવે તો હું કમાઈ-કમાઈને થાકી ગયો છું. મારા શરીરમાં એટલી શક્તિ પણ નથી કે હવે ફરીથી એવી મહેનત કરીને ધન કમાઈ શકું. આવી જિંદગી કરતાં તો મોત વધારે સારું. હા હવે મારે મરવું જ જોઈએ.”

આમ વિચારીને રામલાલે પોતાની પાસે રહેલી ધોતીનો ગાળિયો બનાવીને ઝાડ સાથે બાંધી ગળામાં નાંખીને આપઘાત કરવા માટે પ્રયત્ન કરવા લાગ્યો.

એ જ સમયે આકાશવાણી થઈ: “હે ભલા માનવી ! તારે એ ભૂલવું ન જોઈએ કે મેં તને ધરતી ઉપર જીવવા માટે મોકલ્યો ત્યાર પહેલાં જ તારું ભાગ્ય લખી આપ્યું હતું. પરંતુ એક તું એવો છે કે મને ભૂલી ગયો. તું એ પણ ભૂલી ગયો કે તને કોઈ જન્મ આપનાર પણ છે. ધન મળતાં જ તું ભગવાનને ભૂલી ગયો. અરે ઓ મૂરખ પ્રાણી ! માત્ર ધન એ જ જીવન નથી. પછી તને આત્મહત્યા કરવાનો અધિકાર જ શું છે? આ તારા જીવન ઉપર તારો નહીં પણ મારો અધિકાર છે. હું સૌ કોઈને જીવ આપું છું અને સૌ કોઈના જીવ લઉં છું. હવે તું સીધો તારે ઘેર જા. હવે બધી ચિંતા છોડી દે. ધન ભેગું કરવાથી માનવીને શાંતિ મળતી નથી. હવે તું ઘેર જા. તમને સૌ કોઈને ખાવા-પીવાનું પહોંચાડવાની જવાબદારી મારી છે. પછી તું શા માટે ચિંતા કરે છે? તું જ્યાં પણ જઈશ ત્યાં તારું ભાગ્ય પણ સાથે જ આવશે. રોવાથી કે ચિંતા કરવાથી કંઈ લાભ થતો નથી.”

આ પ્રમાણે આકાશવાણી સાંભળી રામલાલ પોતાના ઘર તરફ જવા માટે ચાલી નીકળ્યો.

રામલાલે ઘેર જઈને જોયું તો તેની પત્ની અને બાળકો ખૂબ જ ખુશ હતાં. ઘરમાં આનંદ છવાઈ ગયો હતો. બધાએ નવાં-નવાં વસ્ત્રો પહેર્યા હતાં.

રામલાલને જોતાં જ બધાં ખુશ થઈ ગયાં. એણે પત્નીને પૂછયું: “ભાગ્યવાન ! આ બધું શું છે? જો તમે બધાં એમ સમજીને ખુશ થતાં હશો કે હું ખૂબ જ ધન કમાઈને આવ્યો છું તો ભૂલી જાવ. કારણ કે મારું ધન તો કોઈ ચોરી ગયું છે.”

આ સાંભળીને પત્ની અને બાળકો હસવા લાગ્યાં.

રામલાલે નવાઈ પામતાં પૂછયું: “મને એ કહો કે આ નવાં-નવાં વસ્ત્રો, વાસણ વગેરેના તમારી પાસે પૈસા કયાંથી આવ્યા?”

પનીએ કહ્યું: “એક સાધુ મહારાજ આવ્યા હતા અને રૂપિયા ભરેલી બે થેલી આપી ગયા હતા.”

રામલાલ બોલી ઊઠયો: “વાહ રે નશીબ ! હું કેટલો કમનશીબ છું અને મારા બાળકો કેટલા બધાં નશીબદાર છે.”

Share Story

Leave a Comment