ભલાભાઈ અને ભુંડાભાઈ

બે દોસ્ત. એકનું નામ ભાલોભાઈ. બીજાનું નામ ભૂંડોભાઈ. જેવા નામ તેવા ભાવ. છતાં બન્ને દોસ્ત.

દુનિયાદારીમાં અતિ ભલાઈ સારી નહિ. લોકો ઠગી જાય. ભાલોભાઈ પોતાના ગામમાં ધંધે-ધાપે ફાવે નહિ. એટલે પૈસે ટકે ખલાસ થઈ ગયો.

સંસારમાં ભૂંડાઈ પણ ખપની નથી. લોકો એના પર વિશ્વાસ કરે નહિ. એને ચાહે નહિ. ભૂંડાઈએ ઘણા ધંધા કર્યા પણ કોઈમાં ફાવ્યો નહિ.

બન્ને ભાઇબંધોએ વિચાર કર્યો : ‘આપણું નસીબ ક્યાંક બીજે બેઠું લાગે છે. ચાલો, પરદેશ જઈએ અને તકદીર અજમાવીએ.’

બન્ને જણા ઘરેથી નીકળ્યા. એક રાજાના રાજમાં આવ્યા. રાજા દેશી લોકોથી થાક્યો હતો. આ બે પરદેશીને નોકરી રાખી લીધા. ભલાભાઈને પોતાના અંગત કામ સોંપ્યા. ભુંડાભાઈને દૂર જિલ્લામાં તલાટી બનાવ્યા.

દિવસો વીતવા લાગ્યા.

ભુંડાભાઈએ તો રાત દિવસ જોયા વગર કામ કરવા માંડ્યું. ન્યાય નીતિ જોયા વગર વર્તન કરવા માંડ્યું. કામ લાવો. કામ લાવો.

લોકો કહે : ‘ભુંડાભાઈ, અમારું ખાઓ ને અમારું ગાઓ.’

આમ ભુંડાભાઈ લાંચ લે. લાંચ લઈને અવળાનું સવળું કરે, સવળાનું અવળું કરે. સવળું કરવાના પૈસા. અવળું કરવાના પૈસા. બસ, પૈસા, પૈસા ને પૈસા !

વરસ દહાડામાં તો ભૂંડોભાઇ સારું કમાયો. તેની ઇચ્છા થઇ કે પૈસો બધો ઘેર પહોંચાડી દેવો.

એક દહાડો ભૂંડોભાઇ ભલાભાઇને મળવા આવ્યો. વાતચીત કરી. પછી કહ્યું ‘ભલાભાઇ, આપણે ગામ જઇએ. મને ગામ યાદ આવ્યું છે. તમે કેટલા ભેગા કર્યા?’

ભલોભાઇ કહે: ‘સરકારનું કામ ને સરકારના પૈસા. લોકોનું કામ ને લોકોના પૈસા. આમાં આપણને પગારથી વધુ શું મળે? મને તો લોકોનો પ્રેમ અને સરકારની ચાહના બે વસ્તુ મળી છે. એ મારી મૂડી છે.’

ભૂંડોભાઇ હસીને બોલ્યો: ‘ભલા માણસ ! પ્રેમ પીવાતો હશે કે ચાહના ચટાતી હશે ! હજી તું સાવ મૂરખ રહ્યો.’

ભલોભાઇ કહે: “એ તમે સમજાવશો તોય મને આવડશે નહિ. હું બુદ્ધ છું.”

ભૂંડોભાઇ કહે: “તને આવડે એવું સમજાવું. રાજાને વાત કર. મહાજનને વાત કર. મારે દેશ જવું છે. ત્યાં ડોશીનું કારજ કરવું છે. ઘર પડી ગયું છે તે બાંધવું છે.”

ભલાભાઇએ રાજાને વાત કરી. રાજા કહે: “હું વિચારમાં જ હતો. અનાજના ચાર ગાડા, કાપડના બે ગાડાં, દરદાગીનાનું એક ગાડું. તમે જશો ત્યારે આપીશું.”

ભલાભાઇએ મહાજનને વાત કરી. મહાજન કહે: “ભલાભાઇ ! તમે ભગવાનના માણસ છો. તમે અમારાં જેટલાં કામ કર્યા છે એ બધામાંથી તમારો ભાગ કાઢી રાખ્યો છે. ભગવાનના મંદિરમાં આપીએ અને તમારા જેવા સતવાદીને આપીએ, બન્નેમાં સરખું પુણ્ય છે.”

ભલોભાઇ તો શરમાઇ ગયો. ત્યાં ભૂંડોભાઇ આવ્યો. એણે ઘેર ઘેર ફરીને ભલાભાઇની વાત કરી ધન, વસ્ત્ર ને અનાજ એકઠાં કરી લીધાં. છેલ્લે દહાડે રાજાએ ગાડાં આપ્યાં. રથ આપ્યાં. ગાડાંવાળાઓને સૂચના કરી કે બધો માલ ભલાભાઇને ઘેર પહોંચાડી; તેમની પહોંચ લાવજો.

ભલાભાઇનો ને ભૂંડાભાઇનો કાફલો ચાલ્યો.

ભંડોભાઇ ગાડાવાળાઓને કહે: “તમે લાંબા મારગે આવો. અમે રથ છોડી ઘોડા પર જઇશું ને દેશ બધો જોતા જોતા આવીશું.”

ગાડાવાળા કહે: “અમને પહોચની પહોંચ કરી દેવી પડશે.”

ભંડોભાઇ કહે: “ભલે.”

એણે ભલાભાઇ પાસે પહોંચ કરાવી દીધી. ગાડાવાળાને રવાના કર્યા. નવા ગાડાવાળાનું એ નક્કી કરી આવ્યો.

બંને રસ્તે આગળ ચાલ્યા. ભલાભાઇ ને ભૂંડાભાઇ ઘોડા પર ચાલ્યા જાય છે. ત્યાં એક મોટો કૂવો આવ્યો.

ભંડોભાઇ કહે: “આપણા ગામમાં સારો કૂવો કરાવવો છે. આખું ગામ પાણી પીએ ને લહેર કરે. ચાલો, આ કૂવો તપાસી લઇએ.”

બન્ને કુવા પાસે આવ્યા ત્યાં જ ભંડાભાઇએ ધડામ ધડામ કરતા લાફા ભલાભાઇના મોં પર દેવા માંડ્યા.

ભલાભાઇની આંખોમાંથી લોહી ફૂટયું. દેખાતું બંધ થયું ને ભાગવા જાય છે તેવામાં કૂવામાં પડ્યા.

ભૂંડાભાઇ ઝટ ત્યાંથી ભાગ્યો. રખેને કોઇ જોઇ જાય ! ઘોડો દોડાવતો દોડાવતો પોતાના ગામે પહોંચી ગયો. બધો માલ સામાન પોતાને ત્યાં ઉતરાવી લીધો. લોકો ભલાભાઇની ખબર પૂછવા લાગ્યા.

ગામના લોકોને ભૂંડોભાઇ કહે: “ભલો લોભિયો છે. કમાણીની લાલચે ત્યાં પડ્યો છે. મને તો વતન યાદ આવ્યું ને નીકળી પડ્યો.”

ભૂંડાભાઇએ નવા મકાન ચણાવ્યા. નવા ખેતર લીધા. બાગબગીચા બનાવ્યા.

ભલોભાઇ તો બિચારો કૂવામાં પડ્યો હતો. આંખમાં વેદના થતી હતી. ઊંચેથી પડ્યો એટલે થોડાં હાકડાં પણ ખોખરાં થયા હતાં.

થોડે દૂર વડલા નીચે એક સાધુ રહે. એણે ભૂંડાને કાંટાની ગેડીથી ફટકારતો જોયો હતો. એ દોડતો આવ્યો.

અધમૂઆ ભલાભાઇને કૂવામાંથી બહાર કાઢ્યા. કહ્યું: “તમે મને નામ આપો. હું એને બાળીને ભસ્મ કરીશ.”

ભલોભાઇ કહે: “મહારાજ, મારાં કર્મ ખરાબ હશે. માણસનું માણસ ખરાબ કરી શકતો નથી. એ મારો મિત્ર હતો. એના પ્રતાપે તમારા જેવા સાધુનો મને સંગ થયો.”

એક ગામ આવ્યું. એ ગામના રાજાની દીકરી ભારે રૂપાળી. પણ આંખે આંધળી. રાજા કહે: “મારી દીકરીને દેખતી કરે એને દીકરી દઇને મોં માંગ્યું દાન કરું.”

ભલાભાઇએ સાધુની રજા લીધી ને પોતાને ગામ આવવા નીકળ્યો. પણ રસ્તો અજાણ્યો એટલે ભૂલો પડ્યો.

ક્યાંયનો ક્યાંય નીકળ્યો.

ભલાભાઇ પાસે આંખની જડીબુટ્ટી હતી. એણે તો પ્રયાસ કર્યો. કુંવરી દેખતી થઇ. રાજા તો ખુશ ખુશ થઇ ગયો. રાજાએ તો એની દીકરી પરણાવી ને ભલાભાઇને જમાઇ બનાવ્યો.

એક દહાડો ભલાભાઇએ જોયું તો સામે ભૂંડોભાઇ ! ભૂંડોભાઇ તો બિચારો છોભીલો પડી ગયો. એને થયું કે ભલોભાઇ મને મારી નંખાવશે. પણ ભલાભાઇ કોનું નામ? એણે રાજાને કહ્યું: “હું અહીં આવ્યો ને સુખી થયો. એ બધો પ્રતાપ મારા મિત્રનો છે.”

રાજાએ તો ભૂંડાભાઇને દરબારમાં રાખ્યા. ઇનામ આપ્યું. પદવી આપી.

Share Story

Leave a Comment