ભલાઈનો બદલો !

ઘણા વરસો પહેલાની વાત છે.

કંચનપુર નામનું એક રાજ્ય હતું. ત્યાં કંચનસેન નામનો રાજા રાજ્ય કરતો હતો.

એ રાજાની બે રાણીઓ હતી. મોટી રાણીનું નામ હતું સુમતિ. નાની રાણીનું નામ હતું કુમતિ.

રાજાની આ બન્ને રાણીઓમાં નામ પ્રમાણે જ ગુણ હતા.

મોટી રાણી સુમતિ ખૂબ જ દયાળુ, નમ્ર, સેવાભાવી અને સૌ કોઈનું ભલું કરનારી હતી. એના હૃદયમાં પોતાની પ્રજા માટે ખૂબ જ પ્રેમ હતો. તેના કારણે પ્રજા પણ પોતાની મોટી રાણીને ખૂબ જ ચાહતી હતી. પરંતુ નાની રાણીનો સ્વભાવ એનાથી ઊંધો હતો. એ ખૂબ જ ક્રૂર, દુષ્ટ, ઈર્ષ્યાખોર, અભિમાની હતી.

આ બધા કારણે પ્રજા એને ધિક્કારતી હતી. કોઈના મનમાં એના તરફ જરાય પ્રેમ ભાવના નહોતી. આમ છતાં કોઈ એને એની સામે કંઈ જ કહી શકતું નહોતું. કારણ કે એ રાજાને ખૂબ જ વહાલી હતી.

મહેલમાં મોટી રાણીની એક દાસી કરતાં જરાય વધારે કિંમત નહોતી. તેનું માન-સન્માન નહોતું. નાની રાણીને તો એ આંખોમાં કાંટાની જેમ ખટકતી હતી.

બિચારી ભલી રાણી મહેલમાં નાની રાણીની સેવા–ચાકરી કરતી હતી. એના વાસણો અને મેલા વસ્ત્રો પણ એ જ ધોતી હતી.

આટ-આટલું કરવા છતાં બિચારી મોટી રાણીને દુષ્ટ કુમતિ જાત-જાતના કડવા વચનો કહેતી. વળી કારણ વગર એનું અપમાન કર્યા કરતી.

ભલી સુમતિ રાણીને સખત મહેનત કરવા છતાં પેટ ભરીને ખાવાનું પણ મળતું નહોતું. જેમ-તેમ કરીને એ પોતાના દિવસો પસાર કરતી હતી.

આ બન્ને રાણીઓને એક-એક પુત્ર હતા.

મોટી રાણીના પુત્રનું નામ વિજયસેન હતું.

નાની રાણીના પુત્રનું નામ ચંદ્રસેન હતું.

આ બન્ને રાજકુમારો પણ પોતાની માતા જેવા જ ગુણો ધરાવતા હતા. વિજયસેન ભલો, સાચો અને નિડર હતો. જ્યારે ચંદ્રસેન પોતાની માતા જેવો જ દુષ્ટ, ક્રૂર, કપટી અને કાયર હતો.

વિજયસેન પોતાની માની દુઃખભરી હાલત જોઈને ખૂબ જ દુઃખી હતો. એ બિચારો શું કરી શકે?

એક દિવસ ઉદાસ થઈને દુઃખી મને એ બગીચામાં બેઠો હતો. એ સમયે એક વેંતિયો એની પાસે આવ્યો અને દુઃખી થવાનું કારણ પૂછયું. રાજકુમાર વિજયસેને એને પોતાની માની પીડા અને મુશ્કેલીઓ વિશે જણાવ્યું.

આ બધું સાંભળીને વેંતિયાએ હિમત આપતાં કહ્યું: “રાજકુમાર ! આમ દુ:ખી ન થાવ. સારા કે ખરાબ દિવસ કયારેય કોઈના કાયમ રહેતા નથી. ભગવાન પર શ્રદ્ધા રાખો. એને ત્યાં દેર છે પણ અંધેર નથી. એક દિવસ તમારું જરૂર સારું થઈ જશે. તમારા મા-દીકરાના દુઃખ દૂર થઈ જશે.”

આટલું કહીને એ વેંતિયો એકદમ અદૃશ્ય થઈ ગયો. આ વાતને થોડો સમય પસાર થઈ ગયો.

એક દિવસ રાજકુમાર ચંદ્રસેને રાજા પાસે ફરવા જવાની આજ્ઞા માંગી. રાજાએ તરત જ રજા આપી દીધી અને જરૂર પ્રમાણેની તમામ વસ્તુઓ અને ધન આપ્યું.

એ જ સમયે વિજયસેને પણ રાજાને ફરવા જવાની ઈચ્છા જણાવી. રાજાની ઈચ્છા ન હોવા છતાં રજા આપી. પણ એને કોઈ જાતની સગવડ ન આપી. ધન પણ નામ માત્રનું જ આપ્યું.

વિજયસેને એ થોડાક ધનને માથે લગાડી, રાજા-રાણીના ચરણ સ્પર્શ કર્યા પછી કહ્યું: ભાઈ ચંદ્રસેન મને તારી સાથે આવવા દે.

ચંદ્રસેનને આ વાત ન ગમી. પરંતુ એ ડરપોક અને કાયર હતો. કામચોર હતો. એટલે વિચાર કર્યા પછી કહ્યું: જો તું મારું ! બધું જ કામ કરવા તૈયાર હોય તો મારી સાથે લઈ જવા તૈયાર છું.

વિજયસેને શરત મંજૂર કરી લીધી અને પછી બન્ને ભાઈઓ ફરવા જવા માટે નીકળી પડયા.

બન્ને ભાઈઓ આગળ ને આગળ વધવા લાગ્યા. અનેક ગામ અને રાજ્યો વટાવી તેઓ સાંજ સુધીમાં એક જંગલમાં આવી પહોચ્યા.

જંગલમાં ચારેય તરફ ગાઢ અંધકાર હતો. હિંસક જંગલી જાનવરોનો ભય હતો. એમ વિચારી બન્નેએ એક જગ્યાએ સવાર સુધી રોકાઈ જવાનું નક્કી કર્યું.

એ બને એક ખંડેરમાં રાતે સૂઈ ગયા.

અડધી રાતનો સમય થયો. એ વખતે બન્ને રાજકુમારોના કાનમાં દૂરથી કોઈના કણસવાનો પીડાભર્યો અવાજ સંભળાયો. ચંદ્રસેન તો જાણે કંઈ સાંભળ્યું જ નથી એવી રીતે ફરીથી સૂઈ ગયો. પરંતુ ભલા અને દયાળુ વિજયસેનને એ માણસની દયા આવી. તરત જ એણે ઊભા થઈને પોતાના વસ્ત્રો પહેરી લીધા. હિંમતથી અવાજ આવતો હતો એ દિશામાં આગળ વધવા લાગ્યો.

ચાલતાં-ચાલતાં વિજયસેન એક ઝૂંપડી પાસે આવી પહોંચ્યો. એ અવાજ એક ઝૂંપડીમાંથી આવતો હતો. વિજયસેન અંદર ગયો. એક તૂટેલા ખાટલામાં ખૂબ જ દુબળા-પાતળા અને બીમાર વૃદ્ધને પડેલો જોયો. એના શરીરના વસ્ત્રો પણ ફાટી ગયા હતા. એના શરીરમાં અનેક જગ્યાએ ઘા થયેલા હતા. તેના ઉપર માખીઓ બણબણતી હતી.

વિજયસેનને એની દયા આવી. એ તરત જ વૃધ્ધની પાસે બેસી ગયો. પાણી અને એક કપડાં વડે તેના શરીરના ઘા ખૂબ જ પ્રેમથી સાફ કર્યા. એની ઉપર કપડું બાંધ્યું. આમ કરવાથી વૃધ્ધની પીડા ઓછી થઈ ગઈ.

વૃદ્ધ માણસે પોતાની આંખો ખોલી અને કહ્યું: બેટા ! તું ઘણું લાંબું જીવ. તું ખૂબ જ ભલો અને દયાળુ છે. તેં મારું દુઃખ દૂર કર્યું છે. ભગવાન તારું દુ:ખ જરૂર દૂર કરશે. તેં જે ભલાઈ કરી છે તેનું ફળ ભગવાન જરૂર આપશે. અત્યારે મારી પાસે તને આપવા માટે બીજું કંઈ જ નથી. આ એક સોનાની વીંટી છે. પરંતુ એ ખૂબ જ સાદી દેખાવા છતાં ચમત્કારિક છે.

વૃધ્ધે થોડીવાર અટકી પછી કહ્યું: આ વીંટીનો ચમત્કાર, એની કરામત એવી છે કે એને ઘસવાથી તારી દરેક ઈચ્છા પૂરી થઈ જશે. મારો હવે અંત સમય નજીક આવી ગયો છે. હું તને આ વીંટી આપું છું તે તું લઈ લે.

રાજકુમાર વિજયસેને વીંટી હાથમાં લીધી. એ જ સમયે વૃધ્ધ માણસ મૃત્યુ પામ્યો.

વિજયસેન વીંટી લઈને ફરીથી ખંડેરમાં આવીને સૂઈ ગયો.

બીજા દિવસે સવારે ફરીથી બન્ને રાજકુમારો આગળ વધવા લાગ્યા.

ફરતાં-ફરતાં તેઓ પ્રતાપનગર નામના રાજ્યમાં આવી પહોંચ્યા. ત્યાંના રાજાનું નામ પ્રતાપસેન હતું. રાજા ખૂબ જ ભલો, ન્યાયી, પ્રજાપ્રેમી અને પરાક્રમી હતો.

રાજાની સુંદર યુવાન પુત્રી હતી. રૂપ-રૂપના અંબાર જેવી રાજકુમારી હવે પરણવા લાયક થઈ હતી. રાજા એના લગ્ન કરવાની ચિંતા કરતા હતા. એના માટે કોઈ બહાદુર, પરાક્રમી, યુવાન શોધતા હતા.

એ જ દિવસે રાજાએ નગરમાં દાંડી પિટાવી: “મારી રાજકુમારી મહેલના સાતમા માળે બારી પાસે બેઠેલી છે એ રાજકુમારીને લીલા રંગના ઘોડા ઉપર બેસી લીલા વસ્ત્રો પહેરીને લીલા રંગની દડી જે કોઈ યુવાન મારશે તેની સાથે રાજકુમારીના લગન કરવામાં આવશે.”

આ ઢંઢેરો સાંભળીને લોકો નવાઈ પામી ગયા. કેટલાય યુવાનો લીલા રંગનો ઘોડો અને લીલા રંગની દડી શોધવા નીકળી પડયા. પરંતુ સાંજ સુધી કોઈ એ શોધી ન શકયું.

કોઈને લીલો ઘોડો ન મળ્યો. પણ લીલી દડી મળી ગઈ. તો કોઈની પાસે લીલા વસ્ત્રો નહોતા. અને જો એકવાર લીલો ઘોડો મળે તો પણ મહેલના સાતમા માળે બેઠેલી રાજકુમારી પાસે દડી ફેંકવી કઈ રીતે?

આમ છેવટે સાંજ પડવા આવી.

લોકોના ટોળે-ટોળા મહેલ પાસે ભેગા થવા લાગ્યાં. રાજાની આવી અઘરી શરત પૂરી કરી રાજકુમારી સાથે લગ્ન કરનાર ભાગ્યશાળી યુવાન કોણ હશે? બધા ઉત્સુકતાવશ ગણગણાટ કરવા લાગ્યા.

રાજકુમાર ચંદ્રસેને પણ આ ત્રણ વસ્તુઓ મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા પણ છેવટે નિરાશ થઈ ગયો. ત્રણેય લીલા રંગની વસ્તુઓ લાવવી કયાંથી?

ચંદ્રસેન એકલો વિજયસેનને ભોજન તૈયાર કરવાનું કહીને રાજાના મહેલ પાસે આવી ગયો. ચંદ્રસેન ગયો કે તરત જ વિજયસેને પોતાના ખિસ્સામાંથી કરામતી વીંટી કાઢી.

પથ્થર સાથે વીંટી ઘસી કે તરત જ એક ભયંકર ધડાકો થયો. બીજી જ ક્ષણે એની સામે લીલા રંગનો ઘોડો ઊભો હતો. એની પીઠ ઉપર લીલા વસ્ત્રો હતા. વસ્ત્રના ખિસ્સામાં એક લીલી દડી પણ હતી.

વિજયસેને તરત જ પોતાના વસ્ત્રો બદલી લીધા અને એ લીલા ઘોડા ઉપર સવાર થઈ ગયો. ઊડતો-ઊડતો ઘોડો રાજાના મહેલ પાસે આવી પહોંચ્યો. ઘોડો મહેલના સાતમા માળ પાસેથી પસાર થતો હતો. ત્યારે બારી પાસે બેઠેલી રાજકુમારી તરફ વિજયસેને દડી નાંખી દીધી.

આ બધું કૌતુકભર્યું દૃશ્ય નગરજનો, રાજા, રાણી બધા જ અધ્ધરશ્વાસે જોતા હતા.

વિજયસેનનું પરાક્રમ જાઈને બધા જ લોકો બૂમો પાડવા લાગ્યા. તાળીઓ વગાડવા લાગ્યા. લીલા રંગના ઘોડા ઉપર લીલા રંગના વસ્ત્રો પહેરીને બેઠેલા સુંદર યુવાનને જોઈને તેની વાહ–વાહ કરવા લાગ્યા.

રાજા-રાણી પણ અતિ પ્રસન્ન થઈ ગયાં.

વિજયસેને પોતાનો ઘોડો નીચે ઉતાર્યો.

રાજા-રાણી એને સન્માનથી મહેલમાં લઈ ગયા. ત્યાં હાજર રહેલા લોકોમાં ચંદ્રસેનને બોલાવીને પોતાની સાથે મહેલમાં લઈ ગયો.

આ બધું જોઈને ચંદ્રસેન ઈર્ષ્યા કરવા લાગ્યો અને મનમાં કપટી વિચારો કરવા લાગ્યો. પરંતુ મોં પર સ્મિત રાખી સાવ ભલો બની ગયો.

રાજાએ ચંદ્રસેન અને વિજયસેનને રહેવા માટે સુંદર ઓરડામાં સગવડ કરી. થોડા દિવસ મહેમાનગતિ કર્યા પછી રાજાએ વિજયસેન સાથે પોતાની પુત્રીના લગ્ન ખૂબ જ ધામ-ધૂમપૂર્વક કર્યા.

વિજયસેન અને ચંદ્રસેન હવે રાજકુમારી સાથે વિદાય લઈને પોતાના રાજ્યમાં પાછા ફરવા લાગ્યા. કપટી, ઈર્ષ્યાખોર ચંદ્રસેન વિજયસેનની સુંદર રાણી, ઘોડો અને કરામતી વીંટી પચાવી પાડવા યુક્તિ કરવા લાગ્યો.

એક જગ્યાએ રસ્તામાં કૂવો દેખાયો. ચંદ્રસેન પ્રસન્ન થઈને બોલી ઊઠયો: ભાઈ રસ્તે ચાલતા ઘણો સમય થઈ ગયો. પાણીની તરસ લાગી છે. માટે આપણે આ કૂવાનું પાણી પીધા પછી આગળ વધીએ.

ભલો વિજયસેન તેની વાત માની ગયો.

બન્ને કૂવા પાસે પહોંચી ગયા.

વિજયસેન કૂવામાં પાણી કેટલું ઊંડું છે તે જોવા માટે કૂવા તરફ નમી ગયો. બરાબર એ જ ક્ષણે સ્વાર્થી ચંદ્રસેને ક્રૂરતાપૂર્વક તેને જોરદાર ધક્કો માર્યો. વિજયસેન કૂવામાં પડી ગયો.

વિજયસેનને મરેલો તો સમજીને ચંદ્રસેન પોતે એકલો વિજયસેનની રાણીને લઈને આગળ વધવા લાગ્યો.

ચંદ્રસેન પોતાના રાજ્યમાં આવી પહોંચ્યો અને રાજા-રાણીને કહ્યું: આ મારી સાથે પ્રતાપનગરની રાજકુમારી છે. તેની સાથે મારા લગ્ન થયા છે.

રાણી કુમતિ તો પોતાના પુત્રને ભેટી પડી.

બરાબર એ જ સમયે પાલખીમાંથી રાજકુમારી બહાર આવી અને કહ્યું: આ વાત ખોટી છે. આ મારા પતિ નથી. એમની સાથે મારા લગ્ન પણ થયા નથી. મારા પતિ તો હજી હવે અમારી પાછળ પાછળ આવે છે.

રાજકુમારીએ પોતાની વાત પૂરી કરી કે તરત જ એક મોટો ધડાકો થયો. બધા જ લોકો ચોંકી ઊઠયાં. આકાશમાંથી એક સફેદ ઘોડો નીચે ઊતરવા લાગ્યો. એ ઘોડા ઉપર વિજયસેન અને એક વેંતિયો બેઠા હતા.

વિજયસેન ઘોડા ઉપરથી નીચે ઊતરી ગયો અને રાજા-રાણીના ચરણ સ્પર્શ કર્યા.

વિજયસેને એમને બનેલી બધી જ ઘટના કહી સંભળાવી. રાજાને પોતાની અણમાનિતી રાણીના પુત્રની વાત સાંભળીને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. પોતાની ભૂલ સમજાઈ ગઈ એટલે વહાલથી ભેટી પડયો.

રાજાએ કુમતિ રાણી અને એના દુષ્ટ પુત્રને પોતાના દેશમાંથી કાઢી મૂકયા. પછી પોતાનું રાજપાટ વિજયસેનને સોંપી દીધું.

રાજા અને રાણી જંગલમાં તપ કરવા જતાં રહ્યાં અને વિજયસેન અને રાજકુમારીએ પ્રજાને ખૂબ જ સુખી કરી ખાધું-પીધું અને મોજ કરી.

Share Story

Leave a Comment