બુદ્ધિશાળી નોકર !

એક સમયની વાત છે.

એક ગામમાં એક મોટો જમીનદાર હતો. એકવાર એ ફરવા નીકળ્યો. રસ્તામાં એના એક મિત્રએ એને શેકેલી મરઘી અને સરસ દ્રાક્ષના રસની એક બાટલી ભેટમાં આપી.

એ જ સમયે જમીનદારની નજર સામેથી આવતાં પોતાના નોકર ઉપર પડી.

જમીનદારે પોતાના નોકર ને બૂમ મારીને નજીક બોલાવી કહ્યું : “ આ થેલો ઘેર જઈને સીધો રસોડામાં મૂકી દેજે. પરંતુ એટલું યાદ રાખજે કે રસ્તામાં આ થેલો ખોલતો નહીં. કારણ કે એમાં એક કિંમતી ચકલી અને ઝેરની બાટલી છે. જો તું આ થેલો ખોલીશ તો ચકલી ઊડી જશે. એ ચકલી ખૂબ જ કિંમતી છે. ”

આ પ્રમાણે જમીનદારે પોતાના નોકર ને સમજાવી દીધો. જમીનદારનો એ નોકર ખૂબ જ ચાલાક હતો. એને થેલામાંની મરઘી ની સુગંધ આવતી હતી. નોકર ને મરઘી ખાવાની ઈચ્છા થઈ અને એના મોંમાં પાણી આવી ગયું.

નોકર ને પોતાનો માલિક દેખાતો બંધ થયો એટલે નોકર એક શાંત જગ્યાએ પહોંચ્યો. એક જગ્યાએ બેસીને થેલો ખોલી નાખ્યો. અંદર મસાલા ભરેલી શેકેલી સ્વાદિષ્ટ મરઘી હતી. નોકરે એ મરઘી ખૂબ જ ધરાઈને ખાઈ લીધી અને ઉપરથી દ્રાક્ષનો રસ પી લીધો.

જમીનદાર ઘેર પહોંચ્યો.

જમીનદારે પૂછ પરછ કરી તો જાણવા મળ્યું કે નોકરે કોઈ થેલો રસોઈ ઘરમાં આપ્યો નથી.

જમીનદારને એ નોકર ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. પેલો નોકર ભરપેટ મરઘી ખાઈને એક ઝાડ નીચે આરામ થી સૂઈ ગયો હતો.

જમીનદાર પોતે પેલા નોકર ને શોધવા માટે નીકળી પડ્યો. નોકર એક મોટા ઝાડ નીચે આરામ થી સૂતો હતો. જમીનદારે ગુસ્સાથી એને લાત મારતાં કહ્યું : “ અરે ઓ નમક હરામ ! અહીં કેમ સૂઈ ગયો? ચાલ ઊભો થઈ જા. ”

નોકર હજી ઊઘમાં હતો. એ આંખો ચોળતાં – ચોળતાં જાગ્યો. જમીનદારે પૂછ્યું : “ તું પેલો થેલો લઈને નીકળ્યો હતો તે ઘેર જઈને રસોઈ ઘરમાં કેમ ન આપ્યો? ”

નોકરે કહ્યું : “ માલિક ! મને માફ કરો. મારી ભૂલ થઈ ગઈ. મારા હાથ માંથી થેલો છૂટી ગયો અને એમાં રહેલી ચકલી ઊડી ગઈ. ”

જમીનદાર પોતાના નોકર ની ચાલાકી સમજી ગયો. એને ખબર પડી ગઈ કે નોકર ખોટું બોલતો હતો એટલે આ નોકર પોતાને મૂરખ બનાવી રહ્યો છે.

પરંતુ જમીનદારે પોતે જ એને ચકલી થેલામાં છે તેમ ખોટું કહ્યું હતું એટલે એ કંઈ બોલી શક્યો નહીં. એ સમજી ગયો કે નોકર સ્વાદિષ્ટ મરઘી ખાઈ ગયો છે.

જમીનદારે તરત જ કંઈક યાદ આવતાં પેલા દ્રાક્ષના રસ વિશે એને પૂછ્યું : “ અને પેલી ઝેરની બાટલી ક્યાં ગઈ? શું એ પણ ઊડી ગઈ? ”

નોકરે શાંત અવાજે કહ્યું : “ ના માલિક ! મારી ભૂલ અને બેદરકારી ને કારણે ચકલી ઊડી ગઈ હતી. હવે તમારો ગુસ્સા ભરેલો ઠપકો મારે સાંભળવો પડશે એમ મને લાગ્યું. હવે મારી નોકરી જશે તો હું બધાને શું મોં બતાવીશ? બસ , એવી બીકના કારણે હું ઝેરની બાટલી પી ગયો છું. હવે મોતની વાટ જોઉં છું. માટે માલીક ! હવે તમને મારા છેલ્લા સલામ ! આવજો મારા માલિક ! ”

નોકર આટલું કહીને ફરીથી આંખો બંધ કરીને સૂઈ ગયો. મરવા માટે જાણે કે તૈયાર થઈને મોતની વાટ જોઈ ના રહ્યો હોય.

જમીનદારે ગુસ્સે થઈને એક જોરદાર લાત લગાવી અને પાછો ઘેર ફર્યો.

જમીનદાર મનમાં પસ્તાવા લાગ્યો કે મારી નાની ભૂલને કારણે મારો નોકર મને મૂરખ બનાવી ગયો. જો હું સાચું બોલ્યો હોત તો મારો નોકર મને મૂર્ખ ના બનાવતો અને મારી મરઘી અને દ્રાક્ષનો રસ પણ મને મળતો. મારી મરઘી અને દ્રાક્ષનો રસ હજમ કરવાની એની હિંમત ક્યાંથી હોત?

Share Story

1 thought on “બુદ્ધિશાળી નોકર !”

Leave a Comment