બુદ્ધિનો માલિક

એક નગર હતું. એ નગરનો રાજા ઘણો ધૂની હતો. એને દરરોજ એક નવી વાર્તા સાંભળવાની એકવાર ધૂન ચડી.

રાજાને દરરોજ અનેક લોકો વાર્તાઓ સંભળાવનાર આવતાં.

રાજા તેમની વાર્તા સાંભળી ઈનામ આપતો હતો. એ રાજાને એકવાર એકદમ લાંબી વાર્તા સાંભળવાની ધૂન ચડી.

તરત જ રાજાએ ઢોલીને રાજ્યમાં ઢંઢેરો પિટવાનું કહ્યું: જે કોઈ પણ રાજાને એકદમ લાંબી વાર્તા સંભળાવશે તેને મોં માંગ્યું ઈનામ આપવામાં આવશે. પરંતુ જેની વાર્તા પસંદ નહીં આવે તેને એક મહિના સુધી જેલમાં રહેવું પડશે.

રાજાએ પિટાવેલો ઢંઢેરો પ્રજાએ સાંભળ્યો. આસ-પાસના અનેક ગામોના લોકોને પણ આ વાત જાણવા મળી. હવે રાજ્યના અનેક ગામોમાંથી મોટા-મોટા જ્ઞાની પંડિતો અને વાર્તા કહેનારા આવવા લાગ્યા. દરેક વખતે વાર્તા પૂરી થાય ત્યારે રાજા કહી દેતો: ‘આ વાર્તા જરાય ગમતી નથી. વાર્તા ખૂબ જ નાની છે.’

ખરેખર તો રાજાએ સાંભળેલી વાર્તાઓ લાંબી અને સારી જ હતી છતાં રાજા એમ જ વિચારતો કે, વાર્તા તો સાંભળી લીધી છે. હવે ઈનામ આપવાની શી જરૂર છે?

આમ વાર્તા કહેનારાઓને રાજા ઈનામ આપવા માંગતો નહોતો. ખોટા વાંક કાઢીને એમને જેલમાં મોકલી દેતો હતો.

એ જ રાજાના નગરમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. એનો એક પુત્ર હતો. એ બુદ્ધિશાળી અને સમજદાર હતો. એ રાજાની લુચ્ચાઈ સમજી ગયો. એણે નક્કી કર્યું કે, રાજાને પાઠ ભણાવવો જોઈએ. એમ વિચારી એણે નક્કી કર્યું કે, હવે હું આ રાજાને એક એવી લાંબી વાર્તા જરૂર સંભળાવીશ કે રાજા જરૂર ઈનામ આપશે. ત્યારે પછી કોઈ નિર્દોષ માણસને જેલમાં નહીં નાંખી શકે. કારણ કે મારી વાર્તા પૂરી જ નહીં થાય એવી હશે.

 

બીજા દિવસે ખેડૂતનો પુત્ર રાજાના દિવાન પાસે ગયો. અને વાર્તા કહેનાર તરીકે પોતાનું નામ લખાવ્યું.

દિવાને કહ્યું: તને વાર્તા સંભળાવતાં પહેલાં રાજાની શરતની ખબર છે ને? જો તારી વાત લાંબી અને સારી નહીં હોય તો જેલની હવા ખાવી પડશે.

ખેડૂત પુત્ર બોલ્યો: પણ જો મહારાજ કહે કે મારી વાર્તા ખૂબ જ લાંબી છે તો હું મારું મોં માંગ્યું ઈનામ લઈશ.

દિવાને હા પાડી દીધી.

બીજા દિવસે એ રાજાને વાર્તા સંભળાવવા હાજર થયો. સાથે સાથે દરબારમાં અનેક લોકો પણ હતા જ. બધા લોકો એવું જ વિચારવા લાગ્યા કે, “આ છોકરો વાત શરૂ કરશે પછી એની વાર્તા પૂરી થતાં જ એની હાલત પણ અન્ય વાર્તા કહેનારા લોકો જેવી જ ખરાબ થશે. એ બિચારો પણ જેલમાં ધકેલાઈ જશે.”

ખેડૂત પુત્ર ચતુર અને બુદ્ધિશાળી હતો. એ રાજાને સંભળાવવા માટે ખૂબ જ વિચિત્ર અને કદી કોઈએ ન સાંભળી હોય તેવી લાંબી વાત તૈયાર કરીને આવ્યો હતો.

એણે રાજાને પૂછ્યું: મહારાજ ! આપ વાર્તા સાંભળવા તૈયાર છો?

રાજાએ કહ્યું: હા, તૈયાર છું. ચાલ તારી વાર્તા શરૂ કર.

રાજાનો હુકમ થતાં જ એ વાર્તા સંભળાવવા માંડયો: મહારાજ ! ‘એક ગામ હતું. એ ગામમાં એક ખેડૂત હતો. એની પાસે મોટું ખેતર હતું. એ ખેતરમાં જુવાર વાવેલી હતી. ખેતરની પાસે એક મોટું ઝાડ હતું. એ ઝાડ ઉપર હજારો ચકલીઓ રહેતી હતી. જે ખેડૂતનો અનાજનો પાક તૈયાર થતો ત્યારે તેની ઉપર બેસીને ખાઈ જતી. જેના કારણે ખેડૂતને ખૂબ જ નુકસાન થતું હતું.

એક દિવસ ખેડૂતે વિચાર્યું: મારા ખેતરની ચોકીદારી હું જાતે જ કરીશ. જ્યારે ચકલીઓનું ટોળું આવશે ત્યારે હું જાળ નાંખીને તેમને પકડી લઈશ.

પરંતુ એ ચકલીઓ પણ ખૂબ જ ચાલાક હતી. એ આ વાત સમજી ગઈ અને એમણે એક યોજના તૈયાર કરી.

ચકલીઓએ યુક્તિ નક્કી કર્યા પ્રમાણે બધી એક સાથે ખેતરમાં ચણવા ને આવી. માત્ર એક ચકલી આવી અને દાણા ચણીને પછી ઊડી ગઈ: ફરરર….!

રાજાએ ઉત્સુકતાવશે પૂછયું: પછી?

પછી તરત જ બીજી ચકલી આવી એ પણ દાણા ચણી લીધા પછી ઊડી ગઈ: ફર૨૨….!

પછી ત્રીજી ચકલી આવી. એ પણ દાણા ચણવા લાગી અને પછી ઊડી ગઈ: ફરરર…..!

રાજાએ બગાસુ ખાતાં પૂછયું: પછી?

પછી ચોથી ચકલી આવી અને દાણા ચણીને ઊડી ગઈ: ફરરર….!

રાજાએ પૂછયું: પછી?

પછી પાંચમી ચકલી આવી અને દાણા ચણીને ઊડી ગઈઃ ફરરર…..!

રાજાએ પૂછયું: સારું હવે આગળ શું થયું?

ખેડૂત પુત્રએ કહ્યું: મહારાજ પહેલાં બધી ચકલીઓને દાણા ચણવા માટે આવી જવા દો એ પછી જ જે થયું તેની વાત આગળ વધે ને ! ચાલો ત્યારે પછી છઠ્ઠી ચકલી આવી. દાણા ચણીને એ પણ ઊડી ગઈ: ફરરર….!

બરાબર છે. બરાબર છે.

રાજા હવે એના ફરરરથી કંટાળીને બોલી ઊઠયો: “ચાલો માની લીધું કે એક પછી એક બધી જ ચકલીઓ આવી અને દાણા ચણીને ઊડી ગઈ ફ૨૨૨….”

ખેડૂત પુત્રે કહ્યું: ના મહારાજ ! બધી ચકલીઓ હજી આવી જ નથી. એક પછી એક કરીને આવશે. એ ઝાડ ઉપર હજારો ચકલીઓ છે.

સાતમી ચકલી આવી, દાણા ચણીને એ પણ ઊડી ગઈ. ફરરર….!

હવે તો રાજાની સહન શક્તિની હદ આવી ગઈ.

આ છોકરાની વાર્તા તો ફરરર….થી આગળ વધતી જ નથી.

રાજા હવે એ છોકરાની ચતુરાઈ જાણી ગયો.

જરૂર આ છોકરો એક પછી એક ચકલી ઉડાવતો જશે. પછી તો એની વાર્તા કયારેય પૂરી નહી થાય. એ જ કારણે હું એને સજા કરી નહીં શકું. આ છોકરો ખૂબ જ બુદ્ધિશાળી છે. માટે અત્યારે જ એની વાર્તા લાંબી અને સારી છે એવું કબૂલ કરીને એને મોં માંગ્યું ઈનામ આપી દેવામાં જ ભલું છે.

આમ વિચારીને રાજાએ કહ્યું: ભાઈ ! ખરેખર તારી વાર્તા તો બધા કરતા સારી છે. સૌથી લાંબી છે. માટે તારે શું ઈનામ જોઈએ તે કહે?

ખેડૂતના પુત્રે કહ્યું: મહારાજ ! અત્યાર સુધી તમે વાર્તા સાંભળવાને બહાને જેટલા લોકોને જેલમાં નાંખી દીધા છે તે બધાને છોડી દો અને એમને એમનું ઈનામ અપો. મારા માટે એ જ સૌથી મોટું ઈનામ છે. મહારાજ ! કોઈ પણ કલાકારને કારણ વગર સજા કરવાથી રાજલક્ષ્મી રિસાઈ જાય છે. જ્યાં એવું થાય છે ત્યાંનું રાજ્ય અને રાજા બન્નેનો નાશ થાય છે. હું ઈચ્છું છું કે આપણા રાજ્યમાં આવું સંકટ ન આવે.

રાજા આ સાંભળી ખૂબ જ પ્રભાવિત થયો. પસ્તાવો પણ કરવા લાગ્યો.

રાજા મનમાં વિચારવા લાગ્યો: અત્યાર સુધી મારા મંત્રીએ આવી સલાહ આપી નથી. ખરેખર તો મને સાચી સલાહ આપવી એ એનું કર્તવ્ય છે. પણ પોતાના સ્વાર્થ માટે મારી હામાં હા કર્યા કરે છે. એ કામ આ ખેડૂત પુત્રે કરી બતાવ્યું છે. રાજાએ કહ્યું: હું તને વચન આપું છું કે એ બધાને મોટું ઈનામ આપીને છોડી દેવામાં આવશે. હું તારી ઉપર ખૂબ જ પ્રસન્ન છું. માટે તારે ઈનામમાં જે માંગવું હોય તે માંગ.

ખેડૂત પુત્રે કહ્યું: મહારાજ ! આપણું રાજ્ય સલામત રહે અને પ્રજા સુખી રહે. આપનો યશ, કિર્તી વધે એ જ મારું ઈનામ છે.

રાજાએ એને ખુશ થઈને શાબાશી આપતાં કહ્યું: વાહ ! વાહ ! ધન્ય છે તારા માતા-પિતા ! મારા સલાહકાર તરીકે તારા જેવા સમજદાર અને ભલો વ્યક્તિ જ હોવો જોઈએ. તું ભલે ઉંમરમાં નાનો છે પણ સાચો દેશભક્ત છે. માટે અત્યારે જ હું તને મારો પ્રધાન બનાવું છું.

આમ વાર્તા કહેવા જનાર નાની ઉંમરનો ચતુર ખેડૂત પુત્ર રાજાનો પ્રધાન બની ગયો.

Share Story

Leave a Comment