બુદ્ધિનો ચમત્કાર

કાશીપુર નામનું એક જંગલ હતું. એ જંગલમાં એક ભયંકર સિંહ રહેતો હતો. એ સિંહ જંગલમાંથી પસાર થતાં અજાણ્યા મુસાફરોને મારી નાંખીને ખાઈ જતો હતો. જેમ-જેમ લોકોને ખબર પડતી ગઈ તેમ તેમ લોકોએ ત્યાંથી આવવા જવાનું બંધ કરી દીધું.

એજ કારણે હવે સિંહને માનવીનું માંસ ખાવા કે લોહી પીવા મળતું નહોતું. એટલે સિંહે જંગલમાં રહેલા જાનવરોને મારવાનું શરૂ કરી દીધું. જંગલના જાનવરો ભયને કારણે થર-થર ધ્રૂજવા લાગ્યા. કોઈને ખબર નહોતી કે ક્યારે એ સિંહનો કોળિયો બની જાય. ક્યારે એ હિંસક સિંહનો ભોગ બની જાય.

સિંહના આવા અત્યાચાર અને ભયને કારણે જંગલના બધા જાનવરોએ ભેગા થઈને એક સભા બોલાવી. જેમાં હાથી જેવા વિકરાળ પ્રાણીથી લઈને નાનકડા સસલા જેવા નાના-મોટા સૌએ ભાગ લીધો. સભાનો પ્રધાન હાથીને બનાવવામાં આવ્યો.

બધાં જ પ્રાણીઓ જ્યારે પોત પોતાની જગ્યાએ બેસી ગયા. ત્યારે હાથીએ એમને સંબોધતાં કહ્યું: “જુઓ ભાઈઓ ! અત્યારે આપણા બધાનો જીવ જોખમમાં છે. કોણ જાણે ક્યારે એ ખૂની લોહી પીનાર સિંહ આપણાં જીવનનો અંત લાવી દે. એવા સમયે આપણે એ વાત વિચારવી જોઈએ કે આપણે હવે નિર્ભય બનીને કઈ રીતે રહી શકીએ? છેવટે ક્યાં સુધી આપણે આ સિંહનો ભય અને ત્રાસ ભોગવતાં રહીશું?”

પરંતુ એનો જવાબ કોઈની પાસે નહોતો. સિંહની વિરુદ્ધ કોણ બોલે? એ જ સમયે એક મોર ત્યાં આવી પહોંચ્યો. મોરે મંચ ઉપર આવીને હાથીનું અભિવાદન કર્યા પછી કહ્યું: “સભાપતિ મહોદય ! તેમજ ભાઈ-બાંધવો ! મારી પાસે તેનો એક ઉપાય છે. હવેથી આપણે રાત-દિવસ ભયના કારણે ફફડતા રહેવું નહીં પડે. જો મારા વિચાર પ્રમાણે આપણને આપણા મરવાની ખબર પડી જાય તો. આપણે બધાં ક્યાં સુધી આ વનરાજનો અત્યાચાર સહન કરતાં રહીશું? મારી પાસે નિર્ભયતાપૂર્વક જીવવા માટે એક ઉપાય છે.”

હાથીએ પૂછ્યું: “એમ? તારી પાસે એનો ઉપાય છે? તે શું વિચાર્યું છે?”

બધા જ પ્રાણીઓની આંખો ચમકી ઊઠી.

મોરે કહ્યું: “જુઓ ભાઈઓ ! આપણા બધામાંથી પાંચ પ્રાણીઓ ભેગા થઈને જંગલના રાજા પાસે જઈશું. આપણે સિંહને એવી પ્રાર્થના કરીશું કે વનરાજ ! આપ આપની ગુફામાં જ આરામથી બેસી રહેજો. તમારા માટેના ભોજન માટે અમારાંમાંથી એક પ્રાણી દરરોજ આપની પાસે જાતે જ આવી જશે. આમ તમને ભોજન મળી જશે અને અમને પણ અમારા મૃત્યુના દિવસની ખબર પડશે. આમ કરવાથી બીજા પક્ષીઓ નિર્ભય અને ચિંતા વગર રહી શકશે. આપણને મૃત્યુની ચિંતા નહીં રહે અને વનરાજને ભોજનની ચિંતા નહીં રહે.”

બધા પ્રાણીઓએ મોરની વાત બરાબર છે એવું કબૂલ્યું અને એજ પ્રમાણે કરવા માટે તૈયાર છે તેમ કહ્યું.

તરત જ પાંચ પ્રાણીઓની એક ટુકડી હાથી અને મોરની આગેવાની નીચે તૈયાર કરવામાં આવી. એ ટુકડી સિંહ પાસે પહોંચી. સિંહે બધી વાત સાંભળીને તરત જ આ વાત માની લીધી.

બીજા દિવસે પ્રાણીઓની પંચાયતે દરેક પ્રાણીનો મરવાનો એટલે કે સિંહ પાસે જવાનો દિવસ નક્કી કરી લીધો. દરરોજ એક પ્રાણી સિંહ પાસે જવા લાગ્યું. બાકી રહેલા બીજાં પ્રાણીઓ પોતાનો વારો ક્યારે આવશે તેના દિવસો ગણવા લાગ્યાં.

એક દિવસ એક ગરીબ સસલાનો વારો આવ્યો. પરંતુ બધાં પ્રાણીઓને એ જોઈને ખૂબ જ નવાઈ લાગતી હતી કે સસલાના ચહેરા ઉપર મરવાનો જરાય ભય દેખાતો નહોતો. એ હસતો કૂદતો ફર્યા કરતો હતો. પોતાના મિત્રો અને સ્નેહીજનોની વિદાય લીધી ત્યારે એવું લાગતું હતું કે જાણે કે કોઈના લગ્નમાં જઈ રહ્યો ન હોય ! જ્યારે અન્ય પ્રાણીઓ સિંહ પાસે જતાં ત્યારે એ અને એના સ્નેહીઓ રડતાં રહેતાં હતાં.

 

એ સસલાની પત્ની અને બે બચ્ચાંઓ એને સિંહ પાસે જતાં જોઈને રડી રહ્યાં હતાં. પરંતુ સસલો તો જરાય ડરતો કે રડતો નહોતો. એ સસલો ખૂબ જ બુદ્ધિશાળી અને ચતુર હતો. નાનો હતો ત્યારે સાધુ-સંતો પાસેથી તેણે સાંભળ્યું હતું કે, “હિંમત હોય તો મૃત્યુ સામે પણ લડી શકાય છે.”

એ જ જ્ઞાનની શક્તિ એને એવી પ્રેરણા આપતી હતી કે તું મરવાનો નથી. જો તારી બુદ્ધિથી કામ લઈશ, હિંમત પૂર્વક સંકટનો સામનો કરીશ તો મોતને પણ ભગાડી શકીશ.

ચાલતાં ચાલતાં સસલાએ એક યુક્તિ વિચારી લીધી. રસ્તામાં એક જૂનો કૂવો આવ્યો. એણે કૂવામાં ડોકું કર્યું તો અંદર રહેલા થોડા પાણીમાં એનો પડછાયો દેખાયો.

તરત જ સસલો હસી પડ્યો. થોડીવાર સુધી એ વિચાર કરતો રહ્યો અને પછી સિંહ પાસે પહોંચી ગયો. સિંહ પાસે પહોંચતાં એણે થોડું મોડું થઈ ગયું. સિંહ ક્યારનો ભૂખ્યો હતો. તેથી તેની વાટ જોઈને બેઠો હતો.

સસલાને આ રીતે આરામથી આવતાં જોઈ ક્રોધે ભરાઈ સિંહે કહ્યું: “અરે ઓ નાનકડા સસલા ! એક તો તું જરાક જેવડો સાવ નાનો છે. તને ખાવાથી મારું પેટ ભરાવાનું નથી. હું ક્યારનો ભૂખથી તરફડી રહ્યો છું. હું ક્યારનો તારી વાટ જોઈ રહ્યો છું. બોલ આટલો મોડો કેમ આવ્યો?”

સસલાએ કહ્યું: “મહારાજ ! શું વાત કરું? હું જલ્દીથી તમારી પાસે આવી રહ્યો હતો પણ રસ્તામાં એક બીજા સિંહે મને રોકી રાખ્યો હતો.”

સિંહે કહ્યું: “શું વાત કરે છે? આ જંગલમાં મારા સિવાય બીજો સિંહ કયો છે અને ક્યાં છે? બીજો સિંહ આ જંગલમાં હોઈ શકે જ નહીં.”

સસલાએ કહ્યું: “મહારાજ ! હું સાચું કહું છું. એક સિંહ છે તેણે મને પકડી લીધો હતો. મેં એને ખૂબ જ આજીજી કરી કે હું વનરાજનું ભોજન છું. મને એમની પાસે જવા દે. પરંતુ એ તો આપના વિશે અપશબ્દો બોલવા લાગ્યો.”

સિંહે કહ્યું: “શું કહ્યું? મારા માટે અપશબ્દો કહ્યા? મારું અપમાન કર્યું? એની આ હિમ્મત? હું જરૂર એને મારી નાંખીશ. એને આ જંગલમાં આવવાનો અધિકાર કોણે આપ્યો? હું એનું લોહી પી જઈશ. ચાલ મને બતાવ એ ક્યાં છે? આજે હું તને ખાઈ જવાને બદલે એને ખાઈને મારું પેટ ભરીશ.”

સસલો વનરાજ સિંહને લઈને પેલા કૂવા પાસે આવી પહોંચ્યો. સિંહે ચારેય તરફ નજર ફેરવી પણ દૂર-દૂર સુધી એને કોઈ સિંહ દેખાયો નહીં. સિંહે ગુસ્સે થઈ પૂછ્યું: “અરે ઓ નાનકડા જીવ ! બીજો સિંહ ક્યા છે? શું તું મને મૂરખ બનાવી રહ્યો છે?”

સસલાને કહ્યું: “ના… ના…. મહારાજ ! એવી વાત નથી. હું જરાય ખોટું બોલતો નથી. કદાચ એ આપના ભયને કારણે ક્યાંક સંતાઈ ગયો હશે.”

સસલો વાત કરતાં કરતાં કૂવાની પાળ ઉપર ચડી ગયો અને કહ્યું: “જુઓ મહારાજ ! એ રહ્યો આ કૂવામાં સંતાઈ ગયો છે.”

સિંહે તરત જ કૂવાની પાળ ઉપર ચડીને અંદર જોયું. તરત જ એને પાણીમાં બીજો સિંહ દેખાયો. એ સિંહનું જ પ્રતિબિંબ હતું.

પરંતુ ક્રોધમાં આવેલા સિંહે જરાય સમજ્યા-વિચાર્યા વગર પેલા સિંહને મારી નાંખવા કૂવામાં કૂદકો માર્યો. જેના કારણે એનું માથું એક મોટા પથ્થર સાથે અથડાયું અને ફાટી ગયું.

સિંહના તરત જ રામ રમી ગયા.

સસલો આ જોઈને આનંદથી તાળીઓ વગાડવા લાગ્યો. નાચવા-કૂદવા લાગ્યો.

“બુદ્ધિ જ સૌથી મોટું હથિયાર છે.” એવી બૂમો પાડતો પાછો જંગલમાં ગયો.

સસલાને જીવતો-જાગતો પાછો આવેલો જોઈને બધા જાનવરો નવાઈમાં પડી ગયા.

સસલાએ વનરાજના કેવી રીતે રામ રમી ગયા તે બધાને કહી સંભળાવ્યું. બધાં પ્રાણીઓ આનંદથી નાચવા-કૂદવા લાગ્યાં.

Share Story

Leave a Comment