બગલા ભગત !

એક દિવસની વાત છે.

દરિયામાં રહેતા જીવો એકવાર સવારે તડકો ખાવા માટે દરિયા કિનારે આવ્યાં. એમને ત્યાં જોયું તો ખૂબ જ નવાઈ લાગી. એમણે પોતાના શત્રુ બગલાને એક પગ ઉપર ઊભો રહીને પ્રાર્થના કરતો જોયો. વધારે નવાઈની વાત એ હતી કે આજે એમની ઉપર એણે હુમલો કર્યો નહોતો.

બધા જ જીવોને ખૂબ જ નવાઈ લાગી.

આજે આ બગલાને થયું છે શું?

કેટલાંક હિંમત ધરાવતાં કાચબા, કરચલા અને માછલીઓ બધા ભેગા થઈને એની નજીક પહોંચી ગયા. બધાએ પૂછ્યું: “બગલાદાદા ! આજે તમે કંઈક ચિંતામાં છો?”

બગલાએ શાંતિથી નમ્ર અવાજે કહ્યું: “ભાઈઓ ! હું આજથી ભગત બની ગયો છું. મેં આજથી ભક્તિ શરૂ કરી છે. કાલે મને સ્વપ્ન આવ્યું હતું કે હવે આ દુનિયાનો નાશ થવાનો છે. એટલે શા માટે ભગવાનનું નામ ન લેવું? અને હા સાંભળો. આ તળાવ પણ સૂકાઈને ખાલી થઈ જવાનું છે. માટે તમે બધા જલ્દી કોઈ બીજી જગ્યાએ જતાં રહો.”

સૌ જીવોએ પૂછ્યું: “શું તમે આ સાચું કહી રહ્યા છો?”

બગલાએ કહ્યું: “હા ભાઈ ! હું ખોટું શા માટે બોલું? તમે જોઈ રહ્યા છો કે હવે તો હું તમારો શિકાર પણ કરતો નથી. કારણ કે મેં માંસ ખાવાનું બંધ કરી દીધું છે. રામ…રામ…રામ…”

બગલાની ભક્તિ ભરેલી વાત અને વર્તન જોઈને બધાને એવો વિશ્વાસ બેસી ગયો કે આ બગલાભગત જે કહી રહ્યા છે એ સાચું છે. દેડકાએ ગભરાઈ જતાં કહ્યું: “બગલાભગતજી ! જો આ તળાવ સૂકાઈ ગયું તો અમારા બાળકો તડપી-તડપીને મરી જશે. માટે કોઈ ઉપાય કરો.”

બગલાએ લુચ્ચાઈથી કહ્યું: “ભાઈ ! હું આજે ભગવાન સાથે વાત કરીશ. એ જેમ કહેશે તે હું તમને જણાવી દઈશ. માનવું કે ન માનવું કે તમારી મરજી છે.”

બધા જીવો બગલાભગતના ચરણ સ્પર્શ કરીને જતાં રહ્યાં.

બીજા દિવસે બગલાભગતે જણાવ્યું કે, “ભગવાને કહ્યું છે કે તમે બધા બાજુમાં આવેલા જંગલમાં જે તળાવ છે તેમાં જતાં રહો તો તમારો જીવ બચી જશે.”

બધાએ ચિંતાભર્યા સ્વરે પૂછ્યું: “પણ અમે ત્યાં કઈ રીતે પહોંચી શકીશું?”

એક કાચબાએ ઉપાય બતાવ્યો: “જો અહીંથી ત્યાં સુધી એક સુરંગ ખોદવામાં આવે તો….”

કરચલો બોલી ઊઠ્યો: “અરે ભાઈ ! આ કંઈ સહેલું કામ છે? અને પાછી આટલી લાંબી સુરંગ ખોદશે કોણ?”

એ જ વખતે એક માછલી બોલી: “એક બીજો ઉપાય છે. જો બગલાભગતજી આપણને પોતાની પીઠ ઉપર બેસાડીને ત્યાં લઈ જાય તો આપણે ત્યાં જઈ શકીશું.”

બગલાએ તરત જ કહ્યું: “હવે તો હું ઘરડો થઈ ગયો છું. માટે આટલો ભાર હું કઈ રીતે…..”

એની વાત અડધેથી કાપતાં કરચલાએ કહ્યું: “ભગતજી ! તમે અમને એક-એક કરીને વારાફરતી ત્યાં લઈ જાવ. હવે તો તમે સાધુ બની ગયા છો. સાધુનું કામ છે, બીજાને રક્ષણ આપવાનું અને મદદ કરવાનું.”

બધાએ કરચલાની વાત વધાવી લીધી અને બગલાભગતને મદદ કરવા વિનંતી કરી.

બગલાભગતે કહ્યું: “હવે જયારે તમે બધા ભેગા થઈને મને વિનંતી કરો છો તો આ શુભ કામ આજે જ શરૂ કરી દઉં. ચાલો, તમારામાંથી કોઈ એક માછલી મારી પીઠ ઉપર બેસી જાય.”

એક ચતુર અને અધીરી માછલી તરત જ બગલાની પીઠ ઉપર બેસી ગઈ.

ભગત બગલો તેને લઈને ઊડવા લાગ્યો. એ જ રીતે બગલો ઘણા દિવસો સુધી પોતાની પીઠ ઉપર માછલીઓ કાચબા, દેડકાં અને કરચલાઓને બેસાડીને ઊડવા લાગ્યો.

એ દરરોજ બે-ત્રણ માછલી, કાચબા, દેડકાં અને કરચલાઓને ત્યાંથી લઈ જતો હતો.

એક દિવસ એક તાજાં-માજાં કરચલાનો વારો આવ્યો. જ્યારે કરચલો તેની પીઠ ઉપર બેસી ગયો ત્યારે બગલો વિચારવા લાગ્યો: “આજે તો આ સરસ મજાનો કરચલો ખાવા મળશે.”

એક પહાડ પાસેથી પસાર થયા ત્યારે કરચલાને ઢગલાબંધ માછલીઓના હાડકાં, કાચબાની ખાલ અને દેડકાના હાડપિંજરો દેખાયા. એ જોઈને કરચલો બગલા ભગતનો ઢોંગ અને લુચ્ચાઈ સમજી ગયો. એક પળનો પણ વિલંબ કર્યા વગર બગલાની ડોક પકડીને દબાવવા લાગ્યો.

બગલાએ બૂમ પાડતાં કહ્યું: “અરે કરચલાભાઈ, શું કરો છો?”

કરચલાએ કહ્યું: “ઢોંગી, પાખંડી બગલા ! મને અત્યારે ને અત્યારે જ અમારા તળાવમાં પાછો લઈ જા. નહીંતર હું તને મારી નાંખીશ. હવે હું તારી ચાલાકી સમજી ગયો છું. હવે તું ઘરડો થઈ ગયો છે. એટલે શિકાર કરી શકતો નથી. તું તો અમારા તળાવમાં રહેલી ભોળી માછલીઓ અને અન્ય જીવને અહીં લાવીને બચાવવાને બહાને ખાઈ ગયો છે. હવે જો તારે જીવતાં રહેવું હોય તો પાછો ચાલ. નહીંતર હું જ તને અહીં જ મારી નાખીશ.”

બગલાભગત પાસે હવે બચવા માટે બીજો કોઈ જ ઉપાય નહોતો.

એ ફરીથી પેલા જૂના તળાવ તરફ ચાલવા લાગ્યો. એ એવું વિચારતો હતો કે આ કરચલો ત્યાં જઈને મને છોડી દેશે તો મારો જીવ બચી જશે.

કરચલાએ ત્યાં પહોંચી ગયા પછી એની ડોક મરડી નાંખી અને તળાવમાં રહેલા અન્ય જીવોને સાચી વાત જણાવી દીધી. હવે બાકી રહેલા તળાવના જીવો જે બચી ગયા હતા. એ કરચલાનો આભાર માનવા લાગ્યા.

Share Story

Leave a Comment