સંસારમાં મનુષ્યને કોઈ બીજું એટલું હેરાન નથી કરતું, જેટલું તેના દુર્ગુણો અને દુર્ભાવનાઓ હેરાન કરે છે. દુર્ગુણરૂપી શત્રુઓ ક્યારેય તેને જંપવા દેતા નથી.
કહેવત છે કે પોતાની બુદ્ધિ અને બીજાની સંપત્તિ ચતુરને ચારગણી અને મૂરખને સો ગણી દેખાય છે. દરેક વ્યક્તિ પોતાને સંપૂર્ણ નિર્દોષ અને પૂર્ણ બુદ્ધિશાળી માને છે. તેને પોતાની ત્રુટિ કે દોષો દેખાતાં નથી. આ એકમાત્ર નબળાઈએ માનવજાતની પ્રગતિમાં જેટલા અવરોધ ઉભા કર્યા છે એટલા બીજા કોઈએ નથી કર્યા.
સૃષ્ટિનાં તમામ પ્રાણીઓથી વધુ બુદ્ધિશાળી મનુષ્ય જયારે એવું વિચારે છે કે “દોષ તો બીજામાં જ છે, તેમની જ નિંદા કરવાની અને તેમને જ સુધારવા જોઈએ. આપણે સંપૂર્ણ નિર્દોષ છીએ, મારે તો સુધારવાની જરૂર નથી” ત્યારે એમ કહેવું પડે છે કે તેની કહેવાતી બુદ્ધિમત્તા ભ્રામક છે. આ દ્રષ્ટિકોણના કારણે પોતાની ભૂલ સુધરતી નથી. કોઈ એ તરફ ઈશારો કરે તો પણ એમને પોતાનું અપમાન થતું દેખાય છે. દોષ દેખાડનારને શુભચિંતક માની તેનો આભાર માનવાને બદલે મનુષ્ય જયારે તેના પાર ગુસ્સે થાય, તેને દુશ્મન માને અને પોતે અપમાન અનુભવે, તો એમ કહેવું જોઈએ કે તેણે સાચી પ્રગતિની દિશામાં હજુ એક ડગલું પણ માંડયું નથી.
બાહ્ય ઉન્નતિ માટે જેટલી ચિંતા કરવામાં આવે છે, તેટલી આંતરિક ઉન્નતિ માટે કરવામાં આવે તો મનુષ્ય બેવડો લાભ મેળવી શકે છે, પરંતુ જો બાહ્ય ઉન્નતિ માટે જ હંમેશા પ્રયત્નો થતા રહે અને થોડી સાધનસામગ્રી ભેગી કરી લેવામાં આવે, તો તેનાથી તેને શાંતિ મળશે નહિ. પોતાના દોષો પ્રત્યે અજાણ્યા રહેવા જેવો મોટો પ્રમાદ આ સંસારમાં બીજો કોઈ નથી. તેનું મૂલ્ય જીવનની નિષ્ફળતા બદલ પસ્તાવો કરીને જ ચૂકવવું પડે છે.
શરૂઆતમાં નાના નાના દોષદુર્ગુણો શોધીને તેમને દૂર કરવા જોઈએ. આ પ્રમાણે આગળ વધનારને જે નાની નાની સફળતાઓ મળે છે તેનાથી તેનું સાહસ વધતું જાય છે. તે સુધારણાથી જે પ્રત્યક્ષ લાભ મળે છે તે જોતાં મોટાં કદમ ભરવાનું સાહસ જાગે છે અને તેને પૂર્ણ કરવાનું મનોબળ પણ વધે છે.
ગુણ, કર્મ તથા સ્વભાવમાં સુધારો કર્યા વિના પ્રગતિ થઈ શકતી નથી. એમાં માનવોચિત સુધારા કરીને વ્યક્તિત્વને સુવિકસિત કરવું જોઈએ. દુર્વ્યવહારનું ખરાબ ફળ બેચેની છે. તમે બીજા પાસેથી પોતાના માટે જેવો વ્યવહાર ઈચ્છો છો એવો જ વર્તાવ બીજાની સાથે પણ કરો.
મનુષ્યમાં બીજાં પ્રાણીઓ કરતાં બુદ્ધિ અને વિચારોની શક્તિ વધારે છે. તેથી તે પોતાની ભલાઈનો વિચાર કરી શકે છે. બુદ્ધિના સદુપયોગ અને દુરુપયોગથી જ તે સુખશાંતિ અથવા કલહ અને કંકાસની પરિસ્થિતિ ઊભી કરે છે. તેનું દોષારોપણ બીજાના ઉપર કરવું યોગ્ય નથી. મનુષ્ય પોતાનાં કર્મોનું ફળ પોતે ભોગવે છે. તેના માટે કોઈ બીજાને દોષ ન દઈ શકાય.
પોતાની શારીરિક ત્રુટીઓ પર વિચાર કરો. આજે લોકો પાન, બીડી, સિગારેટ, તમાકુ, મરચુમસાલા, મીઠાઈ, ઈંડા, માંસ વગેરે કેટલાય અભક્ષ્ય પદાર્થોનું સેવન કરે છે. પછી તેમનું સ્વાસ્થ્ય ખરાબ થાય તેમાં શી નવાઈ ? રોજ નવી નવી બીમારીઓ પેદા થાય છે, તેના માટે કોને અપરાધી ગણીશું ? એક બાજુ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અને બીજી બાજુ વધતી જતી અસંમયની પ્રવૃત્તિ, બંનેએ ભેગાં મળીને સ્વાસ્થ્યની બરબાદી કરી નાખી છે. લોકોમાં ઋતુપરિવર્તનને સહન કરવાની પણ શક્તિ રહી નથી, મનુષ્ય માટે આવાં આત્મઘાતી ભયાનક પરિણામ મનુષ્યના નામ પર કલંક લગાડી રહ્યાં છે.
અશ્વલીલ સાહિત્ય, સિનેમાનાં ગંદા ગીતો, દૂરદર્શન અને ખરાબ ચિત્રોથી થતી કામોત્તેજનાને કારણે મનુષ્યનું શરીર તો બરબાદ થાય છે જ, સાથે સાથે મન પણ દુષિત થાય છે. જેના પરિણામે તેના જીવનમાં દુઃખ, શોક અને રોગો જોવા મળે છે. ઠાઠમાઠ તથા શણગાર પ્રિયતાને કારણે ચારિત્રિક પતન પણ હદ પાર કરી ગયું છે. આર્થિક વ્યવસ્થા પણ લથડી ગઈ છે, મનુષ્યને ક્યાંક ચેન કે સંતોષ નથી મળતો. બિચારો દુઃખી થઈને આમતેમ ભટકી રહ્યો છે. તેના નૈતિક સ્તરનું પતન થઇ રહ્યું છે.
ભ્રસ્ટાચારને કારણે આજે બધા દુઃખી છે, છતાં નૈતિક સાહસ કોઈનામાં નથી. બધા સ્વાર્થ સાધવામાં વ્યસ્ત છે. પોતે બીજાને કશું આપવાના બદલે બીજા પાસેથી ઝુંટવી લેવાની નીતિને કારણે લોકોમાં સહયોગ અને સહાનુભૂતિ રહ્યા નથી. માનવતાનું આટલું અધઃપતન ભાગ્યે જ બીજા કોઈ યુગમાં થયું હશે. આ પતનના કારણે લોકોને કષ્ટ અને પીડાઓથી પરેશાન થવું પડે એ સ્વાભાવિક છે.
પોતાના સુખને નષ્ટ કરવાની જવાબદારી મનુષ્યની જ છે. આજે મનુષ્ય અસુરતા તરફ આગળ વધી રહ્યો છે, તેથી જ તે દુઃખી છે, એમાંથી મુક્તિનો ઉપાય એક જ છે કે તે દુષ્પ્રવૃત્તિઓ છોડીને સદાચારી જીવન જીવવામાં સુખ અને સંતોષનો અનુભવ કરે. આપણને બીજા લોકો ખરાબ લાગે છે, પરનું એવું નથી સુઝતું કે આપણો દ્રષ્ટિકોણ ખરાબ છે. આત્મનિરીક્ષણ આ સંસારનું સૌથી મુશ્કેલ કામ છે. આપણા દોષો શોધવાનું કામ સમુદ્રના તળિયેથી મોતી શોધી લાવનાર મરજીવાના કાર્યથી પણ વધુ મુશ્કેલ છે. સાહસિક મનુષ્ય જ પોતાના દોષોનો સ્વીકાર કરી શકે છે અને સુધારવાનો પ્રયત્ન તો કોઈ વીરલો જ કરે છે. આ જ કારણે આપણામાંથી મોટા ભાગ ની વ્યક્તિઓ બીજાના દોષો જુએ છે અને દરેકને દોષી, નિંદનીય, ઘૃણાપાત્ર અને દુર્ભાવનાયુક્ત માને છે. પરિણામે ચારેબાજુ આપણને દુષ્ટતા અને શત્રુતા જ દેખાય છે. મનુષ્ય પોતે નિરાશા અને વ્યથાથી ઘેરાયેલો રહે છે. આવો જોઈએ કે ક્યા ક્યા દોષો, દુષ્પ્રવૃત્તિઓ અને દુર્ભાવનાઓ આપણા જીવનની ઉન્નતિમાં બાધક બને છે.
(૧) વ્યસન –
સૌથી દુર્ગુણી વ્યક્તિ વ્યસની હોય છે. વ્યસનો મનુષ્યના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના દુસ્મન છે. દારૂ, જુગાર, વ્યભિચાર જ નહિ, પરંતુ આળસ, પ્રમાદ વગેરે પણ વ્યસન જ છે.
મનુષ્ય જો દારૂ પીએ કે અન્ય પ્રકારનો નશો કરે, જુગાર રમે અથવા વ્યભિચારમાં પ્રવૃત્ત થાય, તો માત્ર ધન ગુમાવે છે તેવું નથી, પરંતુ અનેક પ્રકારના શારીરિક, માનસિક તેમજ બૌદ્ધિક વ્યાધિઓને પણ આમંત્રણ આપે છે. પ્રગતિ માટે આ બધાનો ત્યાગ કરવો અત્યંત જરૂરી છે.
(૨) અહંકાર અને લોભ –
જીવનની પ્રગતિમાં અહંકાર મનુષ્યનો સૌથી મોટો અવરોધ છે. અહંકારથી ભેદબુદ્ધિ ઉત્પન્ન થાય છે, જે માનવને માનવથી અલગ કરે છે. મનુષ્યમાં પાપપ્રવૃત્તિઓ પ્રબળ બને છે અને તે ન કરવાના કામ કરે છે.
અહંકારના દોષથી બુદ્ધિ વિપરીત થઇ જાય છે, આથી મનુષ્યને ખોટું કામ સાચું લાગે છે.
અહંકાર અને લોભ એકબીજાના અભિન્ન સાથી છે. જ્યાં એક હોય ત્યાં બીજો હોય જ છે. અહમના દોષથી મનુષ્યનો લોભ એટલી હદે વધી જાય છે કે સંસારની તમામ વસ્તુઓ પર તે એકાધિકાર ઈચ્છે છે. તે સંસારનાં બધાં સાધનોનો લાભ પોતે એકલો જ લેવા માગે છે, કોઈને તેમાં ભાગીદાર થતો જોઈ શકતો નથી. નિર્બળ અહંકારી સમાજનું કશું બગાડી શકતો નથી. તે પોતાનું હૃદય બાળે છે અને શક્તિ નષ્ટ કરે છે.
ઉન્નતિ અને પ્રગતિ માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં અહંકારનો ત્યાગ કરવો એ સૌથી પ્રથમ અને મુખ્ય પ્રયત્ન છે. તેનાથી ઉન્નતિનો માર્ગ તો મોકળો થાય છે જ, સાથેસાથે પોતે પણ સંતોષ અને શાંતિદાયક સ્થિતિમાં રહી શકે છે.
(૩) અભિમાન –
જયારે મનુષ્ય પોતાને મોટો સમજવા લાગે છે ત્યારે અભિમાનનો અંકુર ફૂટી નીકળે છે. જે રોજેરોજ વધતાં વિશાળ રૂપ ધારણ કરી લે છે. ખોટી પ્રશંસા, ઉદ્દંડતા, સ્વેચ્છાચાર તથા બડાઈના કારણે મનુષ્ય પોતાની વાસ્તવિકતાને સમજી શકતો નથી અને અભિમાનની પાંખોથી ઊડવા લાગે છે.
પોતાના રંગ, રૂપ તથા શક્તિની વિશેષતાઓનું અભિમાન મનુસ્યના પતનનું કારણ બની જાય છે. તેની વિવેકશીલતા, વિવેકબુદ્ધિ અને દૂરદર્શિતા નાશ પામે છે. તેના આવા વ્યવહારને કારણે દિવસે દિવસે તેના વિરોધીઓ તથા દુશ્મનોની સંખ્યા વધતી જાય છે. આ જ પતનનો, અસફળતાનો તથા વિનાશનો માર્ગ છે. તેની બધી શક્તિ વિરોધ, દ્વેષ તથા ષડ્યંત્રોમાં જ નાશ પામે છે. રચનાત્મક દ્રષ્ટિએ તે કશું જ કરી શકતો નથી.
(૪) અનિયંત્રિત મહત્ત્વાકાંક્ષાઓ –
આપણને લખ્ક્ષથી વિચલિત કરવામાં વિકૃત મહત્ત્વાકાંક્ષાઓનો ફાળો મોટો છે. તે આપણને જીવનના સહજ અને સ્વાભાવિક માર્ગથી હઠાવીને ખોટા માર્ગે લઈ જાય છે. તેના કારણે આપણે જે કરવું જોઈએ તેની આપણે ઉપેક્ષા કરીએ છીએ અને જે નથી કરવાનું તે કરવા લાગીએ છીએ.
આમ તો જીવનમાં આકાંક્ષા હોવી જરૂરી છે, કારણ કે તેના વિના તો જીવન જડ બની જશે, પ્રગતિનાં દ્વાર પણ બંધ થઇ જશે. આજે સંસારનું જે વિકસિત તથા પ્રગતિશીલ સ્વરૂપ દેખાય છે તે ઘણીબધી વ્યક્તિઓની આકાંક્ષાઓનું જ પરિણામ છે. તેના લીધે તો સંસારના મહાન વૈજ્ઞાનિકો આશ્ચર્યોનાં દ્વાર ખોલી શક્યા છે.
મહત્ત્વાકાંક્ષા તો ઉત્કૃષ્ટ અને મહાન આદર્શને સાકાર કરવાનું સાહસ તથા કર્મઠતાભર્યું અભિમાન છે. તેની પાછળ સ્વસ્થ અને સંતુલિત મનોભૂમિ, જાગૃત ચેતના તથા વિવેકબુદ્ધિ કામ કરે છે. વિકૃત મહત્ત્વાકાંક્ષા અધોગામી હોય છે. તેના કારણે આપણે જીવનભર સહજ માર્ગ નથી અપનાવી શકતા અને દુઃખ તથા અસંતોષ જ મેળવીએ છીએ. આપણી મહત્ત્વાકાંક્ષાઓ વિશે આપણે વિવેકપૂર્ણ બુદ્ધિથી વિચારવું જોઈએ કે તે કેટલી યથાર્થ અને કેટલી ઉપયોગી છે. ક્યાંય આપણે કોઈ ભ્રમમાં તો નથી ને? તે આપણને જિંદગીના સાચા માર્ગે લઇ જઈ રહી છે કે પથભ્રષ્ટ કરી રહી છે? કોઈ સ્વાર્થબુદ્ધિ તો કામ નથી કરતી ને? જો મહત્ત્વાકાંક્ષાઓ નિમ્ન સ્તરની હોય તો તેમનો ત્યાગ કરવો જોઈએ. કેવળ શ્રેષ્ઠતા તરફ લઇ જનારી મહત્ત્વાકાંક્ષા જ લાભકારક હોય છે.
(૫) અસત્ય –
અસત્યને સંસારના બધા ધર્મો, સંપ્રદાયો અને સમાજપ્રણાલીઓમાં ખરાબ માનવામાં આવ્યું છે. બધા મહાપુરુષોએ અસત્યને છોડવાનો ઉપદેશ આપ્યો છે. સાચી વાતને છુપાવી તેના બદલે બીજી કોઈ નવી ઉપજાવી કાઢેલી વાત કહેવી એટલે અસત્યનું અનુસરણ કરવું. મોટાભાગે લોકો શિક્ષાથી બચવા અથવા પોતાના દોષોને છુપાવવા કે કોઈ લાભ મેળવવા માટે જૂઠું બોલે છે. ખોટી રીતે બીજાને દોષ દેવો તેમ જ નિંદા કરવી એ પણ અસત્ય બોલવા બરાબર જ છે. તેવી જ રીતે કડવાશભરી વાણી પણ અસત્ય બોલવાનું રૂપ છે. પ્રલોભન, રાગ, દ્વેષ, લોભ, વગેરેના કારણે મનુષ્ય અસત્ય બોલે છે. વ્યક્તિના જીવન પર તેનો ઘણો પ્રભાવ પડે છે. શાસ્ત્રોએ અને વિદ્વાનોએ અસત્યનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે.