પાપબુદ્ધિ અને ધર્મબુદ્ધિ !

ઘણા સમય પહેલાની વાત છે.

એક ગામમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ પાપબુદ્ધિ હતું. બીજાનું નામ ધર્મબુદ્ધિ હતું.

બન્ને મિત્રોમાં પોતાના નામ પ્રમાણે જ ગુણો હતા. પાપબુદ્ધિ કાયમ છળ-કપટની વાતો વિચારતો જ્યારે ધર્મબુદ્ધિ કાયમ બધાનું ભલું કરવાની વાતો વિચારતો.

એક દિવસ બન્ને મિત્રો સાથે કમાવા માટે પરદેશ જવા નીકળ્યા. ધર્મ બુદ્ધિની નીતિ અને ભાગ્ય સારા હતા. રસ્તામાં એમને એક જગ્યાએ ખાડો દેખાયો. એ ખાડાની નજીક જઈને જોયું તો એમાં સોનામહોરો ભરેલો ઘડો દેખાયો. ખૂબ જ મહેનત કરીને ઘડો બહાર કાઢયો.

ધર્મબુદ્ધિ વિચારવા લાગ્યો: પાપ બુદ્ધિ મારો મિત્ર છે. આ સોનામહોર ભરેલો ઘડો ભલે મને દેખાયો, પણ મારે મારા મિત્રને એમાંથી અડધો ભાગ આપવો જોઈએ.

પાપબુદ્ધિએ સલાહ આપતાં કહ્યું: મિત્ર ! આપણે પરદેશમાં ધન કમાવા માટે જઈ રહ્યા હતા. હવે જ્યારે ધન અહીં જ મળી ગયું છે તો આપણે પાછા આપણા ઘેર જતાં રહેવું જોઈએ.

બન્ને મિત્રો પોતાના ગામમાં પાછા ફર્યા.

રસ્તામાં પાપબુદ્ધિ સોનામહોર ભરેલો ઘડો પોતે એકલો પચાવી પાડવાના વિચાર કરતો હતો. એણે એક એવી કપટભરી યુક્તિ શોધી પણ કાઢી.

ગામના પાદર પાસે આવ્યા ત્યારે પાપબુદ્ધિ એક મોટા ઝાડ આગળ ઊભો રહી ગયો.

પાપબુદ્ધિએ કપટથી ધર્મબુદ્ધિને કહ્યું: મિત્ર ! આપણે અત્યારે એક સાથે આટલું બધું ધન લઈ જઈશું તો કયારેક ચોરો ઘરમાં આવીને ચોરી જશે. માટે અત્યારે એમાંથી આપણે બન્ને સો-સો સોનામહોર કાઢીને લઈ જઈએ. એમાંથી આપણે વહેપાર ધંધો કરીશું. બાકીનું ધન આ લીમડાના ઝાડ નીચે દાટી દઈએ. જ્યારે ફરીથી બીજા ધનની જરૂર પડશે ત્યારે આપણે કાઢીને લઈ જઈશું.

બિચારો ધર્મબુદ્ધિ એની ચાલાકી સમજી શકાયો નહીં. એ ભોળવાઈ ગયો. એણે તરત જ કહ્યું: સારું મિત્ર ! તું જેવું કહે છે તેવું કરીએ.

બન્ને મિત્રોએ મોટા ઝાડ નીચે ખાડો કરીને બાકી રહેલી સોનામહોરો ઘડામાં મૂકીને દાટી દીધી.

બન્ને મિત્રો પોત-પોતાની પાસે રહેલી એકસો સોનામહોરો વડે વહેપાર ધંધો કરવા લાગ્યા. ધર્મબુદ્ધિએ પોતાના માટે સારા નવા મકાનો બંધાવ્યા. પાડોશીઓને પણ મદદ કરી. પરંતુ પાપબુદ્ધિને આવું કયાંથી સૂઝે? પાપબુદ્ધિ તો મફતમાં મળેલું ધન ખોટા કામો કરીને બરબાદ કરવા લાગ્યો. જેના કારણે એની પાસે રહેલું ધન થોડા જ સમયમાં પૂરું થઈ ગયું.

પાપબુદ્ધિ તો હવે પોતાની યુક્તિ પ્રમાણે લીમડાના ઝાડ નીચે દાટેલું ધન પચાવી પાડવાનું વિચારવા લાગ્યો.

એક રાતે એ પોતાના બાપ સાથે ગામના પાદરે આવી પહોંચ્યો. બાપ-બેટાએ ભેગા મળી ખાડો ખોદીને સોનામહોરો ભરેલો ઘડો કાઢી લીધો. ખાડામાં ફરીથી માટી નાંખીને ખાડો પૂરી દીધો.

થોડા સમયમાં પાપબુદ્ધિએ ફરીથી પાપના રસ્તે બધું જ ધન બરબાદ કરી નાંખ્યું. છતાંય પાપબુદ્ધિને સાચો રસ્તો ન દેખાયો.

ધર્મબુદ્ધિ પોતાની મહેતન, ઈમાનદારી વડે ધંધો-વહેપાર વધારવા લાગ્યો. ધન વડે લોકોની ભલાઈના કામ કરવા લાગ્યો.

સમાજમાં એનું માન-સન્માન વધી ગયું.

આ બધું જોઈને પાપબુદ્ધિ એની ઈર્ષ્યા કરવા લાગ્યો. એ એવા ઉપાયો વિચારવા લાગ્યો કે કઈ રીતે એ ધર્મબુદ્ધિને હેરાન કરી શકાય? એનું સમાજમાં અપમાન કરી શકાય? એની પાસે રહેલું ધન છીનવી શકાય?

એક દિવસ પાપબુદ્ધિ પોતાના મિત્ર ધર્મબુદ્ધિ પાસે આવ્યો અને કહ્યું: મિત્ર ! મારે ધનની જરૂર છે. માટે ચાલો આપણે બન્ને સાથે જઈને દાટેલું બાકીનું ધન લઈ આવીએ. તેના બે ભાગ કરી નાંખીએ. મને મારો ભાગ આપી દેજે. તારા ધન માટે જેવી તારી મરજી.

વાત નક્કી થયા પ્રમાણે બન્ને મિત્રો લીમડાના ઝાડ પાસે આવ્યા. ધર્મબુદ્ધિ ખાડો ખોદવા લાગ્યો. ધીરે-ધીરે ખાડો ઊંડો થવા લાગ્યો પણ તેમાં સોનામહોરો ભરેલો ઘડો ન દેખાયો.

ધર્મબુદ્ધિ વિચારમાં પડી ગયો.

ખાડામાં સોનામહોરો ભરેલો ઘડો નથી એ વાત તો પાપબુદ્ધિ સારી રીતે જાણતો હતો. પોતે ચોર હોવા છતાં શાહુકારી કરતો હતો. પાપબુદ્ધિ તરત જ તાડૂકી ઊઠયો: ખાડામાં સોનામહોરો ભરેલો ઘડો નથી? જરૂર તે જ સોનામહોરોનો ઘડો કાઢી લીધો હશે. વાહ ! તું કેવો મિત્ર છે ! આપણે સાથે મળીને જ આજ જગ્યાએ ધન દાટયું હતું. આ વાત આપણા બે સિવાય ત્રીજું કોઈ જાણતું નથી. હું અત્યાર સુધી એકલો અહીં આવ્યો જ નથી અને અત્યારે જમીનમાં ઘડો નથી તેનો અર્થ એ જ થયો કે જરૂર તે જ એકલા આવીને અહીંથી ઘડો કાઢી લીધો છે.

ધર્મબુદ્ધિ બોલી ઊઠયો: મિત્ર ! મેં સોનામહોરો ભરેલો ઘડો લીધો નથી.

પાપબુદ્ધિ એકદમ ગુસ્સે થઈને બોલી ઊઠયો: વાહ ! તો પછી એ સોનામહોરો ભરેલો ઘડો ગયો કયા? તું ખોટું બોલે છે. મારા ભાગની સોનામહોરો પચાવી પાડવા જબરું કપટ કર્યું છે. મેં તારી ઉપર વિશ્વાસ મૂકયો અને તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો? ચાલ હવે, મને સાચેસાચું કહી દે. એ બધું ધન તું કયારે લઈ ગયો અને કયાં મૂકયું છે? મને મારો ભાગ આપી દે. નહીંતર રાજદરબારમાં તારી ફરિયાદ કરીશ.

આ બધું સાંભળી ધર્મબુદ્ધિ ખૂબ જ દુઃખી થયો. એણે પાપબુદ્ધિને સમજાવતાં કહ્યું: ભાઈ ! મને પોતાને ખબર નથી કે એ ધન કોણ લઈ ગયું? મારી ઈચ્છા તો તને તારો હક્ક ન હોવા છતાં અડધી સોનામહોરો આપવાની હતી જ. મારે જો તને કંઈ જ આપવું ન હોત તો એ જ સમયે તને ના પાડી દીધી હોત. આપણે ઘડો દાટીને ગયા પછી માત્ર આજે જ તારી સાથે આ જગ્યાએ આવ્યો છું. હું સાચું કહું છું. એટલા માટે હું જરાય ડરતો નથી. ચાલો આપણે રાજદરબારમાં જઈને ચોરીની ફરિયાદ કરીએ.

પાપબુદ્ધિ તરત જ તૈયાર થઈ ગયો. એણે એનો ઉપાય પહેલાથી જ તૈયાર કરી લીધો હતો.

દરબારમાં કાજીએ કહ્યું: તમે બન્ને સાચું કહો છો તે સાબિત કરો.

ધર્મબુદ્ધિ તૈયાર થઈ ગયો.

પરંતુ પાપબુદ્ધિએ કહ્યું: સાબિત કરવાની વાત તો ત્યારે આવે કે જ્યારે કોઈ ત્રીજું ન હોય. પરંતુ અમારા સાક્ષી વનદેવતા છે. એ જ બતાવી દેશે કે અમારા બન્નેમાંથી ચોર કોણ છે? નિર્દોષ કોણ છે?

કાજી સાહેબે વાત મંજુર કરી લીધી. બીજા દિવસે ન્યાય કરવાનું કહ્યું. પાપબુદ્ધિ પોતાના ઘેર આવ્યો અને પોતાના બાપને કહ્યું: પિતાજી ! તમે તો જાણો છો કે જમીનમાં દાટેલું ધન આપણે કાઢી લાવ્યા છીએ. હવે તમે કાલે વહેલી સવારે જઈને એ લીમડાના ઝાડની બખોલમાં સંતાઈ જજો. જ્યારે કાજી અને અન્ય લોકો સાથે હું ત્યાં આવું અને વનદેવતાને સાક્ષી માની ચોરી કરનારનું નામ પૂછું ત્યારે તમે ચોર તરીકે ધર્મબુદ્ધિનું નામ કહી દેજો.

બાપે કહ્યું: સારું. તું ચિંતા ન કર. હું એમ જ કરીશ.

બીજા દિવસે સવારે કાજી, ધર્મબુદ્ધિ, પાપબુદ્ધિ, રાજ્યપા સિપાહીઓ તેમજ અન્ય લોકો ગામના પાદરે લીમડાના ઝાડ પાસે ભેગા થયા.

ધર્મબુદ્ધિ તો સાવ નિર્દોષ હતો. એને ભગવાન ઉપર પૂરેપૂરી શ્રદ્ધા હતી. ભગવાન જરૂર ન્યાય કરશે. જ્યારે બીજી તરફ પાપબુદ્ધિને પણ પોતાની ચાલાકી અને કપટ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો.

કાજી સાહેબના કહેવાથી પાપબુદ્ધિએ બધાંની સામે વનદેવતાને પોકારતાં કહ્યું: સૂર્ય, તારા, હવા, આકાશ અને ધરતી, ચારેય દિશાઓ, એ બધા મનુષ્ય અને તેના કામોને જુએ છે. હું એ બધાને પ્રણામ કરું છું. હે વનદેવતા ! હું આપને પ્રાર્થના કરું છું કે આપ કહો કે આ ઝાડ નીચે દાટેલો સોનામહોરો ભરેલો ઘડો પાપબુદ્ધિ અને ધર્મબુદ્ધિમાંથી કોણે ચોરી લીધો છે?

એ જ સમયે ઝાડમાંથી અવાજ આવ્યો: સજ્જનો ! આ જગ્યાએ દાટેલું ધન ધર્મબુદ્ધિએ જ ચોરી લીધું છે.

આ સાંભળતાં જ ત્યાં હાજર રહેલા સૌ કોઈ ધર્મબુદ્ધિ ઉપર થૂંકવા લાગ્યા. એને ધિક્કારવા લાગ્યા.

પાપબુદ્ધિની ખુશીનો પાર ન રહ્યો.

બરાબર એ જ સમયે કાજી સાહેબે બધાને શાંત પાડતાં કહ્યું: હજી મેં મારો ન્યાય સંભળાવ્યો નથી. માટે શાંતિ રાખો.

કાજી સાહેબ ખરેખર શું બન્યું હશે તે જાણી ગયા. ઝાડ કાંઈ બોલતું હશે? એટલે કાજી સાહેબે યુક્તિ વિચારી લીધી. પછી કાજી સાહેબે ત્યાં હાજર રહેલા લોકોમાંથી બે માણસોને ગામમાં મોકલી દીધા.

બધા વાટ જોવા લાગ્યા. કાજી સાહેબ શું કરશે?

થોડીવાર પછી બે માણસો હાજર થયા ત્યારે કાજી સાહેબે એમને કહ્યું: આ ઝાડને આગ લગાડી દો.

તરત જ પેલા બન્ને માણસોએ ઝાડને આગ લગાડી. ઝાડ જૂનું હોવાથી બળવા માંડયું.

અંદરથી પાપબુદ્ધિનો બાપ ખાંસતો-ખાંસતો જીવ બચાવીને બહાર આવી ભાગવા માંડયો.

સિપાહીઓએ તરત જ એને હાથકડી પહેરાવી દીધી.

કાજી સાહેબ પાપબુદ્ધિની ચાલાકી સમજી ગયા.

તરત જ પાપબુદ્ધિને પણ પકડી લીધો.

પાપબુદ્ધિ અને એના બાપે પોતાનો અપરાધ કબૂલ કરી લીધો અને ધર્મબુદ્ધિની માફી માંગી.

કાજીસાહેબના ન્યાય પ્રમાણે પાપબુદ્ધિ અને તેના બાપને જેલમાં લઈ જવામાં આવ્યા.

રાજાએ ધર્મબુદ્ધિને તેની ઈમાનદારી બદલ મોટું ઈનામ આપ્યું.

Share Story

1 thought on “પાપબુદ્ધિ અને ધર્મબુદ્ધિ !”

Leave a Comment