પહેલો પૂડો હું!

ઘણા સમય પહેલાંની વાત છે.

એક ગામડામાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો.

એ બ્રાહ્મણનું નામ ધનજી હતું.

ધનજી પૂજા-પાઠ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. વિદ્વાન હોવા છતાં એ ભોળો અને નિસ્વાર્થ સ્વભાવનો હતો.

આ સ્વભાવને કારણે જ ધનજી ક્યારેય પોતાના યજમાન પાસે કંઈ માંગતો નહોતો. યજમાન એને પોતાની મરજી પ્રમાણે આપે તે લઈ લેતો. ધનજી એમાં સંતોષ માનતો હતો. એ જ કારણે એ સાવ ગરીબ હતો.

કહેવાય છે કે ભગવાન સાચા માણસ અને પોતાના ભક્તોની પરીક્ષા કરે છે. ધનજી પણ એમાંનો એક હતો. એણે પોતાનું જીવન સતત ગરીબીમાં પસાર કરવા છતાં ભગવાનને ક્યારેય ફરિયાદ કરી નહોતી.

ધનજીના ઘરમાં તેની પત્ની અને સાત બાળકો થઈને કુલ નવ જીવ હતા. ભિક્ષા માંગીને એમનું ગુજરાન ચલાવવું જેવું-તેવું કામ નહોતું. તેમ છતાંય એ ભગવાનની જેવી મરજી તેમ સમજી દિવસો પસાર કરતો હતો.

એકવાર દિવાળીનો તહેવાર આવ્યો. ચારેય તરફ લોકો ઉત્સવ-આનંદ મનાવી રહ્યા હતા. લોકો સુંદર-સુંદર કિંમતી રંગ બેરંગી વસ્ત્રો પહેરી સગાં-વ્હાલાઓને ત્યાં જતાં હતાં. તો કેટલાંક લોકો દિવાળીના ઉત્સવનું ભોજન માણવા જતાં હતાં.

એ જ દિવસે બ્રાહ્મણને વિચાર આવ્યો: “જો આજે માલપૂડા ખાવા મળે તો કેવી મજા પડે?”

પરંતુ માલપૂડા ખાય ક્યાંથી?

ઘરમાં ચારેય તરફ ફેલાયેલી ગરીબી જોઈને તેના રૂંવાડા ઊંચા થઈ જતાં હતાં. તેમ છતાંય માલપૂડા ખાવાની તેની ઈચ્છા વધારે ને વધારે તીવ્ર બનવા લાગી. છેવટે તેણે પોતાની પત્નીને કહી જ દીધું: “આજે તો મારી માલપૂડા ખાવાની ખૂબ જ ઈચ્છા થઈ છે.”

પત્નીએ કહ્યું: “તો એમાં કઈ મોટી વાત છે? એના માટે ખાંડ અને ઘી જોઈએ. પણ આજે તો ઘરમાં લોટ નથી.”

બ્રાહ્મણે કહ્યું: “લોટ તો હું ભિક્ષા માંગવા જઈશ તો લઈ આવીશ.”

 

બ્રાહ્મણીએ કહ્યું: “તો પછી ઘી ક્યાંથી માંગી લાવીશું. અને હા, ખાંડ તો હું નગરશેઠને ત્યાંથી માંગી લાવીશ. એ બિચારા ખૂબ જ ભલા માણસ છે.”

આ પ્રમાણે નક્કી થયા પછી બ્રાહ્મણે નિરાશાથી કહ્યું: “જયારે આપણે આપણા બાળકોને પેટ ભરીને ખવડાવી શકતા નથી ત્યારે આપણે માલપૂડા ખાઈએ એ વાત સારી નથી.”

બ્રાહ્મણીએ કહ્યું: “એમાં શું થઈ ગયું? આપણે કંઈ દરરોજ માલપૂડા ખાતાં નથી. આપણા લગ્નને પચીસ વરસ થયા પછી આજે પ્રથમવાર તમને માલપૂડા ખાવાની ઈચ્છા થઈ છે. તો આજે થોડા માલપૂડા બનાઈને ખાઈ લઈએ.”

બ્રાહ્મણે ફરી કહ્યું: “પણ આ બાળકો…”

બ્રાહ્મણીએ કહ્યું: “તમે તેમની ચિંતા ન કરો. એ રાતના સમયે બધા જ ઊંઘી જશે. પછી જ હું માલપૂડા તૈયાર કરીશ. આપણે ગરમા-ગરમ તાજા માલપૂડા ખાઈશું.”

બ્રાહ્મણે ખૂબ જ સમજાવી. છતાં તેની પત્ની ન માની અને માલપૂડાની સામગ્રી ભેગી કરવા લાગી.

પોતાના સાતેય સંતાનોને ખાસ દિવાળીના શુભ પર્વમાં સૂવડાવીને એકલા બેસીને માલપૂડા ખાવાનું બ્રાહ્મણને સારું ન લાગ્યું. પરંતુ પત્ની હવે જીદ કરવા લાગી હતી.

બ્રાહ્મણના સાતે પુત્રો જ્યારે સૂઈ ગયા ત્યારે બ્રાહ્મણીએ ચૂલા ઉપર કડાઈ મૂકી. તેલ ગરમ કર્યા પછી માલપૂડા તૈયાર કરવા લાગી. હજી એણે પ્રથમ માલપૂડો તૈયાર કરવા કડાઈમાં ખીરું નાંખ્યું કે છમ…મ…મ… અવાજ થયો.

એ અવાજ સાંભળી પહેલો પુત્ર જાગી ગયો અને કહ્યું: “છમમમ… પહેલો પૂડો હું ખાઈશ.”

બ્રાહ્મણીએ તરત જ તૈયાર થયેલો પૂડો એને ખાવા માટે આપી દીધો અને કહ્યું: “લે, ચૂપચાપ ખાઈ લે. બીજું કોઈ જાગી ન જાય.”

બ્રાહ્મણીએ પછી કડાઈમાં છમમમમ… બીજો પૂડો તૈયાર કરવા માંડ્યો. એ સાથે જ અવાજ સાંભળી બીજો પુત્ર જાગી ગયો અને કહ્યું: “છમમમ… બીજો પૂડો હું ખાઈશ.”

બિચારી બ્રાહ્મણીએ બીજો પૂડો તેને આપી દીધો. અને અવાજ ન કરી ચૂપચાપ ખાઈ જવા કહ્યું.

આમ એક પછી એક છ માલપૂડા તેણે તૈયાર કરી નાંખ્યા અને દરેક વખતે તેનો એક પુત્ર જાગી જતાં માલપૂડો તેને ખાવા આપી દીધો. દરેક વખતે બીજો પુત્ર જાગી ન જાય તેના માટે શાંતિ રાખવા કહેતી.

છેવટે એક જ માલપૂડાનું બચ્યું હતું.

બ્રાહ્મણી વિચારવા લાગી: “ચાલો, હવે અમે પતિ-પત્ની આ માલપૂડો તૈયાર કરીને અડધો-અડધો ખાઈને સંતોષ માણીશું.”

ખૂબ જ હળવે રહીને ચૂપચાપ તેણે સાતમો પૂડો તૈયાર કરવા કડાઈમાં ખીરું નાંખ્યું: છમમમ… અવાજ થયો અને એ સાથે જ તેનો સાતમો પુત્ર જાગીને ઊભો થઈ ગયો અને કહ્યું: “છમમમ… સાતમો પડો હું ખાઈશ…”

બ્રાહ્મણ-બ્રાહ્મણી એકબીજા તરફ જોવા લાગ્યા.

ધનજીએ હસતાં હસતાં ગંભીરતાથી પત્નીને કહ્યું: “મારી સામે શું જોઈ રહી છે? સાતમો પૂડો આપણા સાતમા પુત્રને આપી દે.”

બ્રાહ્મણીએ સાતમો પૂડો સાતમા પુત્રને ખાવા માટે આપી દીધો.

બ્રાહ્મણીએ કહ્યું: “મેં તને પહેલાં જ કહ્યું હતું ને કે આપણા ભાગ્યમાં આપણા સંતાનોને ખવડાવ્યા પછી જે કંઈ વધે તે ખાવાનું લખ્યું છે. પરંતુ તે મારી વાત ન માની. અરે ! આને જ તો ઘર સંસાર કહેવાય છે. તું દુ:ખી શા માટે થાય છે? આપણે આપણા સંતાનો સાથે દગો કેવી રીતે કરી શકીએ? એમને ભૂખ્યાં સુવડાવીને માલપૂડા કેવી રીતે ખાઈ શકીએ? આપણા બાળકોને માલપૂડા ખાતા જોઈને જ આપણે સંતોષ માનવો જોઈએ. જેવી ભગવાનની મરજી. ચાલો હવે આપણે પણ સૂઈ જઈએ. ભગવાનની ઈચ્છા હશે અને ભાગ્યમાં માલપૂડા ખાવાના લખ્યા હશે ત્યારે જરૂર ખાવા મળશે.

આમ વાત કરી બ્રાહ્મણ-બ્રાહ્મણી સૂઈ ગયા.

Share Story

Leave a Comment