ત્રણ કોડીમાં મહેલ!

ઘણાં વરસો પહેલાની વાત છે.

એક રાજા હતો. એ રાજાની ત્રણ રાજકુંવરીઓ હતી.

એક દિવસ ત્રણેય સાથે બેસીને વાતો કરતી હતી.

પહેલી કુંવરી સઘનતારા બોલી: “હું વાદળમાં કાણું પાડી શકું છું.”

બીજી કુંવરી નયનતારા બોલી: “હું એ કાણાને બંધ કરી શકું છું.”

ત્રીજી કુંવરી કિરણતારા બોલી: “હું ત્રણ કોડીમાં સુંદર મહેલ બનાવી શકું છું.”

એ જ સમયે મહેલની નીચેથી એક રાજકુમાર પસાર થતો હતો. એણે ત્રણેય કુંવરીઓની વાતો સાંભળી અને એ એમના વિશે વિચાર કરવા લાગ્યો.

આ ત્રણેય કુંવરીઓમાં સૌથી નાની કુંવરી ખૂબ જ બુદ્ધિશાળી અને ચતુર લાગે છે. કારણ કે એ માત્ર ત્રણ કોડીમાં નવો સુંદર મહેલ બનાવવાનું કહે છે.

એ રાજકુમાર સૌથી નાની કુંવરી ઉપર મોહી પડ્યો અને પોતાના મહેલે ગયો.

રાજકુમારે ખાવા-પીવાનું બંધ કરી દીધું. પોતાના મહેલના ઓરડામાં રાત-દિવસ એકલો રહેવા લાગ્યો.

જ્યારે તેના માતા-પિતાએ એને આમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે રાજકુમારે પોતે પડોશી દેશના રાજાની સૌથી નાની રાજકુમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા જણાવી: “હું માત્ર ત્રણ કોડીમાં મહેલ તૈયાર કરનારી કિરણતારા નામની રાજકુમારી સાથે લગ્ન કરવા માંગુ છું.”

જ્યારે રાજાને ખૂબ જ મહેનત પછી કિરણતારા વિશે જાણવા મળ્યું ત્યારે ખૂબ જ મુશ્કેલીથી પોતાના પુત્રના લગ્ન કિરણતારા સાથે કરાવ્યાં. જ્યારે રાજકુમારી કિરણતારાના લગ્ન ધામ-ધૂમથી થઈ ગયાં ત્યારે તેની બંને મોટી બહેનોએ તેને વિદાય આપી. એ સમયે કિરણતારાની બંને બહેનોએ એને માત્ર ત્રણ કોડીઓ જ આપી.

રાજકુમાર પોતાની પત્ની કિરણતારાને લઈને પોતાના મહેલે જવા લાગ્યો રસ્તામાં રાત પડી ગઈ, એટલે જાન એક જંગલમાં રોકાઈ ગઈ. રાતના સમયે રાજકુમાર વિચારવા લાગ્યો: “આ રાજકુમારી કિરણતારા શું ખરેખર ત્રણ કોડીમાં નવો સુંદર મહેલ બનાવી શકે તેવી ચતુર હશે કે માત્ર મોટી-મોટી વાતો જ કરતી હશે? મારે જરૂર એની બુદ્ધિની પરીક્ષા લેવી જોઈએ.”

આમ વિચારીને રાજકુમાર પોતાની પત્નીને સાવ એકલી જંગલમાં મૂકીને બધાની સાથે ત્યાંથી જતો રહ્યો.

સવારે ડોલીમાં રહેલી કિરણતારા જાગી ગઈ. આજુબાજુ ચારેય તરફ એણે જોયું તો એકેય માણસ કે તેનો પતિ ક્યાંય ન દેખાયો.

રાજકુમારી સમજી ગઈ કે બધાં એને આમ જંગલમાં મૂકીને જતાં રહ્યા છે ત્યારે ગભરાઈ ગઈ. પરંતુ તરત જ વિચારવા લાગી: “આ ગભરાઈ જવાનો સમય નથી. આ તો પરીક્ષાનો સમય છે. કોઈ પણ રીતે રાજકુમારને મારી ત્રણ કોડીમાં મહેલ બનાવવાની વાતની ખબર પડી ગઈ છે. માટે એમણે મારી પરીક્ષા લેવાનું નક્કી કર્યું હશે.”

રાજકુમારી કોઈ રસ્તો વિચારવા લાગી.

બરાબર એ જ સમયે ત્યાંથી એક વહેપારી પસાર થતો હતો. રાજકુમારી કિરણતારાએ પોતાની પાસે રહેલી ત્રણ કોડીઓ કાઢી અને એમાંથી એક કોડી વહેપારીને આપતાં કહ્યું: “ભાઈ ! આ એક કોડીની જુવાર લેતા આવજો.”

થોડીવાર પછી એ વહેપારી પાછો ફર્યો ત્યારે જુવાર લઈ આવ્યો.

રાજકુમારી જે જગ્યાએ રહેતી હતી ત્યાં નજીકમાં એક નદી વહેતી હતી. એ નદીમાં અનેક હંસો તરી રહ્યા હતા.

રાજકુમારીએ હંસોને જુવાર નાંખી. નદીમાં રહેલા હંસ બહાર આવી ગયા અને જુવાર ચણવા લાગ્યા. જુવાર ચણનાર હંસ કિનારે મોતી મૂકવા લાગ્યા. જોત-જોતામાં નદી કિનારે અનેક મોતી ભેગા થઈ ગયાં.

રાજુમારીએ એ મોતી ભેગા કરી લીધાં. બીજી બે કોડીની પણ રાજકુમારીએ જુવાર મંગાવી અને હંસોને ચણવા નાંખી દીધી. આમ ત્રણ કોડીની જુવાર નાંખી અને ઢગલો મોતી ભેગા કરી લીધા.

ચોથા દિવસે જ્યારે પેલો વહેપારી ત્યાંથી પસાર થયો ત્યારે રાજકુમારીએ એને મહેલ તૈયાર કરનારા કારીગરોને લઈ આવવાનું કહ્યું. કારીગરો આવતાંની સાથે જ ભવ્ય અને સુંદર મહેલ તૈયાર કરવા માટે મહેનત કરવા લાગ્યા. થોડા જ દિવસોમાં જંગલમાં એક સુંદર મહેલ તૈયાર થઈ ગયો.

મહેલના મુખ્ય દરવાજે રાજકુમારીએ લખાવ્યું: “ત્રણ કોડીમાં મહેલ તૈયાર કરનારી રાજકુમારી કિરણતારાનો મહેલ.”

બીજી તરફ કિરણતારાના પતિ રાજકુમારે વિચાર્યું: “હું કિરણતારાને જંગલમાં સાવ એકલી મૂકીને આવ્યો એ વાતને ઘણા દિવસો થઈ ગયા. હવે એનું શું થયું તે જાણવા માટે તેની પાસે જવું જોઈએ. શી ખબર એ જીવતી રહી હશે કે નહીં?”

રાજકુમાર એ જગ્યાએ આવી પહોંચ્યો ત્યારે તેની નવાઈનો પાર ન રહ્યો. એ જગ્યાએ જંગલમાં એક ભવ્ય સુંદર મહેલ તૈયાર થઈ ગયો હતો. રાજકુમારે મહેલના દરવાજે આવીને પોતાના આવ્યાની ખબર રાજકુમારી કિરણતારાને મોકલાવી.

રાજકુમારી કિરણતારા પ્રસન્નતાથી દરવાજે આવી અને પોતાના પતિનું પ્રેમથી સ્વાગત કર્યું. રાજકુમારે કહ્યું: “રાજકુમારીજી ! હવે ચાલો આપણા મહેલે તમારી પરીક્ષા પૂરી થઈ. તમે પાસ થયા.”

પરંતુ રાજકુમારી કિરણતારા એની સાથે જવા માટે તૈયાર ન થઈ. એણે કહ્યું: “હવે કયા મહેલે જવું છે? તમે મને અહીં જ છોડી ગયા હતા. અત્યારે આ તૈયાર થયેલો મહેલ આપણો જ છે. તમે અહીં જ રહો.”

રાજકુમારને પણ કિરણતારાની વાત યોગ્ય લાગી.

જંગલમાં તૈયાર થયેલા એ ત્રણ કોડીના મહેલમાં રાજકુમારી કિરણતારા અને રાજકુમાર બંને રહેવા લાગ્યા. બન્ને સુખપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યાં.

Share Story

Leave a Comment