ચતુર શિયાળ અને સિંહ!

એકવાર એક બ્રાહ્મણ જંગલમાંથી પસાર થતો હતો. એક જગ્યાએ એણે એક મોટું પાંજરું જોયું. એ પાંજરામાં સિંહ પૂરાયેલો હતો.

બ્રાહ્મણને જોઈને સિંહે નમ્રતાથી પૂછ્યું: “હે બ્રાહ્મણદેવ ! આપ તો દેવતા છો. મારી રક્ષા કરો. એક શિકારી મને આ પાંજરામાં પુરી જતો રહ્યો છે. એમાંથી મને મુક્ત કરો. હું ત્રણ દિવસથી ભૂખ્યો-તરસ્યો છું. જો મારી પીડા સમજી, મારી યાચના સાંભળીને પણ મદદ નહીં કરો તો આપને પાપ લાગશે.”

બ્રાહ્મણે કહ્યું: “અરે ભાઈ સિંહ ! તું મને શું મૂરખ સમજે છે? હું તને આ પાંજરાની બહાર કાઢીશ કે તરત જ તું મને ખાઈ જઈશ.”

સિંહે કહ્યું: “ના ભાઈ ના ! હું ભૂલેચૂકેય એવી મૂરખામી નહીં કરું. બ્રાહ્મણ દેવ ! આપ તો મારા પિતા તુલ્ય છો. આપ મને મદદ કરીને મારું ભલું કરવાના છો પછી હું તમને કેવી રીતે ખાઈ જઈશ? મારે ખાવા માટે તો આ જંગલમાં કેટલા બધા પ્રાણીઓ છે ! નથી? તમે મારી ઉપર વિશ્વાસ રાખો.”

આમ સિંહ વારંવાર બ્રાહ્મણ પાસે વિનંતી કરવા લાગ્યો. ત્યારે બ્રાહ્મણને તેની ઉપર દયા આવી ગઈ. બ્રાહ્મણે તરત જ પાંજરું ખોલીને સિંહને બહાર કાઢ્યો.

સિંહ પાંજરાની બહાર આવ્યો અને આળસ ખાધી. પછી આમ-તેમ જોવા લાગ્યો અને પછી વિચારવા લાગ્યો. અહીં તો દૂર દૂર સુધી કોઈ શિકાર દેખાતો નથી અને મને તો ખૂબ જ ભૂખ લાગી છે. મારે હવે આ બ્રાહ્મણને ખાઈને મારી ભૂખ શાંત કરવી પડશે.

આમ વિચારીને સિંહે જોરદાર ત્રાડ પાડી અને કહ્યું: “હે બ્રાહ્મણદેવ ! મને ખૂબ જ ભૂખ લાગી છે. મને દૂર-દૂર સુધી કોઈ શિકાર દેખાતો નથી. માટે હું આપને ખાઈને મારી ભૂખ શાંત કરીશ.”

સિંહની વાત સાંભળીને બ્રાહ્મણ ખૂબ જ ગભરાઈ ગયો અને કહ્યું: “હે વનરાજ ! મારી ઉપર શા માટે અત્યાચાર, અન્યાય કરો છો? મેં તો તમને પાંજરાની બહાર કાઢીને મુક્ત કર્યા છે.”

સિહે કહ્યું: “તો હવે મારી ભૂખ શાંત કરીને એક ઉપકાર કરો. આમેય રાજાની સેવા કરવી પ્રજાનો ધર્મ છે.”

બ્રાહ્મણ પોતાનો જીવ જોખમમાં આવી જવાને કારણે પોતાની ભૂલ બદલ પસ્તાવા લાગ્યો: “મારા ઉપકારનો આવો બદલો? ધિક્કાર છે આ સિંહને !”

બ્રાહ્મણે કહ્યું: “જુઓ વનરાજ ! આપણે આ વાતનો ન્યાય કોઈ ત્રીજા પાસે કરાવી લઈએ. જો કોઈ એમ કહે કે તમે મને ખાઈ જાવ તે વાત યોગ્ય છે. તો પછી તમે મને જરૂર ખાઈ જજો.”

સિંહે વિચાર કર્યો: “હવે તો હું આઝાદ છું. મારી વિરૂદ્ધ કોણ બોલશે?”

સિંહે કહ્યું: “બરાબર છે. ચાલો.”

બરાબર એ જ સમયે ત્યાંથી એક શિયાળ નીકળ્યું. સિંહે એને પોતાની પાસે બોલાવ્યું. પણ એ ખૂબ જ ડરી ગયું.

સિંહે કહ્યું: “આ બ્રાહ્મણ દેવતાની વાત સાંભળ અને ન્યાય કર કે અમારા બંનેમાં કોની વાત સાચી છે? મારી કે એની?”

બ્રાહ્મણે કહ્યું: “ભાઈ શિયાળ ! મેં આ વનરાજનો જીવ બચાવ્યો. હવે એ જ મને ખાઈ જવા માંગે છે, તો આ વાત બરાબર છે? ન્યાયભરી છે?”

શિયાળે નવાઈ પામતાં કહ્યું: “શું કહ્યું? પંડિતજી ! તમને ભાન છે? સપનું તો નથી જોઈ રહ્યા ને? અરે જિંદગી અને મોતના માલિક તો આ વનરાજ પોતે જ છે. તમે એમનો જીવ બચાવનાર કોણ છો?”

બ્રાહ્મણે કહ્યું: “અરે ભાઈ ! એ વખતે સિંહ આ રીતે આઝાદ નહોતો. પાંજરામાં પૂરાયેલો હતો.”

શિયાળે અવિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું: “ક્ષમા કરજો મહારાજ ! પાંજરામાં આ વનરાજ પુરાયેલા હતા? આવડા નાના પાંજરામાં?” શિયાળે આશ્ચર્યથી કહ્યું.

આ સાંભળી સિંહ શિયાળ ઉપર ગુસ્સે થઈ ગયો અને ગુસ્સાથી કહ્યું: “અરે મૂરખ, આ બ્રાહ્મણ સાચું કહે છે, હું આ પાંજરામાં પૂરાયેલો હતો.”

શિયાળે ફરી કહ્યું: “મહારાજ ! આપ આટલા નાના પાંજરામાં પૂરાઈ શકતા નથી. મને આ વાત ઉપર જરાય વિશ્વાસ નથી આવતો.”

સિંહ એકદમ ઊછળીને પાંજરામાં જતો રહ્યો અને કહ્યું: “જો, હું આ રીતે અહીં પૂરાયેલો હતો.”

બરાબર એ જ સમયે શિયાળે પાંજરાનો દરવાજો બંધ કરી દીધો. બહારથી પણ બંધ કરી દીધો.

શિયાળે બ્રાહ્મણને કહ્યું: “પંડિતજી ! આ તમે કેવી મુશ્કેલી તમારા પોતાના માથે ઓઢી લીધી? તમે તો મરવાના જ હતા. સાથે-સાથે આ જંગલના અમારા જેવા કેટલાય જાનવરો પણ મરી જતાં. હવે સિંહ પાજરામાં ફરી બંધ થઈ ગયો છે. તમે તમારે રસ્તે આગળ વધો. હું મારા રસ્તે જઈશ. આ વનરાજ પાંજરામાં પૂરાયેલા છે એ જ બરાબર છે.”

બ્રાહ્મણ અને શિયાળ પોત-પોતાના રસ્તે જતાં રહ્યાં. સિંહ એમને જતાં જોઈ રહ્યો.

માટે જ કહેવાય છે કે ઉપકાર પણ વ્યક્તિ જોઈને જ કરવો જોઈએ. ઉપકાર ખૂબ સમજી વિચારીને કરવો જોઈએ. પોતાનો જીવ જોખમમાં આવી પડે તેવો ઉપકાર કદી કરવો જોઈએ નહિં.

Share Story

Leave a Comment