ઘણા સમય પહેલાની વાત છે.
એક સુંદર મજાનું નાનું ગામ હતું. એ ગામમાં રામજી નામનો એક ભલો ખેડૂત રહેતો હતો. ખેતરમાં મહેનત કરીને માંડ-માંડ પોતાનું ગુજરાન ચલાવતો હતો.
એકવાર, ઉપરા-ઉપરી બે વરસ સુધી વરસાદ ન થયો. તેના લીધે એકવાર એણે શાહુકાર પાસેથી એક હજાર રૂપિયાનું કરજ લીધું.
ત્રીજા વરસે કુદરતે મહેર કરી અને વરસાદ સારો થયો. ખૂબ જ સારા પ્રમાણમાં ખેતી થઈ. અનાજના ઢગલા ખેડૂતોના ઘરમાં ઊભરાવા લાગ્યા.
શાહુકારે પોતાના સેવકને રામજી પાસે ઉઘરાણી કરવા મોકલી દીધો. એ સમયે રામજી ખેતરે ગયો હતો. સાથે એની વહુ પણ ગઈ. ઘેર તેની બાર વરસની પુત્રી ચંચળ હતી. નામ પ્રમાણે જ એ ચાલાક હતી.
સેવકે પૂછ્યું: “એય છોકરી, તારો બાપ ક્યાં ગયો છે?”
ચંચળે કહ્યું: “કાકા, મારા બાપુ સીધા લાકડાને વાંકુ કરવા ગયા છે.”
બિચારા સેવકને આવો કોયડા જેવો જવાબ સાંભળીને કંઈ સમજ ન પડી.
એણે બીજો સવાલ પૂછ્યો: “તારો બાપ ઘેર ક્યારે આવશે?”
ચાંચળે કહ્યું: “જો, આવશે તો નહીં આવે અને નહીં આવે તો આવશે.”
શાહુકારનો સેવક મૂંઝાઈ ગયો. એને કંઈ સમજ ન પડવાથી શાહુકાર પાસે પાછો આવ્યો. સેવકે બધી વાત કહી સંભળાવી.
શાહુકાર એની ઉપર ગુસ્સે થયો અને બીજા સેવકને રામજીના ઘેર જવાનું કહ્યું. બીજા સેવકે ઘેર આવીને બૂમ પાડી. તરત જ નાની ચંચળ બહાર આવી.
સેવકે પૂછ્યું: “ઘરમાં કોણ છે?”
ચંચળે કહ્યું: “ઘરમાં હું એકલી જ છું. મારી મા એકના બે કરવા ગઈ છે અને મારા બાપુ નાનાને મોટો કરવા ગયા છે.”
બીજા સેવકને પણ રામજીની પુત્રી ચંચળના કોયડાભર્યા જવાબમાં કંઈ સમજ ન પડી. એ પણ વીલા મોઢે શાહુકાર પાસે પાછો ફર્યો.
શાહુકારને બીજા સેવક અને ચંચળ ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. બીજા દિવસે રામજીના ઘેર શાહુકારે જાતે જ જવાનું નક્કી કર્યું. શાહુકારે બીજા દિવસે સવારે રામજીના ઘરનો દરવાજો ખખડાવ્યો. તરત જ ચંચળ દરવાજો ખોલીને બહાર આવી.
શાહુકારે પૂછ્યું: “એય છોકરી ! તારા મા-બાપ ક્યાં છે?”
ચંચળે કહ્યું: “મારી મા ઘરમાં છે. અને મારા બાપુ આકાશનું પાણી રોકવામાં રોકાયા છે.”
શાહુકાર અને ચંચળની વાતો સાંભળી રામજીની પત્ની બહાર આવી.
શાહુકારે કહ્યું: “વહુ ! આ તમારી છોકરી નાની છે. પણ ખૂબ જ ચાલાક છે. એની બુદ્ધિ આગળ મારા સેવકો પણ હારી ગયા. એના ભેદ ભરેલા જવાબમાં કંઈ સમજ પડતી નથી. એને કહો કે મને એ જવાબો બરાબર સમજાવે. એની ભાષાનો ભેદ સમજાવે.”
એ જ સમયે રામજી પણ ત્યાં આવી ગયો. એના કહેવાથી ચંચળ સેવકોને આપેલા જવાબના કોયડાનો અર્થ સમજાવવા લાગી.
ચંચળે કહ્યું: “શેઠજી ! મેં પહેલા આવેલા તમારા નોકરને કહ્યું કે મારા બાપુ સીધા લાકડાને વાંકુ કરવા ગયા છે. એનો અર્થ એવો થાય છે કે મારા બાપુ હળ બનાવવા લાકડું કાપવા ગયા છે. કારણ કે સીધા લાકડામાંથી જ વાંકુ-ચુંકુ હળ બને છે.”
“બીજી વાર પૂછ્યું ત્યારે મેં કહ્યું કે જો આવશે તો નહીં આવે અને નહીં આવે તો આવશે. એનો અર્થ એવો થાય છે કે એ વખતે મારા બાપુ લાકડું કાપવા નદીને સામે કિનારે ગયા હતા. જો નદીમાં પૂર આવે તો એ ઘેર ન આવે અને જો પૂર ન આવે તો ઘેર આવી શકે.”
શાહુકારે પૂછ્યું: “વાહ ! વાહ ! એ બધું તો બરાબર છે, પણ મા એકના બે કરવા ગઈ છે અને બાપુ નાનાને મોટા કરવા ગયા છે તેનો શું અર્થ?”
ચંચળે કહ્યું: “એ સમયે મારી મા કાલા ફોલવા ગઈ હતી. કાલામાંથી રૂ નીકળે એટલે એકના બે થયા ને? અને મારા બાપુ રૂ પીંજી રહ્યા હતા અને રૂ પીંજવાથી નાનો ઢગલો મોટો થાય છે ને?”
શાહુકાર વળી વધારે ખુશ થઈ ગયો. પછી પૂછ્યું: “આ બધી વાત હું સમજી ગયો પણ તે મને કહ્યું કે મારા પિતાજી આકાશનું પાણી રોકવા રોકાયા છે તેનો શું અર્થ?”
ચંચળે કહ્યું: “શેઠ ! અમારા રહેવા માટે તમારી હવેલી જેવું પાકું મકાન નથી. આ ઝૂંપડું છે. જેમાં અનેક જગ્યાએ વરસાદનું પાણી ટપકે છે. પવનને કારણે ઓસરી સુધી વાછટ આવે છે. એટલે મારા બાપુજી એ વખતે વાછટિયું તૈયાર કરતાં હતા. જેથી વરસાદનું પાણી ઘરમાં ન આવે એટલે જ મેં કહ્યું કે આકાશનું પાણી રોકવા ગયા છે.”
શેઠ તો નાનકડી ચંચળની બુદ્ધિ અને ચતુરાઈ ભરી વાતો સાંભળી પ્રસન્ન થઈ ગયા.
ચંચળને શાબાશી આપી અને એક જોડી સુંદર મજાના કિંમતી વસ્ત્રો આપ્યા. શાહુકારે રામજીનું દેવું પણ માફ કરી દીધું. રામજી તેની પત્ની અને ચંચળ ખૂબ જ ખુશ થઈ ગયા અને શેઠજીનો આભાર માનવા લાગ્યો.