ગધેડાનું ગીત

રામુ નામનો એક ધોબી હતો. તેની પાસે એક ગધેડો હતો. ધોબી આખો દિવસ ગધેડા પાસેથી ખુબ જ કામ લેતો. અને સાંજે જંગલમાં કે ખુલ્લા ખેતરોમાં એ ચરવા જઈ શકે તે માટે છોડી મુકતો હતો.

ગધેડો સાંજના  સમયે આઝાદ થઈને ફરતો, ખાતો, કોઈની સાથે વાતચીત કરતો. ક્યારેક એને એવો વિચાર પણ આવતો કે, “મારો મિત્ર હોત તો કેવું સારું !”

એક દિવસ જંગલમાંથી એક વરુ નીકળીને ખેતર તરફ આવી ગયું. સામે ગધેડાને ચરતો જોયો.

વરુ ગધેડાને ઘાસ ચરતો જોઈને પ્રસન્ન થઇ ગયો. એના મનમાં પણ કોઈને મિત્ર બનાવવાની ઈચ્છા હતી. વરુએ ગધેડા પાસે જઈને કહ્યું : “મોટા ભાઈ, પ્રણામ.”

ગધેડાએ કહ્યું: “પ્રણામ”. મને પોતાને પ્રણામ કરનાર કોણ હશે તે વિચારવા લાગ્યો.

વરુએ કહ્યું : ‘મોટાભાઈ ! શું વિચારવા લાગ્યા? શું મારી સાથે તમે મિત્રતા નહીં કરો?’

ગધેડાએ કહ્યું : ‘શા માટે નહીં… શા માટે નહીં… જરૂર કરીશ. ભાઈ ! આજે તો હું ગણો ખુશ છું કે આ વિસ્તારમાં મને પ્રણામ કરનાર કોઈક તો મળ્યું. નહીં તો મારા જેવા કમનસીબ પ્રાણીને અહીં કોઈ રામ-રામ કરનાર પણ નથી.’

 

ગધેડાની વાત સાંભળી વરુ હસવા લાગ્યું. વરુને હસતું જોઈને ગધેડો પણ હસવા લાગ્યો. બંને જણાં એજ સમયે મિત્ર બની ગયા.

બીજા દિવસે પણ બંને મિત્રો ત્યાં જ ભેગા થયાં. વરુએ જોયું તો ગધેડો લીલું ઘાસ ખાતો હતો.

વરુએ કહ્યું: ‘મોટાભાઈ શું તમે દરરોજ ઘાસ ખાઈને જ તમારું પેટ ભરો છો?’

ગધેડો કહે: ‘હા ભાઈ હા. મારે તો પેટ જ ભરવું છે ને ! આ ઘાસ એ જ મારું ભોજન અને મારો સાથી છે.’

વરુ કહે: ‘ભાઈ ! તમે મારા મિત્ર બન્યા છો. માટે આજે હું તમને ખુબ જ સ્વાદિષ્ટ ભોજન કરાવીશ. જુઓ અહીંથી થોડેક દૂર આવેલા એક ખેતરમાં મોટા અને સ્વાદિષ્ટ તડબૂચ ઊગેલા છે. આપણે બંને એ તડબૂચ આનંદથી ખાઈશું, મસ્તી કરીશું, ચાલો.’

ગધેડો કહે: ‘તડબૂચ…. આહા….’

તડબુચનું નામ સાંભળીને ગધેડાના મોઢામાં પાણી આવી ગયું. તરત જ ગધેડો પોતાના મિત્ર વરુ સાથે તડબૂચ ખાવા ખેતરમાં આવી ગયો. બંને આનંદ પૂર્વક ખાવા લાગ્યા. બંને આનંદભરી અને મસ્તીભરી વાતો કરવા લાગ્યાં.

ગધેડો કંઈક વધારે પ્રમાણમાં ખુશ હતો. આમેય પ્રાણીની એ ટેવ છે કે જયારે એ ખુશ હોય ત્યારે નાચવા-કૂદવા કે ગાવા પણ લાગે છે.

એવી જ હાલત એ ગધેડાની થઈ.

જયારે એનું પેટ બરાબર ભરાઈ ગયું ત્યારે આનંદપૂર્વક એ નાચવા-કૂદવા લાગ્યો. પછી ગીત પણ ગાવા લાગ્યો.

ગધેડાને પોતાનું બેસૂરા-ઘોંઘાટિયા અવાજે હોંચી… હોંચી… કરવાં ગાતાં જોયું ત્યારે વરુએ કહ્યું: ‘મોટાભાઈ ! આ રીતે ઘોંઘાટ ન કરો. ક્યાંક ખેતરનો માલિક આવી જશે તો અનર્થ થઈ જશે.’

ગધેડાએ કહ્યું: ‘ભાઈ ! હું ઘોંઘાટ નથી કરતો પણ ગીત ગાવું છું. તમે જંગલમાં રહેનારા પ્રાણીઓ રાગ કે ગીતમાં શું સમજો? ગીત એ જ જીવનનું અંગ છે.’

આમ કહીને ગધેડો ફરી ગાવા લાગ્યો.

વરુ કહે : ‘જુઓ ભાઈ ! જો તમે તમારી જીદ ઉપર જ રહેશો તો હું ખેતરની બહાર કિનારે ઉભો રહીને સાંભળતો રહીશ. આ તમારા ગીત ગાવાના આનંદને કારણે હું મારો જીવ જોખમમાં નાખવા માંગતો નથીં.

આમ કહીને વરુ ત્યાંથી બહાર નીકળી ગયું. ખેતરની બહાર કિનારે ઊભું રહી ગયું. પરંતુ ગધેડો તો ખેતરમાં જ પોતાની ધૂનમાં ગીત ગાતો હતો. ગધેડાનો બેસુરો રાગ સાંભળી ખેતરના માલિકની આંખ ખુલી ગઈ. બહાર આવીને જોયું તો ગધેડો ખેતરમાં ઘૂસી ગયો હતો. ખેતરમાં જોયું તો તડબૂચ વેર-વિખેર કરીને પાકને નુકશાન કરેલું દેખાયું.

તરત જ તેણે પોતાની લાઠી ઉપાડી અને ગધેડાની પીઠ ઉપર તડાતડ ફટકારવા માંડી. ગધેડો ગાવાનું ભૂલી ગયો. પોતાનો જીવ બચાવવા ત્યાંથી નાસી છૂટ્યો.

લાઠીના મારના કારણે તેના શરીર ઉપર અનેક જગ્યાએથી લોહી નીકળવા લાગ્યું. રસ્તામાં વરુએ ગધેડાને પૂછ્યું : ‘કેમ મિત્ર ! ગીત અને રાગ ગાવાનો આનંદ માણી લીધો ને?’

ગધેડો શું બોલે? મૂરખ ગધેડો પીડાને કારણે કણસી રહ્યો હતો. જોરજોરેથી ઊંહકારા ભરતો હતો.

મનમાં વરુની સલાહ ન માનવા બદલ ઘણો પસ્તાવો થતો હતો. પણ હવે પસ્તાવાથી શું વળે?

Share Story

Leave a Comment