કપટી કાગડો

એક જંગલમાં એક ચતુર અને જ્ઞાની ઊંદર રહેતો હતો. એની ડહાપણભરી વાતો અને સલાહ સાંભળીને જંગલના અનેક પ્રાણીઓ કોઈને કોઈ પ્રકારે લાભ લઈ લેતા હતા.

એકવાર એજ જંગલમાં એક કાગડો આવ્યો. એણે દરેક પ્રાણીના મોંઢે ચતુર અને ચાલાક ઊંદરના વખાણ સાંભળ્યા. એ વાત એ સહન કરી ન શક્યો અને એ ઊંદરની ઈર્ષા કરવા લાગ્યો.

એ વિચારવા લાગ્યો. આ ચતુર અને ડાહ્યા ઊંદર પાસે મારી કોઈ પણ યુક્તિ કે કપટ ચાલી શકશે નહીં. માટે કોઈ પણ રીતે એને મારે મારી જ નાંખવો પડશે. પરંતુ મારવો કઈ રીતે? એ બધાના કહેવા પ્રમાણે ખૂબ જ સમજદાર, ચતુર અને ચાલાક છે. જો હું તેની સાથે શત્રુતા કરીશ તો આ જંગલના બધા જ પ્રાણીઓ મારા શત્રુ બની જશે. માટે મારે એની સાથે મિત્રતા કરવી પડશે.

કપટી કાગડો ઊંદર પાસે ગયો અને કહ્યું: ‘ઊંદરભાઈ ! નમસ્તે ! તમે તો ખૂબ જ જ્ઞાની, સમજદાર અને દયાળુ છો. તમારા વખાણ જંગલનું દરેક પ્રાણી કરે છે. હું તમારી સાથે મિત્રતા કરવા માંગુ છું. મારો કોઈ જ મિત્ર નથી. શું તમે મારા મિત્ર બનશો?’

કાગડાની વાત સાંભળી ઊંદરે કહ્યું: ‘કાગડાભાઈ ! તમે મારા શિકારી છો. હું તમારો શિકાર છું. એવા સમયે હું અને તમે મિત્ર કેવી રીતે બની શકીએ? વિદ્વાનો કહે છે કે જે લોકો કપટી, બુદ્ધિ ધરાવનારા સાથે મિત્રતા કરે છે તેઓ જીવનભર નુકસાન ભોગવે છે. માટે હું તમારી સાથે મિત્રતા કરી શકીશ નહીં.’

કાગડાએ કહ્યું: ‘ઊંદરભાઈ ! હું તમારા ઘરના દરવાજે બેઠો છું. જો તમે મારી સાથે મિત્રતા નહીં કરો તો હું અહીં જ મારો જીવ આપી દઈશ.’

ઊંદરે કહ્યું: ‘ના હું મારા કોઈ પણ શત્રુ સાથે મિત્રતા કરી શકતો નથી.’

કાગડાએ પૂછ્યું: ‘ભાઈ ! જ્યારે આપણે ક્યારેય એકબીજાને મળ્યા જ નથી તો પછી આટલો બધો ગુસ્સો અને ધિક્કારની ભાવના શા માટે? આવી દુશ્મનાવટનો અર્થ શો? ‘

ઊંદરે કહ્યું: ‘ભાઈ ! દુશ્મનાવટ બે પ્રકારની હોય છે. એક સ્વાભાવિક અને બીજી કૃત્રિમ . એકવાર કૃત્રિમ શત્રુતા તો નાશ પામી શકે છે. પણ જન્મજાત શત્રુતા ક્યારેય નાશ પામતી નથી. એ જીવ લીધા વગર રહે જ નહીં.”

કાગડાએ કહ્યું: ‘ભાઈ ! મને આ બંને પ્રકારની શત્રુતા વિશે બરાબર સમજાવ કે જેથી હું પણ મારા શત્રુથી બચતો રહું. એમને ઓળખી શકું.’

 

ઊંદરે કહ્યું: ‘સાંભળ ! જો કોઈ કારણથી બે પ્રાણીઓ વચ્ચે શત્રુતા થઈ જાય તો તે નાશ પામી શકે છે. પરંતુ સ્વાભાવિક શત્રુતા તો ક્યારેય નાશ પામતી નથી. દાખલા તરીકે સાપ અને નોળિયો, માંસાહારી અને શાકાહારીની, કૂતરા અને બિલાડીની, અમીર અને ગરીબની, પત્ની અને શૌક્યની, સાધુ અને દુષ્ટની. જો એમાંથી કોઈના પણ સ્વભાવનો અંત ન આવે તો તેઓ એક બીજાની ઈર્ષ્યા કરતાં હોય છે.’

ઊંદરની વાત સાંભળી કાગડાએ કહ્યું: ‘આ બધી નકામી વાતો છે. મારી વાત સાંભળ ! કોઈ કારણે મિત્રતા અને કોઈ કારણે શત્રુતા થઈ જાય છે. આ સંસારમાં બુદ્ધિશાળી લોકો સાથે મિત્રતા જરૂર કરવી જોઈએ. માટે જ હું તમારી પાસે મિત્રતા કરવા માટે આવ્યો છું. આપણે બંને મિત્રો હળીમળીને રહીશું.’

ઊંદરે કહ્યું: “ભાઈ ! વિદ્વાનો કહે છે કે ક્યારેક માત્ર એક જ વાર જોયેલા પ્રાણી સાથે મિત્રતા કરવી ન જોઈએ.”

કાગડાએ કહ્યું: ‘મારા ભાઈ ! આ બધી વાતો …..‘

ઊંદરે એની વાત અધવચ્ચેથી કાપી નાંખતા કહ્યું: “પહેલા મારી વાત સાંભળો ! બપોર પહેલા પડછાયો લાંબો હોય છે. પછી નાનો થાય છે. અને પછી ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે. બપોર પછીનો પડછાયો મોટો થવા લાગે છે. અને સાંભળો, સોગંદ ખાઈને મિત્રતા કરનાર શત્રુ ઉપર ક્યારેય વિશ્વાસ કરવો ન જોઈએ. સારા કામ કરનાર સાથે મિત્રતા કરવીએ ચાણક્યનીતિ છે.”

આમ ઊંદરના મોઢે આવી વાતો સાંભળી કાગડો સમજી ગયો કે આ ઉંદર ખૂબ જ જ્ઞાન ધરાવે છે. એની સાથે જીદ કરીને પરાણે મિત્રતા કરવી પડશે.

આમ વિચારીને દુઃષ્ટ કપટી કાગડો બોલ્યો: “ભાઈ ! ભલે તમે મારી સાથે મિત્રતા ન કરો. પરંતુ તમારા દરમાં જ રહીને મારી સાથે વાત કરવાનું રાખો. તો તમારી પાસેથી સારા-ખરાબ અને સાચા-ખોટા વિચારો વિશે હું જાણી શકું.”

ઊંદરે કહ્યું: “જુઓ ભાઈ ! તમે ભૂલે-ચૂકેય મારા દરમાં અંદર આવવાનો પ્રયત્ન ન કરશો. વિદ્વાનો કહી ગયા છે કે શત્રુ પહેલા નજીક આવે છે અને ધીરે ધીરે ઘરમાં ઘૂસી જાય છે.”

ઊંદરની આવી વાત સાંભળી કાગડો ધૂંઆપૂંઆ થઈ ગયો. કાગડો ક્રોધે ભરાયો અને શાંતિથી ઊંદરને હસતા હસતા કહ્યું: ‘જુઓ ભાઈ ! હું તમારી સાથે મિત્રતા કરવા માંગુ છું. તમે જેમ કહેશો તેમ કરીશ. આમ છતાં હવે જો તમે મને મિત્ર નહીં બનાવો તો હું હમણાં જ માથું પછાડી પછાડીને મારો જીવ આપી દઈશ.’

આ સાંભળી ઊંદરે વિચાર્યું કે: “જો ખરેખર આ દુષ્ટ, જીદી કાગડો એવું કરશે તો એની હત્યાનું પાપ મને લાગશે.”

ઊંદરે કહ્યું: “જો એમ જ હોય તો આજથી હું તમને મારા મિત્ર બનાવું છું.”

આમ કાગડો અને ઊંદર મિત્રો બની ગયા. દિવસે-દિવસે મિત્રતા વધવા લાગી. એકવાર જંગલમાં સુકો દુકાળ પડ્યો. વરસાદ ન થયો એટલે ભૂખમરા અને રોગના કારણે બધા પ્રાણીઓ મરવા લાગ્યા.

એક દિવસ પોતે ખૂબ જ દુઃખી હોય તેવો દેખાવ કરીને કાગડાએ ઊંદરને કહ્યું: “ભાઈ ! હવે તો આ જગ્યાએ રહેવું મુશ્કેલ છે. દુકાળને કારણે ખાવા માટે કંઈ મળતું નથી. વરસાદ ન થવાથી બધા તળાવો સૂકાઈ ગયા છે. પીવા માટે પાણી પણ નથી.”

ઊંદરે પૂછ્યું: “તો પછી તમે ક્યાં જશો?”

કાગડાએ કહ્યું: “દૂર દૂર આવેલા એક જંગલમાં મોટું તળાવ છે. ત્યાં તમારા જેવો મારો એક મિત્ર કાચબો રહે છે. ત્યાં પહાડોમાં ઝરણાંઓ આવેલાં છે. દુકાળ પડવાની પીડા કે કષ્ટ ત્યાં જરાય હોય નહીં.”

ઊંદરે કહ્યું: “જો એવી જ વાત હોય તો ચાલો હું તમારી સાથે આવવા તૈયાર છું.”

કાગડાએ કહ્યું: “પરંતુ મારા મિત્ર ! તમે ત્યાં કઈ રીતે જશો? એ જગ્યા તો ઘણે દૂર આવેલી છે.”

ઊંદરે કહ્યું: “શું તમે મને તમારી પીઠ ઉપર બેસાડીને લઈ નહીં જાવ?”

કાગડાની આંખ ચમકવા લાગી. કાગડાએ કહ્યું: “અરે હા, પરંતુ આ કામમાં મને ખૂબ જ મહેનત લાગશે, કષ્ટ પડશે. પરંતુ તમારા જેવા જ્ઞાની અને સારા સમજદાર મિત્ર માટે તો હું જીવ આપવા તૈયાર છું. ચાલો….. તમે મારી પીઠ ઉપર બેસી જાવ.”

ઊંદર એની કપટભરી વાતોમાં આવી ગયો. ઊંદર એની પીઠ ઉપર બેસી ગયો.

હવે કહેવાની જરૂર નથી કે ઊંચે ઊડીને એ દુષ્ટ કાગડાએ ઊંદરને પહાડ ઉપર ફેંકી દીધો. પરિણામે ઊંદર તરત જ મરી ગયો.

ઊંદર મરી ગયો ત્યારે જ કાગડાને શાંતિ થઈ. કાગડો ઊંદરનું ભોજન કરી ગયો.

Share Story

Leave a Comment