અતિથિની સેવા

એક દિવસની વાત છે. એકાએક આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા. વીજળી ચમકવા લાગી. વાદળોનો ગડગડાટ સંભળાવવા લાગ્યો અને એકદમ મૂસળધાર વરસાદ વરસવા લાગ્યો. તોફાની પવન અને ભયંકર વરસાદને કારણે જંગલમાં ખૂબ જ ભયંકર વાતાવરણ બની ગયું.

તોફાન અને વરસાદથી બચવા માટે શિકાર કરવા નીકળેલો મંગલુ શિકારી એક મોટા ઝાડ નીચે આવીને ઊભો રહી ગયો. મંગલુ શિકારી વરસાદ બંધ થાય તેની વાટ જોવા લાગ્યો.

ઘણી વાર થઈ ગઈ છતાં વરસાદ બંધ ન થયો. એટલે ઝાડના થડ નીચે શરીર ને પાણીથી બચવવા લપાઈને બેસી ગયો.

ઘણી વાર સુધી વરસાદ અને તોફાન બંધ થવાની વાટ જોઈ. હવે શિકારીને ભૂખ લાગી હતી. ભૂખના કારણે એ હવે ત્યાં બેસી શકે તેમ નહતો. એ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે આવા સંકટ સમયે એને ભોજન મળે.

એ જ ઝાડ ઉપર એક કબૂતર રહેતું હતું. આજે એ એકલું જ હતું. કારણ કે તેની કબૂતર પત્ની હજી સુધી પાછી આવી નહોતી.

આવા ભયંકર તોફાનમાં વિચારી કબૂતરી ક્યાં ફસાઈ ગઈ હશે? કેવી હાલતમાં એ હશે? એવા વિચારો કરીને તે ચિંતા કરતો હતો. એને કબૂતરી વગર જરાય ગમતું નહોતું.

 

પરંતુ એને બિચારાને એ વાતની જરાય ખબર નહોતી કે એની કબૂતર પત્ની તો નીચે જ હતી. એ તો ઝાડ નીચે ઊભેલા શિકારીના પાંજરામાં પૂરાયેલી હતી. એ શિકારીએ એને પકડી લીધી હતી.

પિંજરામાં પૂરાયેલી કબૂતરીએ પોતાના વિયોગમાં ૨ડતાં પોતાના પતિનો અવાજ સાંભળી લીધો ત્યારે બોલી ઊઠી. “મારા વ્હાલા સ્વામી! હું તમારું દુ:ખ સમજી રહી છું. પરંતુ અત્યારે હું શું કરું? કારણ કે અત્યારે શિકારીના પાંજરામાં પૂરાયેલી છું. પરંતુ આ શિકારી અત્યારે મારો શત્રુ છે. આમ છતાં આજ તો આપણે ઘરે આવેલા મહેમાન છે. એ જાતે જ શરદીના કારણે ધ્રુજી રહ્યો છે. એણે મને વરસાદના પાણીથી, હવાથી બચાવી રાખી છે. એવા ઘરે આવેલા મહેમાનની સેવા આપણે કરવી જ જોઈએ. અત્યારે આપણે મનમાંથી શત્રુભાવના કાઢી નાંખવી જોઈએ.”

પોતાની પત્નીની વાત સાંભળીને કબૂતર ખૂબ જ પ્રસન્ન થયું. કબૂતર ઝાડ ઉપરથી નીચે ઊતરી આવ્યું. શિકારીને કહ્યું: “હે પરદેશી ! ભલે તમે શિકારી છો. એટલા માટે અમારા શત્રુ છો. પણ અત્યારે મહેમાન બનીને આવ્યા છો. હું તમારા માટે દરેક પ્રકારની સેવા કરવા તૈયાર છું. હું અમારાં બધાં સાથીઓ તરફથી તમારું સ્વાગત કરું છું.”

આટલું કહીને એ કબૂતર દૂર-દૂર ઊડી ગયું. થોડીવાર પછી ક્યાંકથી સૂકા ઘાસના તણખલા, પાંદડાં વગેરે એ લઈ આવ્યું. કબૂતરે ક્યાંકથી અગ્નિ લાવીને બધું સળગાવ્યું.

આગ સળગતાં જ શિકારીની શરદી દૂર થઈ ગઈ. શિકારી ખૂબ જ પ્રસન્ન થયો. શિકારીએ કબૂતરને કહ્યું: “મિત્ર ! ખરેખર તું ઘણો સારો છે. તે આજે સાબિત કરી આપ્યું છે કે અતિથિ ધર્મ, માનવતાનો ધર્મ ઊંચો છે. તે મારા જેવા પાપી માણસ સાથે પણ ભલાઈભર્યું વર્તન કર્યું છે. મેં ક્યારેય કોઈને સુખ આપ્યું નથી. મેં ક્યારેય કોઈનું ભલું કર્યું નથી. આજે મને માનવતાનો પાઠ ભણવા મળ્યો છે. હું તો માનવી હોવા છતાં અત્યાચાર કરતો રહું છું. જ્યારે તું પક્ષી હોવા છતાં પણ આવા સંકટ સમયે આશરો આપે છે. મારા મિત્ર ! કબૂતરભાઈ ! તું ખરેખર મહાન છે.”

કબૂતરે ઠંડીથી બચવા માટે જે આગ સળગાવી હતી તે ધીરે ધીરે મોટી થવા લાગી. બંને વાતોમાં તલ્લીન બની ગયા હતા. બન્નેમાંથી કોઈનું પણ આગ તરફ ધ્યાન ગયું નહોતું. આગ વધતાં વધતાં કબૂતર સુધી પહોંચી ગઈ.

શિકારીએ પોતાનું તીર અને કમાન આગમાં નાંખી દેતા કહ્યું: “આજ પછી હું ક્યારેય કોઈ પક્ષી કે પશુનો શિકાર નહીં કરું. આ પ્રતિજ્ઞા હું અગ્નિની સાક્ષીએ કરું છું.”

પરંતુ ત્યાં સુધીમાં તો આગની જ્વાળાઓમાં કબૂતર સળગીને ભડથું થઈ ગયો. આ જોઈને શિકારી ખૂબ જ દુ:ખી થયો.

શિકારીએ પિંજરાનો દરવાજો ખોલી નાંખતા કબૂતરીને કહ્યું: “હવે તું જા. મારા તરફથી હું તને મુક્ત કરું છું.”

કબૂતરીએ પિંજરાની બહાર આવી અને કહ્યું: “હે માનવી ! હવે એ બધી વાતોનો સમય વીતી ગયો છે. આ કબૂતર જે આગમાં સળગી ગયું હતું તે મારો પતિ હતો. હવે હું એકલી જીવતી રહીને શું કરીશ?”

આમ કહીને કબૂતરી પણ પોતાના પ્રાણનો ત્યાગ કરવા માટે આગમાં કૂદી પડી.

 

Share Story

Leave a Comment